પ્રભુ ઈસુની દ્રષ્ટાંત કથાઓ (ફાધર જેમ્સ બી ડાભી)

બાઇબલમાં સંત માથ્થીના 13માં અધ્યાયમાં કલમ 1-52 સુધી ઈસુની જુદા જુદા માધ્યમો દ્વારા કહેલી દ્રષ્ટાંત ક્થાઓ છે.

ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા, અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી.

સોગણો પાક આવ્યો. ( માથ્થી 13‌:1-9)

તેમણે કહ્યું, “એક માણસ વાવવા ગયો. વાવતાં વાવતાં કેટલાંક બી પગથી પર પડયાં, અને પંખીઓ આવીને તે ખાઈ ગયાં. કેટલાંક ખડકાળ જગ્યાએ પડયાં, જ્યાં માટી ઝાઝી નહોતી. અને ત્યાં માટી ઊંડી નહોતી. એટલે એ બી એકદમ ઊગી નીકળ્યાં, પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયાં; અને મૂળ બાઝ્યાં નહોતાં એટલે સુકાઈ ગયાં. કેટલાંક બી ઝાંખરામાં પડ્યાં, અને ઝાંખરાં ફાલ્યાં એટલે તે ગૂંગળાઈ ગયાં. પણ કેટલાંક બી સારી જમીનમાં પડ્યાં, અને તેને પાક આવ્યો : કેટલાકને સોગણો, કેટલાંકને સાઠગણો, કેટલાંકને ત્રીસગણો. જેને કાન હોય તે સાંભળે!”

ઈસુના શ્રોતાઓ નાનકડી જમીન ધરાવનાર, થોડા પશુઓ રાખનાર માછીમાર મજૂરીયા છે. જેઓ જુએ છે ખરા પણ પારખતા નથી, સાંભળે છે ખરા પણ સમજતા નથી. ઈસુ આ શ્રોતાઓને ગહન વિષય કહી રહ્યા છે, પણ એમને સમજાય એવા શબ્દભંડોળમાં, રૂઢિપ્રયોગોમાં, અને કહેવતોમાં, શ્રોતાઓના નાનકડા ખેતરમાં જ એમને ચાર પ્રકારની જમીન જોવા મળશે. પડોશીના ખેતરથી પોતાના ખેતરને અલોગ પાડવા વાડ નથી, પણ પગદંડી છે. પગદંડી ખેતરની હદ પણ નક્કી કરી આપે અને પેલા સામેના ખેતરમાં જવા માર્ગ તરીકે પણ ઉપયોગમાં આવે.

પર્વતના ઢોળાવ નજીક ખેતર હોય તો ખડકાળ જમીન પણ ખેતરનો ભાગ બની જાય. ખેતરના કોઈક ભાગમાં કાંટાઝાંખરાનું ય સામ્રાજ્ય હોય. જો કે ખેતરનો મોટો ભાગ સારી જમીન હોય. બી વાવવાની રીત એવી હતી કે બી આ ચાર પ્રકારની જમીનમાંથી કોઈપણ એક પ્રકારની જમીનમાં પડી શકે. પીઠ પાછળ ચાદરની ફાંટ બાંધવામાં આવતી. જેમાં વાવવાનાં બી હોય. વાવનાર મૂઠ ભરીને બી હાથના ઝાટકાથી વેરતો. હાથનો ઝાટકો જોરથી વાગે તો બી ફંગોળાઈને ફૂટપાથ ઉપર પડે. વાવનારનો ઈરાદો તો બી સારી જમીનમાં જ વાવવાનો છે, પણ બીજા પ્રકારની જમીનોમાં બી પડતાં જ.

આ વાવનારનો જાત અનુભવ હતો. ઈસુ વાવનારના જાત અનુ ભવને વાચા આપે છે.
ઈસુ બી વાવનારના દ્ર્ષ્ટાંતનું અર્થઘટન કરે છે. એનો અર્થ શ્રોતાઓ એ દ્રષ્ટાંતનું પોતાને મન ફાવે એવું અર્થઘટન ન કરે એવી ઈસુની ઈચ્છા છે. ઈશ્વરના રાજ્યની વાણી સાંભળનારાં શ્રોતાઓને ઈસુ જાત અનુભવને આધારે ચાર કક્ષામાં વિભાજિત કરે છે. પહેલી ક્ક્ષાના શ્રોતાઓ વાણી સાંભળે છે, પણ વાણી સમજતા નથી. સાંભળેલું એક કાનમાંથી પ્રવેશે અને બીજા કાનમાંથી નીકળી જાય. સમજ્યા હોઈએ તો જ વાણી સચવાઈ રહે. અને સારી જમીન બની શકે. આ એનો વર્તમાન છે.

