જાતક કથાઓ (જ્યંત ભૂમેલિયા)

નવા ઝરણાની શોધમાં

વર્ષો પહેલાં એક વેપારી પોતાના કાફલા સાથે ચીજવસ્તુઓ વેચવા માટે બીજા દેશમાં જઈ રહ્યો હતો. કાફલો આગળ વધતાં એક રણ સુધી આવી પહોંચ્યો. હવે રણમાં તો, દિવસે રેતી અંગારાની જેમ તપે. તેથી દિવસ દરમ્યાન રણમાં ચાલીને જવું બહુ મુશ્કેલ હતું. માણસો તો ઠીક, તેમનાં ઊંટો ને બળદો પણ ચાલી શકે નહિ. તેઓ બધા મૂંઝવણમાં હતા. હવે કરવું શું? રણ તો પસાર કરવું જ પડે. કાફલાના નેતા વેપારીએ રણના એક ભોમિયાને શોધી કાઢ્યો. આ ભોમિયો રાતે તારા-નક્ષત્રોના આધારે રસ્તો બતાવી શકતો. આ ભોમિયાને લઈને તેઓ રણના રસ્તે આગળ વધ્યા. રાત દરમિયાન તેઓ રણમાં મુસાફરી કરતા આગળ વધતા.

એક સાંજે બધા વાળુ કરીને, રેતી ઠંડી થાય એની રાહ જોતા બેઠા હતા. તે રાતે રણના ભોમિયાએ આકાશમાં તારાઓ જોઈને જણાવ્યું કે તેઓ બધા હવે રણના છેડે પહોંચવામાં છે. હવે રણ પૂરું થવામાં છે. હવે બન્યું એમ કે તે રાતે પેલા ભોમિયાએ વધારે ખાઈ લીધું હતું. એટલે રાતની મુસાફરી દરમ્યાન ઊંટ પર બેઠાં બેઠાં ભોમિયાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. હવે પશુઓને તો તારાઓને ઓળખતાં ક્યાંથી આવડે? ભોમિયાનું ઊંટ તો સૌથી આગળ. બધાં ઊંટ-બળદોએ તો ધીમે ધીમે વળાંક લેતાં એક વર્તુળ પૂરું કર્યું અને તે રાતે જ્યાંથી ચાલવાનું શરૂ કર્યુ હતું ત્યાં જ પાછાં આવી ગયાં! સવારે બધાં જાગ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેઓ તો હતાં ત્યાં જ પાછાં આવી ગયાં છે!

બધા નિરાશ થઈ ગયા. ગુસ્સે થયા ને બબડાટ કરવા લાગ્યા. હવે તો તેમની પાસે પાણી પણ ખૂટી ગયું હતું. તેમણે માની લીધું કે હવે તેઓ બધા પાણી વિના તરસે મરી જવાના છે. તેમણે તો દોષનો ટોપલો વેપારી અને રણના ભોમિયાના માથે નાખ્યો. એ બધાએ કહી દિધું: ‘પાણી વિના અમારાથી આગળ નહિ વધાય.’

વેપારીએ વિચાર્યું: ‘જો આવી પરિસ્થિતિમાં હું જ હિંમત હારી જઈશ તો મારી નેતાગીરી શા કામની? જો હું પોતે જ નિરાશ થઈને દુર્ભાગ્યને રડવા બેસીશ તો આ બધો માલ, ઊંટો-બળદો, માણસો ને હું પોતે પણ હતા-નહતા થઈ જઈશું. મારે હિંમતથી, ઉત્સાહભેર આ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.’ આવું વિચારતાં તે આમતેમ આંટા મારી રહ્યો હતો.

એ દરમ્યાન અચાનક એની નજર ત્યાં ઊગી નીકળેલા થોડા ઘાસ પર પડી. તેણે વિચાર્યુ: ‘પાણી વિના આવા રણમાં ઘાસ ઊગી શકે નહિ.’ એટલે તેણે કેટલાક માણસોને બોલાવીને એ જગ્યાએ ખોદવાનું કહ્યું. માણસોએ એ જગ્યાએ બહુ ઊંડે સુધી ખોદયું. પણ આખરે ખોદતાં ખોદતાં પથ્થર નીકળ્યો. તેથી તેમણે ખોદવાનું બંધ કર્યું અને વેપારીને કહ્યું: ‘ આ બધા પ્રયત્નો નકામા છે. આપણે સમય બરબાદ કરી રહ્યા છીએ.’

