English |
બાઈબલના શુભસંદેશકાર લૂક તેમના ગ્રંથમાં ઈસુ ભીડમાં આવી પડેલા લોકોનો ઉદ્ધાર કરવા આવ્યા એ વાત પર વિશેષભાર મુકે છે. એમાં આપણને ગરીબગુરબાં, અબળાઓ અને પાપીઓ પ્રત્યેની ઈસુની કરુણા અને ક્ષમાદ્રષ્ટિનાં દર્શન થાય છે. તેથી તેમને ‘ભીડભંજન’ પ્રભુ તરીકે રજૂ કરવામાં આવે છે. જાખ્ખી જકાતદારની ગણના ‘પાપી’માં થાય છે. ઈસુ તેના ઘરના મહેમાન બની તેનું હ્રદય પરિવર્તન કરે છે. જયારે બાર વર્ષથી રક્તસ્ત્રાવથી પીડિત સ્ત્રીને તેનો રોગ મટાડી નવું જીવન આપે છે.
જકાતદાર એટલે રોમન સામ્રાજ્ય માટે કરવેરા ઉઘરાવનાર પણ જકાતદાર રોમન નથી. જકાતદાર ઈસ્રાયલી અથવા યહૂદી છે. ઈસ્રાયલી હોવા છતાં પરદેશી સત્તા રોમનોની નોકરી કરતા હોઈ આ જકાતદારોને ઈસ્રાયેલી સમાજે બહિષ્કૃત કર્યા હતા. જકાતદારની હાલત ધોબીના કૂતરા જેવી હતી નહિ ઘરનો કે નહિ ઘાટનો. પૈસાની લેવડદેવડ હોવાથી જકાતદાર પૈસાપાત્ર હતા. મુખ્ય જકાતદાર શ્રીમંત હોય એમાં કોઈ નવાઈ નથી. યરીખો શહેરનો શ્રીમંત મુખ્ય જકાતદાર જાખ્ખી ઈસુ સાથેના વ્યવહારથી યુવાપેઢીની પ્રેરણામૂર્તિ બને છે.
જાખ્ખીને ઈસુને જોવાની જિજ્ઞાસા છે. સામાન્ય રીતે માનવની જિજ્ઞાસા જ માનવને પ્રવ્રુતિમય કરે છે. મને જાણવાની જિજ્ઞાસા થાય તો જ હું પુસ્તક ખોલીશ. મને જોવાની જિજ્ઞાસા થાય તો જ હું અકસ્માતના સ્થળે પહોંચી જઈશ. જાખ્ખીની જિજ્ઞાસા જાખ્ખીને ઊમરાના ઝાડ ઉપર ચઢાવે છે. મુખ્ય જકાતદાર અને શ્રીમંત એમ બેવડો મોભો ધરાવનાર કેવી બાળવ્રુતિ ધરાવે છે તે તેના ઝાડ ઉપર ચઢી જવાની પ્રક્રિયામાં જોઈ શકાય છે. બાળકને બીજા હસશે કે નહિ હવે એની પડી નથી હોતી. બાળકને તો જે કરવું છે તે કરે જ છે. આજનો યુવાન જાખ્ખી પાસેથી જિજ્ઞાસાવૃતિના પાઠ ભણી શકે. જાખ્ખીની જિજ્ઞાસા ઈસુને જોવાની છે. આ તો સારી જિજ્ઞાસા છે. જાખ્ખી પાસેથી બાળવૃતિ પણ શીખી શકાય. પોતાની ઊંચાઈ નિમ્ન કક્ષાની છે અને ભીડમાં ઈસુ ઘેરાયેલા છે. એટલે ઝાડનો સહારો લીધે જ છૂટકો. યુવાને પણ આવી બાળવૃતિ કેળવવાની છે. ઈસુ બાળવૃતિની પ્રશંસા કરે છે. બાલિશતાની નહિ.
ઈસુ જાખ્ખીના સ્વ આમંત્રિત મહેમાન બને છે. જાખ્ખીએ જેની કલ્પના પણ નહિ કરી હોય એવું બની રહ્યું છે. કહેવત છે : લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય. મળેલી તકને ઝડપી લેવામાં પ્રજ્ઞા છે. જાખ્ખી એવું જ કરે છે. જાખ્ખી યુવાનોને શીખવે છે કે, a bird in the hands is better than tin in the bush અર્થાત હાથમાં આવેલી તકને ઝડપી લો, વધારે સારી તકની રાહ ના જોશો. જાખ્ખી ઈસુના યજમાન બને છે. ઈસુનું સાંનિધ્ય અને સામીપ્ય જાખ્ખીમાં આમૂલ પરિવર્તન લાવે છે. પૈસાનો પૂજારી જાખ્ખી ઈસુનો પૂજારી બને છે. જાખ્ખીમાં થયેલું આ પરિવર્તન જાખ્ખીના નિર્ણયોમાં જોઈ શકાય છે. જાખ્ખી પોતાની મિલકતનો અડધો ભાગ ગરીબોને દાનમાં આપે છે. જાખ્ખીનો બીજો નિર્ણય છે કે જેઓને જાખ્ખીએ છેતર્યા છે તેમણે જેટલું છેતરપિંડીનું લીધું છે એનું ચારગણું પાછું આપવાનું. યુવાન પણ કારકિર્દીમાં અને શ્રીમંતાઈમાં આળોટતો હોય. જો આ યુવાન પણ જાખ્ખીની માફ્ક ઈસુ તેના જીવનમાં પ્રવેશવા માગતા હોય તો ઈસુનો સત્કાર કરે તો એ યુવાન જીવનપલટો અનુભવી શકે. ઈસુ તો કહે છે કે તેઓ બારણે ઊભા રહીને ટકોરા મારે છે. યુવાને પોતાના હ્રદયના દ્વાર ઈસુ માટે ખોલી નાખવાનાં છે, જેમ જાખ્ખીએ ખોલી નાખ્યાં હતાં.