બીજા પ્રકારનાં શ્રોતાઓ એ હરખપદૂડા. આ શ્રોતાઓ વાણીથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય, પણ આ વાણી ઊંડે ઊતરી નથી. વાણીને જીવનમાં ઊતારવામાં મુશ્કેલી પડે ત્યારે વાણીને વગે કરી દે એવાં શ્રોતાઓ. સગવડ હોય ત્યાં સુધી વાણી પ્રમાણે ચાલીએ અને અગવડ પડે ત્યારે વાણીને ભૂલી જઈએ એવી માનસિકતા ધરાવતા શ્રોતાઓ.

ત્રીજા પ્રકારના શ્રોતાઓ ચિંતામાં ડૂબેલા છે. કારકિર્દિમાં પરોવાયેલા છે, પૈસા કમાવવામાં વ્યસ્ત છે. એ વાણી સંભળાઈ છે ખરી, સમજાઈ છે ખરી, પણ એ વાણીને વિકસવાનો અવકાશ મળતો નથી.

ચોથા પ્રકારના શ્રોતાઓ વાણીને સાંભળે છે, સમજે છે, અને જીવનમાં ઊતારે છે.
ખેડૂત પ્રેમ, આનંદ અને મોટી આશા રાખી જમીનમાં બી નાખે છે. તેમ ભગવાન પણ દરેક માણસના હ્રદયમાં ધર્મના બી વાવે છે, સુક્ત્યોનો મબલક પાક ઊતરશે એવી આશા રાખે છે. બીજના વિકાસ માટે ખુલ્લુ મન અને ઉદાર હ્રદય હોવું જોઈએ. ઈશ્વરની પ્રેરણાથી મનમાં જાગેલ શુભ સંકલ્પ તરફ ધ્યાન ન આપીએ તો ભગવાને વાવેલા મૂલ્યવાન બી માનસ પટ પર પડ્યા રહેશે તો જે બીમાં સોગણુ આપવાની શકિત હશે તે મરી જશે. હ્રદયમાંથી પથ્થરો કાઢીને ઝાંખરા દૂર કરી ભગવાન પાસે કુપાના વરસાદની માગણી કરીએ.

જંગલી ઘાસ (માથ્થી 13: 24-30)

લણણી સુધી ભલે બન્ને સાથે મોટાં થતાં.
ઈસુએ લોકો આગળ બીજી દ્રષ્ટાંતકથા રજૂ કરી: “ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં; પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલાં બેઠાં ત્યારે ઘાસ પરખાયું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું, ‘મોટાભાઈ, તમે ખેતરમાં સારાં બી નહોતાં વાવ્યાં? તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, ‘એ કોઈ દુશ્મનનું કામ છે.’ એના માણસોએ કહ્યું, ‘તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ?’ તેણે કહ્યું, ‘ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટાં થતાં. લણણી વખતે હું લણનારાઓને કહીશ કે, પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો, પછી ઘઉ મારા કોઠારમાં ભરો.’

ઈસુ સેતાનના પ્રપંચને સમજાવતી એક દ્રષ્ટાંતકથા કહે છે. જો દ્રષ્ટાંત કથામાંના ખેતરને આપણો સમાજ ગણીએ તો આપણે બધાં એ સમાજમાં પ્રભુએ પેદાં કરેલાં સજજ્નો અને સન્નારીઓ ગણાઈએ. હવે આપણે સહુ અજાણ હોઈએ એવી વેળાએ સેતાન આપણા સમાજમાં અનિષ્ટ તત્વો ઘુસાડી દે છે. આ અનિઅષ્ટ તત્વોનો ખ્યાલ ફળની મોસમ આવે ત્યારે. આ તત્વો સર્જનાત્મક પ્રવુતિ નહિ, પણ ખંડનાત્મક પ્રવુતિમાં જોતરાયેલાં હોય. પણ પ્રભુ તો ધીરજ રાખનાર છે. અનિષ્ટ તત્વ સમાજમાંથી કાઢી નાખવાની ઊતાવળ કરવાથી કોઈક સજ્જનને નુકસાન થઈ શકે છે. વળી, સમય આપવાથી અનિષ્ટ સજ્જ્ન બનવાની તક મળી શકે છે.

