ઈસુની વંશાવળી ફાધર (જેમ્સ બી ડાભી)

જૂના કરારમાં ઇસ્રાયેલી પ્રજાના દિલમાં આદર્શ રાજા તરીકે ખ્યાતિ પામેલ રાજા દાવિદ અને તેના પછી યોગ્ય ચુકાદો આપનાર, જેના સમયમાં દેશમાં જાહોજલાલી હતી અને ઇસ્રાયેલમાં ‘મંદિરનું નિર્માણ’ કરનાર રાજા સલોમનની કથા છે.

વરસો પછી રાજા દાવિદના વંશજ ઈસુના પાળક પિતા નવા કરારમાં માથ્થીકૃત શુભસંદેશમાં ‘ઈસુની વંશાવળી’માં યોસેફનું નામ આવે છે.

દાવિદ

દાવિદ યાકોબના બાર દીકરાઓમાંથી એક યહૂદાના વંશમાં જન્મ્યા હતા. યહૂદા વંશના પહેલાં રાજા તરીકે દાવિદનો રાજ્યાભિષેક નબી શમૂએલે કર્યો હતો. તેમની પહેલાંના રાજા શાઉલને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. પણ રાજા શાઉલે ગાદી છોડી નહોતી. ઈસ્રાયલની પશ્ચિમ દિશામાં પલિસ્તી નામની જાતિનો દેશ હતો. આ જાતિ ઇસ્રાયલની દુશ્મન હતી અને ઇસ્રાયલને હંફાવતી હતી. રાજા શાઉલ આ પલિસ્તીઓ સામે સ્વબચાવ માટે ઝઝૂમતો હતો. પલિસ્તીઓ મધ્યે એક કદાવર યોદ્ધો હતો. આ યોદ્ધાનું નામ ગોલ્યાથ હતું. આ યોદ્ધો કોઈપણ એક ઈસ્રાયલીને તેની સાથે દ્નન્દ્ધ યુદ્ધ ખેલવા પડકાર ફેંકતો હતો. એક પણ ઇસ્રાયલી આ બીડું ઝડપવા તૈયાર નહોતો. એ જ સમયે નવો અભિષિકત યુવાન દાવિદ રણભૂમિમાં આવે છે. ગોલિયાથનું ઇસ્રાયલના પ્રભુનું અપમાન કરવાનું દાવિદને પસંદ પડતું નથી. કાયર ઇસ્રાયલીઓ પ્રત્યે દાવિદને અનુકંપા પ્રગટે છે. દાવિદને ગોલિયાથની શરત મંજૂર છે. ગોલિયાથ સામેના દ્વન્દ્ધ યુદ્ધમાં જે જીતે તેનો દેશ જીત્યો કહેવાય. દાવિદ પ્રભુ ઉપર ભરોસો મૂકીને પોતાની આવડતનો ઉપયોગ કરવા આગળ આવે છે. દાવિદની આવડત ગોફણબાજી છે. દાવિદ ગોફણ દ્વારા એક પથ્થર ગોલિયાથને એવો તો મારે છે કે ગોલિયાથ ઢળી પડે છે. આ પ્રસંગ પરથી આજના યુવાને હિંસા કરવાનું શીખવાનું નથી, પણ દાવિદની માફક પ્રભુ ઉપર ભરોસો રાખવાનું શીખવાનું છે અને પોતાને મળેલી આવડતનો ઉપયોગ આખા સંઘના ઉત્કર્ષ માટે વાપરતાં શીખવાનું છે. ગોલિયાથ નામની મુશ્કેલીનો સામનો કરવા એક પણ ઇસ્રાયલી તૈયાર નહોતો ત્યારે યુવાન દાવિદ સાંઢને સિંગડેથી પકડે છે. કોઈક મહા મુસીબત સામે આખો સંધ નિરાશ થઈ ગયો હોય ત્યારે યુવાને એ મુસીબતનો ઉકેલ લાવવા પહેલ કરવાનું દાવિદ પાસેથી શીખવાનું છે.

યુવાન દાવિદનો અન્ય એક ઉમદા ગુણ પણ આજના યુવાને જીવનમાં ઊતારવા લાયક છે. પદભ્રષ્ટ રાજા શાઉલ નવો અભિષિકત રાજા દાવિદ પ્રત્યે અદેખાઈથી સળગે છે. એટલે જ શાઉલ દાવિદને મારી નાખવા દાવિદનો પીછો કરે છે. રાજા શાઉલને રસ્તામાં હાજતે જવાની ફરજ પડે છે. હાજત માટે શાઉલ જે ગુફામાં જાય છે એ જ ગુફામાં દાવિદ ભયનો માર્યો ભરાયો છે. દાવિદને શાઉલનો જીવ લેવાની સહેલી તક છે. પણ દાવિદ રાજા શાઉલ ઉપર હાથ ઉગામતો નથી. કારણ, રાજા શાઉલ ઈશ્વરનો અભિષિક્ત છે. દાવિદ રાજા શાઉલની આમન્યા જાળવે છે. માટે ઈશ્વર તરફથી નિયુક્ત થયેલાં માબાપ, વડીલો, શિક્ષકો, ધર્મગુરુઓ આ બધાંની આમન્યા જાળવવી, તેઓનું અપમાન ન કરવું, તેઓ કદાચ ભૂલમાં હોય તો પણ તેમની ભૂલો સમક્ષ આંખ આડા કાન કરવાનું રાજા દાવિદ પાસેથી શીખી શકે છે.