આ સાંભળીને વેપારીએ શાંતિથી કહ્યું: ‘મારા વ્હાલા મિત્રો, એવું વિચારશો નહિ. જો આપણે પ્રયત્નો છોડી દઈશું તો આપણે બધાં જ આ રણમાં મરી જઈશું. આપણે ધીરજ રાખવી જોઈએ.’

આમ કહીને તે ખોદેલા ખાડામાં ઊતર્યો ને પથ્થર પર પોતાનો કાન મૂક્યો. તેણે ત્યાં ઊભેલા એક છોકરાને કહ્યું: ‘લે આ મોટો ઘણ, ને તોડી નાખ આ પથ્થર.’

છોકરાએ ધણ ઊંચક્યો ને જોર કરીને પથ્થર પર ઘા માર્યો. બધાંના આશ્ચર્ય વચ્ચે પથ્થરના બે ટુકડા થઈ ગયા ને ત્યાંથી પાણીનો ફૂવારો છૂટયો. બધા લોકો ખુશ થઈને નાચવા લાગ્યા. તેમણે પાણી પીધું, નાહ્યા. બળદો-ઊંટોને પણ નવડાવ્યા. જમવાનું બનાવ્યું ને ખાધું.

તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે ત્યાં એક નિશાની મૂકી, જેથી દૂરથી એ નિહાળીને નવા મુસાફરો આ નવા ઝરણા સુધી આવી શકે. પછી તેમણે સહિસલામત પોતાની મુસાફરી પૂરી કરી. (મુશ્કેલીઓ આવે છતાં માણસે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધીરજથી પ્રયત્નો કરવા જોઈએ.)

રૂપેરી માછલી

ઘણાં વર્ષો પહેલાં બ્રહ્મદત્ત નામે એક રાજા થઈ ગયો. તેની પાસે એક સારો મંત્રી હતો જે રાજાને સાચી સલાહ આપતો. આ મંત્રી પશુપંખીઓની ભાષા પણ સમજતો હતો. તે પશુપંખીઓ સાથે વાત પણ કરી શકતો હતો.

એક દિવસ આ મંત્રી તેના સાથીઓ સાથે નદીકિનારે ફરી રહ્યો હતો. નદીમાં માછીમારો જાળ નાખીને બેઠા હતા. મંત્રી તેના સાથીઓ સાથે માછીમારો પાસે આવ્યો. નદીમાં તેમણે જોયું કે બે મોટી માછલીઓ તરી રહી હતી. નર માછલી તેની સુંદર માદા માછલીની પાછળ આવી રહી હતી. માદા માછલીના ભીંગડા પર સૂર્યનો પ્રકાશ પડતો હતો. સૂર્યનો પ્રકાશ ભીંગડાં પરથી પરાવર્તિત થતાં આખેઆખી માછલી ચાંદી જેવી ચમકતી હતી. માદા માછલી બહુ સુંદર લાગતી હતી. વળી, તે એવી અદાથી તરી રહી હતી કે નર માછલી તેના પર બહુ મોહિત થઈ ગઈ હતી. નર માછલીને આજુબાજુનું કશું ભાન રહ્યું નહોતું. તેને તો સુંદર, આકર્ષક માદા માછલી જ દેખાતી હતી.

બન્ને તરતાં તરતાં જાળની નજીક આવ્યાં. માદા માછલીને જાળની ગંધ આવી ગઈ એટલે એ તો ક્ષણનોય વિલંબ કર્યા વિના એકાએક ત્યાંથી પાછી વળી ગઈ. પરંતુ નર માછલી તો તેની પાછળ આંધળી થઈ હતી. પરિણામે આ મોહજાળમાં ફસાયેલ તેને તેના માટે બિછાવેલ જાળનું ભાન ન રહ્યું અને તે જાળમાં ફસાઈ ગઈ.

માછીમારોએ જાળ ખેંચી લીધી અને એ નર માછલીને કિનારે ફેંકી. ત્યાર પછી માછીમારોએ આગ પ્રગટાવી અને એને શેકીને ખાવાની તૈયારી કરવા લાગ્યા. (આસકિત માનવીને અંધ બનાવે છે અને ઘણી વાર એના વિનાશનું કારણ બને છે.)

Changed On: 16-08-2020
Next Change: 01-09-2020
Copyright@ Jayant Bhumelia

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.