પ્રભુ તો દૂરંદેશી છે, એટલે જ સમાજમાં ચાલતા અનિષ્ટને સાંખી લે છે. પણ એક વખત એ અનિષ્ટનો પ્રભુ નાશ કરશે. સજ્જન અને સન્નારીઓને એમની સારપનો બદલો મળશે. સેતાન હંમેશા પ્રભુનો વિરોધ કરતું અદ્ર્શ્ય પરિબળ છે. સેતાન આપણને પણ પોતાના હાથા બનાવી શકે છે. ઈસુ આપણને આ હકીકતથી વાકેફ કરે છે.

આ શુભસંદેશમાં ઈસુ ખેતરમાં ઘઉંની ભેગા ઊગી નીકળેલા ઘાસનું દ્રષ્ટાંત શિષ્યોને એકાંતમાં સમજાવે છે. ઈસુએ આપેલા અર્થાને મારા વ્યક્તિગત જીવનમાં ગોઠવી જોઉં. ખેતર એટલે મારું જીવન. સારાં બી તે મારા સદ્દગુણો. સદ્દગુણો મારા જીવનમાં વાવનાર અને એ સદ્દગુણોનું સિંચન કરનાર તે ઈસુ. મારા જીવનમાં દુર્ગુણો છે, જે જંગલી ઘાસ છે, એ દુર્ગુણોને વાવનાર સેતાન છે. સદ્દ્ગુણો અને દુર્ગુણો સાથે જ વિકસે છે. જ્યારે તેઓ કાર્યમાં પરિણમે છે ત્યારે મને તેઓની અસર ખબર પડે છે.

મિત્રતા બાંધવાનો અને વિકસાવવાનો મારો સદ્દગુણ મને એક મિત્ર મેળવી આપે છે. ખૂબ ખુશ થઈ જાવું છું. હવે, એ મિત્રને હું જકડી રાખું છું, તેનો હું માલિક બની જાઉં છું. તેની સ્વતંત્રતા હું છીનવી લઉં છું. આ છે દુર્ગુણ. એ મિત્ર જો અન્ય કોઈનો મિત્ર બને તો મારામાં અદેખાઈ જાગે છે. આ છે દુર્ગુણ. મારા મિત્રનો બદલો લેવાની ભાવના જાગે છે. આ છે દુર્ગુણ. મારે મારા જીવનમાં નિયમિત સમયાંતરે દેવદૂતોને નિંદામણ કરવા આવવા દેવા જોઈએ.

દેવદૂતો એટલે ઉપદેશકો, પુસ્તકો, ધાર્મિક વિધિઓ. આ દેવદૂતો મારા જીવનમાંથી દુર્ગુણો ઊખેડી નાખશે અને મારા સદ્દગુણોને વિકસવાનો ઝાઝો અવકાશ કરી આપશે.

તે પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. (માથ્થી 13: 44-46)

ઈસુએ શિષ્યોને કહ્યું : “ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે, અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે.”

વળી, ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય : કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય, અને તેને એકાદ કીમતી મોતી મળે છે, એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે.”

ઈસુ ઈશ્વરના રાજ્ય સમજાવવા બે દ્ર્ષ્ટાંતો આપે છે. બન્ને દ્રષ્ટાંતો સમાન બોધપાઠ આપે છે: ઈશ્વરનું રાજ્ય પામવા સર્વસ્વનો ત્યાગ કરવો હિતાવહ છે. પહેલું દ્રષ્ટાંત ખેતરમાં દાટેલો ભંડાર. ભૂતકાળમાં બેકો નહોતી, જેમાં રોકડ અને દાગીના સહીસલામત રાખવામાં આવતાં. બેંકો તો વર્તમાન જીવનની વ્યવસ્થા છે. ભૂતકાળમાં ય નાણું અને દાગીના તો હતાં જ. નાણાં સિક્કાના રૂપમાં હતાં. આ સિક્કા અને દાગીના દેગમાં ભરી પોતાના જ ખેતરમાં દાટી દેવામાં આવતાં. આ હકીકત કદાચ ઘરધણી જ જાણતો, ઘરવાળી પણ એથી અજ્ઞાત હોય. ઘરધણીનું આકસ્મિક મુત્યુ થતાં એ ભંડાર ખેતરમાં જ દટાયેલો પડયો રહેતો. એકાદ મજૂરની નજરે એ ભંડાર ચઢી જાય તો એને ચોરવાને બદલે મોં માગી કિંમત ચૂકવીને એ ખેતર જ કેમ ખરીદી ન લેવું? ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા સર્વસ્વ જતું કરવું પડે તો ય ફાયદો જ છે.

