બાઇબલની વૈવિધ્યસભર નારીઓ (ફાધર જેમ્સ બી ડાભી)

બાઈબલમાં જૂનો કરાર (Old Testament) અને નવો કરાર (New Testament) બે ભાગ છે. જૂના કરારમાં ઉમદા, પ્રેમાળ અને વીરાંગનાઓની કથા છે. યોખેબેદ જે પોતાના નવજાત શિશુને બચાવવા મથે છે. તો રૂથની કૌટુંબિક ફરજ પૂરી કરવાની ત્યાગ ભાવના જોવા મળે છે. જ્યારે યહૂદિથ જેનો અર્થ થાય છે ‘યહૂદી નારી’. જે પોતાના લોકોને બચાવવા દુશ્મનનો સંહાર કરતી અબળાએ બતાવેલી વીરતા તથા દેશદાઝ અને દેશાભિમાનથી સભર રાજાની પટરાણી બનેલી એસ્તર પોતાના લોકોનું નિકંદન નિવારવામાં સફળ રહેલી નારીની કથા છે.

યોખેબેદ (મહાપ્રસ્થાન 2)

યોખેબેદ નામ અજાણ્યું હશે, પણ પેલી પંક્તિ યાદ કરીએ તો યોખેબેદની ઓળખ થશે. કવિ જનનીને કહે છે. ‘જનની જન એવો જણ જે જ્ઞાની, દાતા કે શૂર નહિ તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર.’ યોખેબેદ જન્મ આપે છે મોશેને. મોશે એક શૂરવીર છે તેઓ ઇસ્રાયેલી પ્રજાને મહાસત્તા ઇજિપ્તની ગુલામીમાંથી એકલે હાથે છોડાવીને વચનદત ભૂમિ ઇસ્રાયેલમાં વસાવે છે.

યોખેબેદ લેવીવંશની યુવતી છે અને તેના જ વંશના અમારાની પત્ની છે. આ દંપત્તી ઇજિપ્ત દેશમાં અન્ય ઇસ્રાયેલીઓ સાથે વસે છે. યોખેબેદ પુત્ર અહરોન અને પુત્રી મિરિયમની માતા બની ચૂકી છે. હવે, મહાસત્તા ઇજિપ્તની રાજગાદી પર નવો રાજા બિરાજમાન થયો છે. આ રાજાએ એક અત્યંત ક્રૂર કિમીયો અજમાવ્યો છે. ઇસ્રાયેલી સ્ત્રીઓની પ્રસુતિ માટે ઇસ્રાયેલી દાયણો નીમી છે. ઇસ્રાયેલી દાયણોને પ્રસુતિ સમયે જો પુત્રનો જન્મ થયો હોય તો એ પુત્રના ગળે ટૂંપો દેવાનું ફરમાન છે. આવા માહોલમાં યોખેબેદને ત્રીજી પ્રસુતિ આવવાની છે. એ પ્રસુતિમાં મોશેનો જન્મ થાય છે. ઇસ્રાયેલી દાયણ પહોંચે એ પહેલા યોખેબેદ મોશેને જન્મ આપી ચૂકી છે. તે પુત્રને સંતાડી દે છે, જેથી પુત્રનું રક્ષણ થાય. જો યોખેબેદ પુત્રને સંતાડવામાં પકડાઈ જાય તો યોખેબેદનો જીવ પણ લેવામાં આવે. યોખેબેદને એક પુત્ર અને એક પુત્રી છે જ, છતાં તે પોતાના ત્રીજા સંતાન માટે જીવનું જોખમ ખેડે છે. યોખેબેદ જન્મ આપતી પ્રત્યેક યુવતિ માટે પ્રેરણારૂપ બની શકે છે. પ્રભુ જે સંતાન આપે તેને સ્વીકારવાનું. તે સંતાનને જન્મ આપવાનો, પ્રભુના મનમાં આ સંતાન માટે કોઈ મોટી અને વિશિષ્ટ યોજના હશે જેમ મોશે માટે હતી.

