સંપત્તિવાન યુવાન (ફાધર જેમ્સ બી ડાભી)

ધનવાન હોવું એ પાપ નથી. પરંતુ જો ધનવાન એવું માની બેસે કે પૈસો જ બધુ ખરીદી શકે છે સ્વર્ગ પણ. ધનવાનને પ્રભુની જરૂર ન લાગે. ધનવાનને અન્ય લોકોના આધારની જરૂર નથી. આવી વ્યક્તિ પોતાની પાસે રહેલી સંપત્તિ સરળતાથી અન્યોના ભલા માટે વાપરી શકે નહિ. આવા જ એક પૈસાપાત્ર યુવાન ઈસુ પાસે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા કયું સારું કાર્ય કરવું તે વિશે પૃચ્છા કરે છે. ઈસુની પાસે માર્ગદર્શન માટે આવે છે. અતિ ઉત્સાહમાં આવેલો યુવાન એટલી જ નિરાશામાં પાછો જાય છે. કારણ, ‘તે ભારે સંપત્તિનો ધણી હતો.’ પૈસા ખાલી કરવામાં અસલામતી લાગી. યુવાન ખાલી ના થઈ શક્યો.

એક માણસે આવીને ઈસુને કહ્યું, “ગુરુજી, કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે?”

તેમણે જવાબ આપ્યો, “સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર છે. પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર...”

પેલા જુવાને કહ્યું, “એ બધું તો હું પાળતો આવ્યો છું. છતાં મારામાં શી ઊણપ છે?”
ઈસુએ તેને કહ્યું, “તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે, અને જે ઊપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યાં ભંડાર મળશે. એ પછી આવ, મારા પગલે ચાલ.”

પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ, તે ભારે સંપત્તિનો ધણી હતો. (માથ્થી 19, 16-22).

સંપત્તિવાન યુવાન પાસેથી આજના લોકો પાઠ શીખી શકે છે. સંપત્તિવાન હોવા છતાં આ યુવાન આજ્ઞાપાલન કરનાર છે. સંપત્તિના મોહમાં સંપત્તિવાનને આપણે કાયદાની પરવાહ ન કરતા અનુભવ્યા છે. આ યુવાન આજ્ઞાપાલનનો પાઠ આજના લોકોને શીખવે છે.

આ યુવાનમાં પૂર્ણતા પામવાની મહત્વાકાંક્ષા છે. પૂર્ણ થવાની ઇચ્છા શુભેચ્છા છે. આ યુવાન આજની યુવાપેઢીને સંપૂર્ણ બનવા માટે પ્રેરણા આપે છે. યુવાન સંપત્તિ ધરાવે છે. સંપત્તિને યુવાનનું have કહેવાય. યુવાન આજ્ઞાપાલન કરનાર છે. આજ્ઞાપાલનને યુવાનનું is કહેવાય. છતાં યુવાન પોતામાં અધૂરપ અનુભવે છે. એટલે જ યુવાન શ્રેષ્ઠ માર્ગદર્શક એવા ઈસુ પાસે પહોંચે છે. ઈસુ કોઈના પર બોજ નાખવા માંગતા નથી. જે તેને અનુસરવા માંગે છે તેની શ્રદ્ધાની કસોટી કરી પડકારે છે, જેથી તે સંપૂર્ણ બને. પ્રભુ ઈસુ, જે ભારે બોજા નીચે દબાયેલ છે અને જે એમને અનુસરે છે તેમની સાથે છે. ભૌતિક સંપત્તિવાન ધનિક નથી. જે ઈશ્વને આધીન છે. પ્રભુની ઇચ્છા પૂરી કરે છે તે ધનિક છે. આજનો યુવાન આ યુવાન પાસેથી એક અગત્યની બાબત શીખી શકે છે કે યુવાને સાચા માર્ગદર્શક પારખવાની સૂઝ ધરાવવી અને સાચા માર્ગદર્શક પાસે જ પહોંચી જવું. ક્યારેક ખોટા માર્ગદર્શકનો ભેટો થઈ જવાની શક્યતા પણ ખરી.

ઈસુ આ યુવાનને જે સલાહ આપે છે તે સલાહ આ યુવાન સ્વીકારી શકતો નથી. ઈસુ પામી જાય છે કે આ યુવાનને સંપત્તિનો વળગાડ છે. સંપત્તિ જીવનનિર્વાહ માટે જરૂરી. સંપત્તિ માનવનું સર્વસ્વ નથી. જો સંપત્તિને સર્વસ્વ માની બેસવામાં આવે તો સંપત્તિ જ માનવનું નિયંત્રણ કરવા લાગી જાય. યુવાન બધી બાબતમાં સંપત્તિનો જ વિચાર કરશે. દાખલા તરીકે આ યુવતિ સાથે લગ્ન કરું તો મને કેટલી સંપત્તિ મળશે અને પેલી યુવતિ સાથે લગ્ન કરું તો કેટલી સંપત્તિ મળશે. પોતાના જીવનસાથી તરીકે કઈ યુવતિ સાથે વધુ મેળ ખાશે એ મૂળભૂત બાબત તો બાજુ પર રહી જાય છે. યુવાન સંપત્તિના આ બંધનથી મુક્ત રહે એવું ઈસુ ઇચ્છે છે. આ યુવાન એવી મુક્તિ માટે તૈયાર નથી. બીજા શબ્દોમાં કહીએ તો, યુવાને પૈસો અને પ્રભુ વચ્ચે પસંદગી કરવાની છે. પૈસો અને પ્રભુ એક મ્યાનમાં બે તલવાર સમાન છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ પૈસો મહત્વનો બની જાય તો પ્રભુ ભૂલાઈ જાય અને પ્રભુ મહત્વનો બની જાય તો પૈસો ગૌણ બની જાય. ઈસુની ઇચ્છા છે કે યુવાન પ્રભુને મહત્વ આપતો હોય, પોતાની કારકિર્દીને નહિ. પ્રભુને ભોગે કારકિર્દી પ્રાપ્ત કરવાની યુવાનમાં વૃત્તિ છે. સંપત્તિવાન યુવાન પ્રભુને છોડવા તૈયાર છે, પણ પોતાની સંપત્તિને નહિ. આજના યુવાનમાં પૈસો એ જ પરમેશ્વર છે એવી વૃત્તિ આવી શકે છે. એવા યુવાનો માટે આ સંપત્તિવાન યુવાન દીવાદાંડીરૂપ છે. એ સંપત્તિવાન યુવાને પૈસાને માટે પ્રભુને છોડી દીધા. આજનો યુવાન તેની પાસેથી આ જ શીખી શકે છે કે ક્યારેય પૈસાને માટે પ્રભુનો ભોગ ન આપવો.

Changed On: 01-10-2020
Next Change: 16-10-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.