રસ્તા વચ્ચે પથ્થર (જોન કાનીસ)

હમણાં થોડા દિવસો પર એક સોસયટી આગળથી પસાર થતો હતો, ત્યાં મારી નજર સોસાયટીના નાકે રોડ પર પડેલા એક ગલૂડિયા પર ગઈ. ગલૂડિયું મરી ગયું હતું. અને એકાદ દિવસથી મરી ગયેલું કૂતરાનું બચ્ચું હવે ગંધાતું હતું અને એની દુર્ગંધ ન સહેવાતાં બાજુમાંથી પસાર થતા લોકો નાક દબાવતા યા નાકે રૂમાલ મૂકી ત્યાંથી ઝડપથી પસાર થઈ જતા હતા.

પસાર થતા લોકો આ મરેલા ગલૂડિયાને ત્યાંથી હઠાવવા બાબતે જાતજાતનાં સૂચનો કરતા હતા. કોઈ કહેતું –‘આને થોડે દૂર નહેર બાજુ ફેંકી દીધું હોય તો!’ કોઈ કહે – ‘આને ખાડો ખોદીને દાટી દીધું હોય તો ઓછામાં ઓછું આ દુર્ગંધ તો સહેવી ન પડે ને?’ તો કોઈ બાજુના ગામમાંથી હરિજનને બોલાવી લાવવા સૂચવતું.

હું ઊભો ઊભો આ ઘટના રસપૂર્વક નિહાળતો હતો. આ ઘટના નિહાળી બાળપણમાં શાળાજીવન દરમ્યાન શીખી ગયેલ એક નાનકડા બાળનાટકની કથા યાદ આવી ગઈ. નાટકની કથાનો સાર કંઈક આ પ્રમાણે છે. કોઈ એક દેશનો રાજા વેશપલટો કરીને નગરચર્ચા માટે નીક્ળે છે. (પહેલાંના સમયમાં રાજાઓ વેશ પરિવર્તન કરી પોતાના રાજ્ય અને પ્રજાની હાલત જાણવા, રાજ્યની પ્રજાની હાલત જાણવા, રાજયની પરિસ્થિતિનો સાચો તાગ મેળવવા રાજયના જુદા જુદા પ્રદેશોમાં છુપા વેશે ફરતા ને પ્રજાજનોનાં સુખદુ‌:ખનો ખ્યાલ મેળવતા. હા, રથયાત્રાઓ કે ક્રુષિમેળાઓનું આયોજન નહોતા કરતા; કારણ એમને ચૂંટણીનો સામનો કરવાનો નહોતો.)

રાજા એક જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં અચાનક એની નજર રસ્તાની બરાબર વચ્ચે એક પથ્થર પર જાય છે અને ‘આવડો મોટો પથ્થર આ રસ્તા વચ્ચે કોણે અને શા આશયથી ફેંક્યો હશે એવો પ્રશ્ન રાજાના મનમાં ઊઠે છે. રાજા એ પથ્થર હઠાવવા વિચારે છે; પણ ત્યાં એને વિચાર આવે છે – ‘લાવને, જોઉં તો ખરો, આ પથ્થર કેટલાને નડે છે અને એ લોકો આ પથ્થરનું શું કરે છે!’ આમ વિચારીને રાજા એક વ્રક્ષના થડ પાછળ સંતાઈને ઊભો રહે છે.

સૌ પ્રથમ એક ઘોડાગાડી વાળો આવે છે. એની ઘોડાગાડી પથ્થર સાથે અફળાય છે. ઘોડાગાડી ઊંધી પડતાં માંડ બચી જાય છે. ઘોડાગાડીવાળો નીચે ઊતરીને ગુસ્સે થઈ રસ્તા વચ્ચે પથ્થર ફેંકનારને બેચાર ચોપડી ઘોડાગાડી સાથે પસાર થઈ જાય છે. ત્યાર બાદ એક પનિહારી ત્યાંથી પસાર થાય છે. પથ્થરની ઠોકર વાગતાં માંડ એ પડતી બચે છે અને એની લાક્ષણિક શૈલીમાં ‘મૂઆ લોકો, રસ્તામાં રોડાં શું કામ નાખતાં હશે?’ બોલીને છણકો કરતી ચાલી જાય છે. રાજા આ બધો તમાશો નિહાળતાં મંદ મંદ હસે છે. ત્યાં તો રાજા પોતાના રાજ્યના કોટવાલને આવતો નિહાળે છે. કાયદાના આ રક્ષકને આવતો જોઈ રાજાનું કુતૂહલ વધે છે. એ વિચારે છે – ‘જોઉં તો ખરો, મારા રાજયના કાયદા અને વ્યવસ્થાનો આ રક્ષક શું કરે છે?’ હાથમાંનો દંડો હલાવતો, રૂઆબભેર ચાલતો કોટવાલ પથ્થર સાથે અથડાયછે અને ‘કિસ બદતમીઝને યે પથ્થર રાસ્તેમેં રખા હૈ’ કહીને ચાલતો થઈ જાય છે.