યોખેબેદ નવજાત મોશેને ત્રણ મહિના માટે સંતાડી રાખે છે. પણ હવે મોટા થતા દીકરાને સંતાડી રાખવો અશક્ય છે. યોખેબેદ એક કરંડિયામાં બાળક મોશેને સુરક્ષિતપણે પોઢાડે છે અને કરંડિયો નીલ નદીના કિનારે બસુના છોડવાઓ વચ્ચે ગોઠવી દે છે. બાળકની બહેન મરિયમને ત્યાં ચોકી કરવા ઊભી રાખે છે. યોખેબેદને પ્રભુમાં અપાર વિશ્વાસ હશે કે જેને પ્રભુ રાખે તેને કોણ ચાખે? બાળકની સારસંભાળ અને ઉછેરમાં પ્રત્યેક માતા પ્રભુ ઉપર અઢળક ભરોસો રાખે એ યોખેબેદ પાસેથી શીખી શકાય. પ્રભુ યોખેબેદની શ્રદ્ધાનું ફળ આપે છે. બાળકને મહાસત્તા ઇજિપ્તના રાજાની રાજકુંવરી જ દત્તક લે છે. આ બાળકના સ્તનપાન માટે મિરિયમની સિફારિસથી રાજકુંવરી યોખેબેદને જ નોકરીએ રાખે છે. તે જમાનામાં બાળકનું સ્તનપાન ત્રણ વર્ષની ઉંમર સુધી ચાલતું. મોશે ત્રણ વર્ષનો થાય છે ત્યારે મોશેની સગી જનેતા યોખેબેદ નિઃસ્વાર્થપણે મોશેની સાવકી જનેતા રાજકુંવરીને ધરી દે છે. યોખેબેદ દિલ પર પથ્થર રાખીને પોતાના દીકરાનું અર્પણ કરે છે. એ દીકરો પ્રભુની યોજના પાર પાડવાનો છે. આજની માતાઓને પોતાના દીકરાઓને પ્રભુની યોજના પાર પાડવા પ્રભુને અર્પણ કરવાનો પાઠ યોખેબેદ શીખવે છે.

રૂથ

રૂથ ઇસ્રાયેલ દેશની પૂર્વમાં આવેલા મોઆબ દેશની વતની છે. સંબંધની દ્રષ્ટિએ ઇસ્રાયેલીઓ મોઆબીઓને હલકા ગણે છે. ઇસ્રાયેલીઓ અબ્રાહામના વંશજો છે. મોઆબીઓ અબ્રાહામના ભત્રીજા લોતના વંશજો છે. મોઆબીઓનો જન્મ લોત અને તેની મોટી દીકરી વચ્ચેના સંબંધથી થયો છે. આ સંબંધ ઇસ્રાયલીઓને અસ્વીકાર્ય છે. રૂથ આવી એક અસ્વીકાર્ય પ્રજામાં જન્મી છે. જન્મ તો કહેવાતી ઉચ્ચ કે કહેવાતી નીચ જ્ઞાતિમાં થયો હોય એ આપણા હાથની વાત નથી. આપણે આપણા જીવનને એવી રીતે જીવીએ કે જીવન ઉચ્ચ ગણાય. રૂથના જીવનથી આપણને આ બોધપાઠ મળે છે.

દુકાળનો ભોગ બનેલા બેથલેહેમનું એક ઇસ્રાયલી પરિવાર પેટિયું રળવા મોઆબ દેશમાં હિજરત કરે છે. પરિવારમાં માતાપિતા અને બે પુત્રોનો સમાવેશ છે. પરદેશની ધરતી પર પિતાના અવસાન પછી બન્ને પુત્રો મોઆબી યુવતિઓને પરણે છે. નાની મોઆબી પુત્રવધૂ તે રૂથ બન્ને ભાઈઓના અવસાન થતા બે મોઆબી પુત્રવધૂઓ વિધવા બને છે. તેઓની ઇસ્રાયલી સાસુ પરદેશ છોડીને સ્વદેશ બેથલેહેમ પાછી આવવા તૈયાર થાય છે કારણ દુકાળ ટળી ગયો છે. ઇસ્રાયલી સાસુ અત્યંત વ્યવહારું છે. એટલે પોતાની બન્ને પુત્રવધૂઓને તેઓની મોઆબી જાતિમાં પરત ફરવા આગ્રહ કરે છે. જયેષ્ઠ પુત્રવધૂ તો મોઆબીઓ સાથે પાછી ચાલી જાય છે. નાની પુત્રવધૂ પાછી નહિ જ જવાનો નિર્ણય કરી બેઠી છે.