બીજું દ્રષ્ટાંત કીમતી મોતી. મોતીની શોધમાં ફરતો વેપારી એવું મોતી મળી જાય તો એ મોં માગી કિંમત આપવા તૈયાર થાય. ઈશ્વરનું રાજ્ય અમૂલ્ય છે, જેને એ હાથ લાગે છે તે માલામાલ થઈ જાય છે. ઈશ્વરનું રાજ્ય એટલે પ્રેમ, શાંતિ, સંતોષ, શ્રદ્ધા, આશા, નિશ્ચિતતા, સમાનતા, દરિયાવદિલી. જેને આ મળ્યું એનું જીવન ધન્ય.

સારી સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબ ખરાબને ફેંકી દે છે (માથ્થી 13: 47-52).

ઈસુએ શિષ્યોને કહ્યું :”ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય, એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે, અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે.

ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા દરિયામાં નાખવામાં આવતી જાળનું દ્રષ્ટાંત કહે છે. ઈસુના ચાર શિષ્યો તો માછીમારી કરતા હતા એ વખતે જ પસંદગી પામ્યા હતા. જાળ નાખવાનો તો તેઓનો રોજિંદો અનુભવ હતો. ઈસુના શ્રોતાઓમાંના ઘણાં ખોરાક મેળવવા માછીમારી કરી જાણતા હતા. જ્યારે માછલાં પુષ્ક્ળ પ્રમાણમાં પકડાય ત્યારે પસંદગીનો સવાલ પેદા થતો હતો. સારી માછલીઓ પસંદ થતી અને ખરાબ માછલીઓ નાપસંદ થતી. આ જાળ એટલે ઈશ્વરનું રાજ્ય. આ દરિયો એટલે વિશ્વ. માછલાં એટલે વિશ્વના માનવો. ઈશ્વરના રાજ્યમાં સારા માનવો અને ખરાબ માનવો એમ બન્ને પ્રકારના માનવો છે. યુગના અંતે આ બન્ને વચ્ચે ભેદ પાડવામાં આવે છે. યુગના અંતે ખરાબ્ માનવો કરુણાંત અનુભવશે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માત્રથી સુખદ અંત અનુભવવા મળશે એવી બાંયધરી નથી. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાથી સારો માનવ બનવાની તક મળે છે અને શકયતા પણ ઊભી થાય છે.

બીજમાંથી વ્રુક્ષ (માથ્થી 13: 31-32, માર્ક 4: 30-32).

ઈસુએ કહ્યું, ‘ઈશ્વરના રાજ્યને આપણે શાની ઉપમા આપીશું? અથવા કયા દ્રષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું? એ રાઈના દાણા જેવું છે. એ દાણો વાવતી વખતે પ્રુથ્વી ઉપરનાં બધાં બીજોમાં નાનામાં નાનો હોય છે. પણ વાવ્યા પછી એ ઊગી નીકળે છે, અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે; અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશનાં પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે.

ઈસુ ‘ઈશ્વરનું રાજ્ય’ જેવો ભારે વિષય રાઈના દાણાની ઉપમા આપીને સમજાવે છે. ઈશ્વરના રાજ્ય માટે માનવે શરૂઆત કરી આપવી પડે, જેમ કે માનવ બી વાવે છે. હવે જેમ બી એની મેળે જ ઊગી નીકળે છે અને વિકસે છે, તેમ માનવે શરૂ કરી આપેલી કોઈ પ્રવ્રુતિ વિકસે છે.

ઈશ્વરનું રાજ્ય એટલે કે કોઈપણ શુભ કાર્ય ખૂબ નાના પાયા પર શરૂ થાય છે, પણ પછી તે એક મોટું વ્રુક્ષ બની જાય છે અને અનેકોને ફાયદો કરી આપે છે. દાખલા તરીકે, સંત ઈગ્નાસ લોયોલાએ દસ સભ્યોથી શરૂ કરેલો ઈસુસંઘ આજે દુનિયાના કેટલા બધા દેશોમાં કાર્યરત છે. નાની અમથી લાગતી પ્રવ્રુતિ ખૂબ મોટી થઈ અનેકોની સહાયક થાય, જેનો દાખલો સહકારી મંડળી છે.

કુટુંબનો માલિક ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢીને કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો તે નક્કી કરે છે, તે જ મુજબ ઈશ્વરના રાજ્યને આ બધાં દ્રષ્ટાંતો દ્વારા સમજનારે નક્કી કરવાનું છે કે ઈશ્વરના રાજ્યની કઈ સમજ તેને ક્યાં ઉપયોગમાં આવશે. ઈસુએ ઈશ્વરના રાજ્ય વિશેના જ્ઞાનનો ભંડાર પોતાના શ્રોતાઓ સમક્ષ ખૂલ્લો મૂક્યો છે.

Changed On: 01-09-2020
Next Change: 16-09-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.