આમ એક પછી એક અનેક લોકો અહીંથી પસાર થાય છે અને પથ્થર સાથે અથડાય છે; પણ પ્રત્યેક અન્યનો દોષ કાઢીને પથ્થર હઠાવ્યા વિના જ ત્યાંથી પસાર થઈ જાય છે.

છેવટે રાજા હસતો હસતો ઝાડના ઓથેથી બહાર આવે છે અનયે કહે છે – ‘કેટલા બધા લોકોને આ પથ્થર નડે છે. દરેક એની ટીકા કરે છે અને એ માટે બીજાનો દોષ કાઢે છે; પણ એમાંનો કોઈ આ પથ્થરને બાજુ પર હઠાવવા પ્રયાસ કરતો નથી.’ અંતે, રાજા પોતે જ એ પથ્થરને બાજુ પર હઠાવીને ચાલ્યો જાય છે.

વાત નાની પણ ગહન અને અર્થગંભીર.

આ નાનકડી નાટ્યકથા આપણને ભારે મોટો સંદેશ પાઠવી જાય છે. આપણા કુટુંબ અને સમાજમાં આ જ પરિસ્થિતિ. આ જ પ્રકારનું મનોવલણ મોટે ભાગે આપણને જોવા મળે છે. આપણા સમાજમાં અનેક અનિષ્ટો ને કુરિવાજો, દુરાચાર, અનીતિ જોવા-સાંભળવા મળે છે. એની સામે એક વર્ગનું વલણ છે સતત ટીકા કરવાનું, એની વિરુદ્ધ બોલ્યા કરવાનું.

બીજો એક વર્ગ એવો છે જે આ બધાથી હતાશ બની નિષ્ક્રિય બનીને પ્રેક્ષક બની જોયા કરે અથવા ‘આપણે કેટલા ટકા’નું વલણ અપનાવી સમાજ મ્હો ફેરવી લે. (એક ત્રીજો વર્ગ છે જે સમાજ, કુટુંબ અને દેશના વિકાસના માર્ગમાં આવા વિધ્નોરૂપી પથરા નાખતો રહે અને એમના વિકાસમાં અવરોધો ઊભા કરે; પણ મારે એમની વાત નથી કરવી.)

હા, સમાજમાં અને ધાર્મિક સંઘોમાં અનિષ્ટો છે અને અનિષ્ટો ક્યાં નથી? ઈશ્વર સિવાય કોણ સંપૂર્ણ છે? તમે અને હું પણ ક્યાં સંપૂર્ણ છીએ? અને સમાજ કે કુટુંબ તમારા ને મારાથી જ બને છે ને? સમાજ ક્યારેય સંપૂર્ણ નહોતો, આજે પણ નથી ને ભવિષ્યમાં નહિ હોય.

પણ મૂળ પ્રશ્ન છે સમાજમાં પ્રવર્તમાન અનિષ્ટો પ્રત્યેનું આપણું વલણ. દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટચાર વિશે દેશનો સરેરાશ નાગરિક સતત બોલતો રહે છે અને સરકાર, તેમજ સંબંધિત અધિકારીઓની ટીકા કરતો રહે છે. જાહેર માર્ગો કે બસ સ્ટેશનો પર ગંદકી નિહાળી આપણે મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનનો દોષ કાઢીએ છીએ. (અલ બત્ત, આ સંસ્થાઓ એમની જવાબદારીઓ સુપેરે નિભાવતી નથી એ અંગે કોઈ વિવાદ નથી.) વાહનવ્યવહારના નિયમોનો છડેચોક ભંગ થતો નિહાળી આપણે ટ્રાફીક કંટ્રોલરને દોષ દઈએ છીએ પણ આપણે આ અનિષ્ટો સામે એક નાગરિક તરીકે ક્યારેય અવાજ ઉઠાવીએ છીએ ખરા? એને અટકાવવા આપણે આપણા પક્ષે કોઈ જવાબદારી નિભાવીએ છીએ ખરા?