રૂથ મોઆબી છે. તેનો ઇસ્રાયલીઓ સ્વીકાર નહિ જ કરે. ઇસ્રાયલીઓમાં દિયરવટુ કરવાનો રિવાજ છે. પણ રૂથનો કોઈ દિયર નથી. રૂથની સાસુ હાલમાં સગર્ભા નથી કે રૂથ એ ન જન્મેલા દિયરની આશામાં તેની સાસુ સાથે બેથલેહેમ આવે. રૂથની સાસુ એટલી ઉંમરની થઈ ગઈ છે કે જો તે હવે લગ્ન કરે તો પણ સગર્ભા ન બની શકે. ટૂંકમાં, ભરયુવાનીમાં વિધવા બનેલી યુવતી રૂથ સાથે લગ્ન કરી શકે એવો કોઈ યુવક નથી. છતાં રૂથ પોતાની વિધવા સાસુને એકલી મૂકીને પોતાના મોઆબી લોકોમાં પાછી જવા રાજી નથી. કારણ, એટલું જ છે કે તેની સાસુ વિધવા છે, તેની સાસુ પુત્ર વિનાની છે. તેની સાસુનો કોઈ સહારો નથી. સાસુ તો રૂથને પાછી જવા આગ્રહ કરે છે, પણ રૂથ સાસુને એકલી મૂકીને પાછી જવા હરગિજ તૈયાર નથી. રૂથ પોતાની સાસુને સાચવી લેવા સ્વાર્પણ કરે છે. પોતાની જાતનું બલિદાન અન્યના કલ્યાણ અર્થે આપવાનો ઉમદા પાઠ રૂથ આજની યુવાપેઢીને શીખવે છે. (મોઆબી) ઉત્પતિ 19 : 30-38)

યહૂદિથ

યહૂદિથ એક ઇસ્રાયલી સ્ત્રી છે. તે યુવાન વયે વિધવા થઈ છે. સવા ત્રણ વર્ષ સુધી તેણે પતિના વિયોગનો શોક પાળ્યો છે. તે હમેશા વિધવાનો નક્કી કરેલો પહેરવેશ પરિધાન કરે છે અને અગત્યના ધાર્મિક દિવસો અને પર્વોને બાદ કરતા રોજ ઉપવાસ કરે છે. પૈસેટકે તે ખૂબ આત્મનિર્ભર છે તેની સામે કોઈ આંગળી ચીંધી શકે એમ નહોતું.