બાર વરસથી રકતસ્ત્રાવથી પીડાતી બહેનનું નામ નથી આપવામાં આવ્યુ કે ગામ નથી આપવામાં આવ્યું. પણ એ બહેન વિષે જે કઈ માહિતી આપવામાં આવી છે તેનાથી એ બહેનનું વ્યક્તિત્વ જાણી શકાય. આજથી બરાબર બે હજાર વર્ષ પૂર્વે રક્તસ્ત્રાવ જીવલેણ રોગ હશે જે ધીમેધીમે મારતો હશે. બહેન છેલ્લાં બાર વર્ષથી આ રોગથી પીડાય છે. આવી રોગી બહેન પાસેથી શું શીખી શકાય જુઓને. એ બહેન તો અનેક દાકતરો પાસે સાજા થવા માટે ગઈ છે. એના રોગની ગંભીરતા અને અવરધિ આ બહેનની સાજા થવાની ઈચ્છા ઉપર પાણી ફેરવી વાળતાં નથી. બહેનને સાજા થવું જ છે. બહેનની વાસ્તવિકતા વરવી છે, પણ તેને લીધે બહેન નાસીપાસ નથી થઈ ગઈ. સાજા થવાના તેના પ્રયત્નો ચાલુ છે. યુવાનો ક્યારેક પરિસ્થીતી સમક્ષ ઝૂકી જાય છે. રકતસ્ત્રાવવાળી બહેન પોતાના જીવનથી યુવાવર્ગને સમજાવે છે કે દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે.
દુકાળમાં અધિક માસ આ બહેનની બીમારી તો મટતી નથી, પણ પૈસો સઘથો ખલાસ થઈ ગયો છે. આટઆટલો ખર્ચો કર્યા પછી પરિણામ એ આવ્યું છે કે પહેલાંના કરતાં બહેનની હાલની સ્થિતિ બદતર છે. બહેન ભાંગી પડવાને આરે આવી પહોંચી છે. એ break point આવે એ પહેલાં ઈસુ એ બહેનના જીવનમાં પ્રવેશે છે. બહેન છેલ્લા બાર વરસથી રોગી હોઈ ઈસુના રૂબરૂ સંપર્કમાં આવી શકી નથી. ઈસુનો જે કંઈ પરિચય આ બહેનને છે તે ઉછીનો અથવા ઉપરવાડનો છે. જેઓએ ઈસુને જોયા છે અને સાંભળ્યા છે તેઓ ઈસુ વિશે વાતો કરે છે. બહેન ઈસુના આવા આડકતરા અનુભવ આધારિત ઈસુની સાજા કરવાની શક્તિમાં શ્રદ્ધા મૂકે છે. અનુભવ થયા પછી શ્રદ્ધા મૂકવી કદાચ સહેલી છે, પણ અન્યના અનુભવને આધારે શ્રદ્ધા મૂકવી એ અવશ્ય મહાન છે. આ બહેન યુવાવર્ગને શીખવે છે કે માબાપ અને વડીલોને જીવનનો અનુભવ છે. એટલે એમના અનુભવમાં શ્રદ્ધા મૂકી યુવાવર્ગ આ વડીલોની સલાહો સ્વીકારે એમાં યુવાવર્ગનું ભલું છે.
આ બહેનની શ્રદ્ધાનો તો કંઈ પાર નથી. એ નથી ઈસુની સામે આવતી કે નથી મોઢામોઢ વાત કરતી. આ બહેન નથી પોતાના દર્દનું વર્ણન કરતી કે નથી પોતાની નિષ્ફળતાને વાગોળતી. એ તો ચોરીછૂપીથી છાનીમાની ઈસુની પાછળ આવે છે અને ઈસુના વસ્ત્રની કોરને અડે છે. ઈસુમાં જ સાજા કરવાની શક્તિ નથી, ઈસુએ પરિધાન કરેલા વસ્ત્રમાં પણ સાજા કરવાની શક્તિ છે. આવી ઊંડી શ્રદ્ધા આ યુવતી વ્યક્ત કરે છે. ગાઢ શ્રદ્ધાની અભિવ્યક્તિ છે. ઈસુના કોરનો સ્પર્શ અસાધ્ય રોગ મટી જાય છે. રોગ મટાડનાર દવા છે. બહેનની શ્રદ્ધા. આ બહેન યુવાનોને આવી શ્રદ્ધા કેળવવા આમંત્રણ આપે છે. બીમારી જેવી વિષમ પરિસ્થિતિમાં ઈસુમાં ઊંડી શ્રદ્ધા ધરવાથી બીમારી ઉપર વિજય મેળવી શકાય છે. બીમારી છે તો સામે ઈસુ પણ છે જ. બીમારી ઉપર ઈસુનો વિજય જોવો હોય તો આપણે ઈસુને આપણી શ્રદ્ધાનો સહકાર આપવો જોઈએ.