મારે હમેશાં બસ અને પિયાગોમાં મુસાફરી કરવાની થાય છે. બસની રાહ જોઈને બસ સ્ટેશન પર ઊભો કે બેઠો હોઉ ત્યારે આજુબાજુ મોઢામાં ભરેલ ગુટકા કે અન્ય મસાલાની પિચકારીઓ બસ સ્ટેન્ડ પર કે આજુબાજુની દીવાલો પર મારી ભારત – પાકિસ્તાનના નકશા વગર કલર ને પીંછીએ ચિતરતા યુવાનો ને કેટલાક વડીલોને જોતો હોઉ છું. બસમાં બીડી કે સિગરેટના ધુમાડા કાઢી અન્ય મુસાફરોને પરેશાન કરતા અને કાયદાને ન ગાંઠતા વડીલોની આ બૂરી આદત મને પણ પીંડે છે. પણ હું જોઉં છું કે મોટેભાગે આ અનિષ્ટોને રોકવા ભાગ્યે જ કોઈ એમની સામે અવાજ ઉઠાવે છે અથવા એમને રોકવા પ્રયાસ કરે છે.

જાણે કે આપણે સમાજ અને રાષ્ટ્રમાં પ્રવર્તતા અનિષ્ટો પ્રત્યે સહિષ્ણુ બની ગયા છીએ – વધુ પડ તા સહિષ્ણુ; અથવા તો મોટા ભાગના લોકોનું વલણ એવું હોય છે કે દેશમાં પ્રવર્તતા અનિષ્ટો સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જવાબદારી સરકારની છે. સમાજમાં પ્રવર્તતા અનિષ્ટો સામે લડવાનું, અવાજ ઉઠાવવાનું કાર્ય સમાજના આગેવાનો-વડીલોનું છે.

આ સંદર્ભે મને દ્રૌપદી વસ્ત્રાહરણ સામે અવાજ ઉઠાવી કૌરવ સભા છોડી જતા વિકર્ણ, રાવણના સીતાહરણના કુત્ય સામે નારાજગી વ્યકત કરી રાવણ તેમજ લંકા ત્યજી જતા વિભીષણ, આધુનિક યુગમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરનારા શેષાન, ખેરનાર, કિરણ બેદી, અણ્ણા હજારે જેવા જાગરૂક કર્મશીલ અધિકારીઓનું સ્મરણ થાય છે. યરૂશાલેમના મંદિરને (પોતાના પિતાના ઘરને) લૂંટારાઓનો અડો બનાવી દેનારાઓ સામે અવાજ ઉઠાવતા અને દોરડીઓનો ચાબખો બનાવી એમને મંદિરમાંથી હાંકી કાઢતા, શરાફોના સિકકા વેરી નાખતા ને ગલ્લા ઉથલાવી નાખી ધર્મના નામે ચાલતા વેપલા સામે આક્રોશ પ્રગટ કરતા ભગવાન ઈસુને પણ કેમ ભૂલાય?

ચર્ચમાં પ્રવર્તમાન અનિષ્ટો સામે અવાજ ઉઠાવનાર બીજી પણ એક મહાન વિભૂતિ આ જ કાળમાં ઊભી થઈ- માર્ટિન લ્યુથર. પણ ઈગ્નાસ અને માર્ટિન લ્યુથર બન્નેનો અભિગમ સામસામેના છેડાનો રહ્યો. માર્ટિન લ્યુથરે ચર્ચમાં પ્રવર્તમાન અનિષ્ટો સામે અવાજ ઉઠાવ્યો અને હતાશ થઈને કેથોલિક સંપ્રદાયનો ત્યાગ કર્યો – એનાથી મ્હોં ફેરવી લીધું. ઈગ્નાસે ચર્ચમાં જ સભ્ય બની રહીને એમાં પ્રવર્તમાન અનિષ્ટોની ટીકા કરવાને બદલે એ અનિષ્ટોને હઠાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો. અને આપણે જાણીએ છીએ કે અનેક નવલોહિયા પ્રતિભાવંત યુવાનો એમની આ ઝૂંબેશમાં જોડાઈ ગયા – જોડાઈ ગયા કહેવા કરતાં સમર્પિત થઈ ગયા એમ કહેવું વધારે યોગ્ય હશે.

આમ, સમાજમાં અને દેશમાં પણ ત્રણ પ્રકારના લોકો – ત્રણ પ્રકારનું માનસ જોવા મળે છે.

- રસ્તામાં પડેલા અને સૌને નડતા પથ્થરની ટીકા કરી પોતાનો જ્વાબદારી પૂર્ણ થયાનો સંતોષ માનતા.
- પથ્થર હટાવી રસ્તો ચોખ્ખો કરનાર – અન્યોને માટે માર્ગ ખૂલ્લો કરનાર, અવરોધ હઠાવીને વિકાસનો માર્ગ ખુલ્લો કરતા.
- રસ્તા વચ્ચે પથ્થર ફેંકનારા અને એની સાથે અથડાઈ પડનારને નિહાળી એક છૂપો આનંદ-સંતોષ માનનારા.

તમે આ ત્રણમાંથી કયા પ્રકારમાં આવો છો?

Changed On: 01-08-2020
Next Change: 16-08-2020
Copyright@ John Canis

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.