તે સમયમા ઇરાક દેશના રાજા નબુખદનેસ્સરે પડોશી દેશના રાજા ઉપર ચઢાઈ કરવાનું નક્કી કર્યું. આ યુદ્ધમાં તેણે આજુબાજુના દેશોને સામેલ થવા ફરમાન કર્યું. જે જે દેશો આ યુદ્ધમાં સામેલ ના થયા તે દેશો ઉપર નબુખદનેસ્સેરે પોતાના સેનાપતિ હોલોફર્નેસને મોકલી આપ્યો. આ દેશોએ નબુખદનેસ્સરની શરણાગતિ સ્વીકારવાની હતી અને નબુખદનેસ્સરને દેવ માનીને પૂજવાનો હતો. હોલોફર્નેસે તો દેશોને હરાવવાનું ચાલુ કરી દીધુ. અમાનદેશને હરાવીને ત્યાંના વતની અખિયોરને હોલોફર્નેસ ઇસ્રાયલ વિષે પૂછપરછ કરે છે. અખિયોર જણાવે છે કે ઇસ્રાયલીઓને જીતવા ભારે છે. હોલોફર્નેસ અખિયોરને ઇસ્રાયલમાં મોકલે છે. જો હોલોફર્નેસ ઇસ્રાયલને જીતી શકે તો અખિયોરને આવી વાત કહેવા બદલ મારી નાખવામાં આવશે. હોલોફર્નેસ ઇસ્રાયલના શહેરને ઘેરો ઘાલે છે. ઇસ્રાયલીઓની પૂર્વ તૈયારી છતાં હોલોફર્નેસને શહેરને ઘેરો ઘાલતો રોકી શકતા નથી. હવે શહેરમાં પાણીની તંગી ઊભી થઈ છે. ઇસ્રાયલીઓ હોલોફર્નેસને તાબે થવા તૈયાર છે. શહેરના વડા લોકોને પાંચ દિવસ પ્રાર્થના અને ઉપવાસમાં ગાળવા કહે છે. જો એ દરમ્યાન કોઈ ચમત્કાર ના થાય તો હોલોફર્નેસને તાબે થઈ જવાનું નક્કી કરે છે.

યહૂદિથને કાને આ વાત આવે છે. તે શહેરના આગેવાનોને બોલાવીને તેમને કહે છે કે આપણે પ્રભુને સમય મર્યાદા ન આપી શકીએ. પ્રભુની મરજી ઉપર છોડી દઈએ. આપણે નબૂખદનેસ્સરને દેવ તરીકે સ્વીકારવા તૈયાર ના થઈએ. આગેવાનો યહૂદિથની વાત માની ગયા. યહૂદિથે એક યોજના બનાવી. હોલોફર્નેસ તો શહેર બહાર ઘેરો ઘાલીને પડયો છે. યહૂદિથ તેને કોઈક અગત્યની બાતમી આપવાની છે એવું કહી તેને મળે છે. હોલોફર્નેસ તો યહૂદિથની વાતોમાં આવી જાય છે. અને તેના ઉપર વિશ્વાસ કરવા લાગી જાય છે. આમ તો હોલોફર્નેસને યહૂદિથ ઉપર પ્રેમ થઈ જાય છે. પણ યહૂદિથનો હેતુ તો હોલોફર્નેસનું કાસળ કાઢી નાખવાનો છે. યહૂદિથ હોલોફર્નેસ સાથે રોજનો ઘરોબો કેળવતી જાય છે. હોલોફર્નેસ એક રાત્રે દારૂના ઘેનમાં આવી જાય છે અને યહૂદિથ તેનું માથું તલવારથી કાપી નાખે છે. પોતાની પવિત્રતા અને શુદ્ધતા જાળવી રાખી યહૂદિથ ઇસ્રાયલીઓને ઉગારી લે છે.

આ હિંસા પ્રેરણાદાયી નથી. પણ યુવાન યહૂદિથ જીવનું અને જાતનું જોખમ ખેડીને પોતાના લોકોને પ્રભુથી વિમુખ ન થવા જે પરાક્રમ કરે છે તે આપણને જરૂર પ્રેરણા આપી શકે છે.

એસ્તેર

એસ્તેરનું મૂળ નામ હદસ્સા હતુ. તેનાં માબાપ મૃત્યુ પામ્યા હતાં. તે તેના કાકાના દીકરા મોર્દેખાઈની પ્રેમભરી સંભાળમાં ઉછરી હતી. તે ઇસ્રાયલની ધરતી પર નહિ, પણ યરુશાલેમવાસીઓને રાજા નબૂખદનેસ્સર ઇરાકની ધરતી પર દેશવટે લઈ ગયો હતો. ત્યાં મોર્દેખાઈ સાથે વસતી હતી એ પરદેશના રાજા અહશ્વેરોશની રાણી બને છે. પણ તેણે પોતાના પિત્રાઈ ભાઈ મોર્દખાઈની સલાહ માનીને પોતે એક ઇસ્રાયલી છે એવું જાહેર કર્યુ નહોતું. તેનું નામ પણ બદલીને એસ્તેર પાડવામાં આવ્યું હતું.

મોર્દેખાઈને એક અંગત બાતમી મળે છે કે રાજા સાથે રિસાયેલા બે દરબારીઓ રાજાનું ખૂન કરવાનું કાવતરું રચે છે. મોર્દેખાઈ આ બાતમી એસ્તેરને આપે છે. એસ્તેર રાજાને જણાવે છે કે મોર્દેખાઈને આ બાતમી મળી છે. રાજા તપાસ કરાવે છે. વાત સાચી નીકળતાં રાજા આભારવશ બનીને મોર્દેખાઈની રાજદરબારમાં નિમણૂંક કરે છે. રાજા પેલા બે દરબારીઓને ફાંસીએ લટકાવે છે. પણ રાજાના એક માનીતા દરબારી હામાનને મોર્દેખાઈનું આ કરવું ગમ્યું નહિ અને હામાને મોર્દેખાઈ અને સહુ ઇસ્રાયલીઓને નુકસાન પહોંચાડવાનો નિર્ણય કર્યો. હામાનને રાજા બધા અમલદારોનો ઉપરી બનાવે છે. હવે, બધા હામાનને સલામ ભરે છે. મોર્દેખાઈ સલામ ભરતો નથી. એટલે હામાન માત્ર મોર્દેખાઈને જ નહિ પણ બધા જ યહૂદીઓને મારી નાખવાનો નિશ્ચય કરે છે તે રાજાની ભંભેરણી કરે છે અને રાજા દ્વારા એક હુકમ જાહેર કરાવે છે જે મુજબ આખા રાજ્યમાં બધા જ યહૂદી સ્ત્રીપુરુષોને એક નક્કી દિવસે મારી નાખવા.

આ હુકમની જાણ થતાં મોર્દેખાઈ અને એસ્તેર આકુળવ્યાકુળ થઈ જાય છે. બન્ને વચ્ચે સંદેશાવ્યવહાર થાય છે. બન્ને પ્રભુને પ્રાર્થના કરે છે. એસ્તેર રાણી છે. એણે રાજા પાસે જવાનું છે અને આ હુકમ પાછો ખેંચાવવાનો છે. તે રાજા પાસે જઈને રાજાને અને હમાનને જમવાનું આમંત્રણ આપે છે. રાજા ભોજનથી ખુશ થાય છે અને એસ્તેરને જે માગવુ હોય તે માગવાનું વરદાન આપે છે. એસ્તેર તો એટલું જ માગે છે કે ફરી વાર જમવા પધારો અને તે વખતે પોતાના મનની માગણી રજૂ કરશે. બીજી વારના ભોજન પછી એસ્તેર રાજ પાસે પોતાને અને પોતાના લોકોને જીવતદાન આપવાની માગણી કરે છે. રાજાને ત્યારે જાણ થાય છે કે હામાને જે હુકમ રાજા પાસે બહાર પડાવ્યો છે તે એસ્તેર અને યહૂદીઓ વિરુદ્ધનો છે. રાજા હામાનને મૃત્યુદંડ આપે છે. રાજા અન્ય એક પત્ર પાઠવીને યહૂદીઓને બચાવી લેવાનો હુકમ કરે છે.

રાણી એસ્તેર પોતાના પદનો પોતાના લોકો માટે સદુપયોગ કરે છે. જો તે રાણીપદે ના હોત તો તેના લોકો રાજાના હુકમનો ભોગ બન્યા હોત. યુવાન એસ્તેર આપણને પોતાની આવડત અને પોતાના સ્થાનનો સમાજના વિકાસ માટે વાપરવા પ્રેરણા આપે છે.

Changed On: 16-10-2020
Next Change: 01-11-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.