શલોમોન

શલોમોન રાજા દાવિદનો પુત્ર છે. રાજા દાવિદના મૃત્યુ પછી શલોમોન ઇસ્રાયલનો રાજા બને છે. ગિબ્યોન પર્વત ઉપર શલોમોન રાજા બન્યા પછી પ્રભુને આહુતિ ચઢાવવા ગયો છે. ત્યાં સ્વપ્નમાં પ્રભુ તેને દર્શન દે છે અને શલોમોનની જે ઈચ્છા હોય તે માગવા કહે છે. યુવાનને તો કેટલી અભિલાષાઓ અને મહત્વાકાંક્ષા હોય. ઉચ્ચ પગારવાળી નોકરી, ખાનદાન કુટુંબની કન્યા, ચુસ્ત તંદુરસ્તી અને લાંબુ જીવન એ કોઈ પણ યુવાનની ખેવના હોય. યુવાન શલોમોન આમાંનું કશું માંગતા નથી. માંગે છે. પ્રજ્ઞા, વિવેકબુદ્ધિ, નીરક્ષીર વસ્તુ વિવેક. શલોમોન માછલી માંગવાને બદલે જાળ જ માગે છે. જાળ હશે તો માછલીઓ પક્ડવાનું ચાલુ રહેશે. માછલી હશે તો એક વખત ખવાઈ ગયા પછી ફરી હાથ લાંબો કરવા પડશે. યુવાન શલોમોન પાસેથી આટલું શીખી શકાય કે મારા જીવનમાં અત્યારે કઈ એક કે બે બાબત સૌથી જરૂરી છે એ નક્કી કરીને એ બાબત હસ્તગત કરવા પ્રયત્ન કરવો. પ્રભુ જરૂર એ બાબત પૂરી પાડશે. વિદ્યાર્થીકાળમાં પરીક્ષામાં ઉજ્જવળ સફળતા એ સૌથી અગત્યની બાબત છે. એ પરિણામ માટે પ્રયત્ન કરવાથી એ પરિણામ મળશે જ.

રાજા શલોમોન એ વિવેકબુદ્ધિનું અને એ પ્રજ્ઞાનું પ્રદર્શન તેમણે આપણને આપેલા વિશ્વવિખ્યાત ચૂકાદામાં કરાવે છે. બે માતાઓએ પોતપોતાના પુત્રને જન્મ આપ્યો છે. રાત્રે એક માતાનો પુત્ર મૃત્યુ પામે છે. મરણ પામેલા પુત્રની માતા જીવતા પુત્રને તેની માતા પાસેથી ઊઠાવી લે છે અને તેની જગ્યાએ પોતાના મૃત પુત્રને ગોઠવી દે છે. આ આખો બનાવ રાતના અંધકારમાં માત્ર આ બે માતાઓની હાજરીમાં બન્યો છે. કેવી રીતે નક્કી કરવું કે જીવતા પુત્રની સાચી જનેતા કોણ છે? આ ચૂકાદો આપવામાં નિયમો કે પેટાનિયમો કામમાં ના આવે. અહીં તો કોઠાસૂઝ કામમાં આવે, પ્રજ્ઞા કામમાં આવે. રાજા શલોમોન સાંભળે છે કે બન્ને માતાઓને પુત્ર જોઈએ છે. શલોમોન પુત્રના ટુકડા કરી બંન્ને માતાઓને એક એક ટૂકડો આપવાનો ચૂકાદો આપે છે. સાચી જનેતાને મૃત ટૂકડો મંજૂર નથી. તેને તો દીકરો જીવતો રહે એ મંજૂર છે. પછી ભલે એ દીકરો જૂઠી જનેતાના ખોળામાં હોય. એટલે સાચી જનેતા આ ચૂકાદાનો વિરોધ કરે છે. શલોમોનની પ્રજ્ઞા પડઘો પાડે છે કે એ જ સાચી જનેતા છે. જીવતો દીકરો એના ખોળામાં મૂકવામાં આવે છે. આજનો યુવાન શલોમોન પાસેથી શીખી શકે કે કેવી રીતે મૂંઝવણભરી પરિસ્થિતિમાં ઠંડા દિમાગથી કામ લઈ સાચો માર્ગ શોધી શકાય. ઉતાવળા કે બહાવરા થઈ જવાને બદલે ધીરજથી અને શાંતિથી સમસ્યાનો સામનો કરવાથી ઉકેલ હાથ લાગી શકે છે.

યોસેફ (ઈસુના પાળક પિતા – મરિયમના પતિ)

ઈસ્રાયલ એટલે કે યાકોબના દીકરા યહૂદાના વંશમાં યોસેફનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન દક્ષિણ ઈસ્રાયલનું બેથલેહેમ ગામ હતું. રોજગાર માટે તેઓ ઉત્તર ઇસ્રાયલના નાસરેથ ગામમાં સ્થાયી થયા હતા. જે મરિયમનું વતન હતું. યોસેફની સગાઈ મરિયમ સાથે થઈ હતી. યોસેફ ઉંમરમાં મરિયમ કરતા બેત્રણ વર્ષ મોટા હશે, કારણ તેમના સમાજનો રિવાજ આવો હતો.

સગાઈ થયા પછી અને લગ્ન થવા પહેલાં યોસેફના જીવનમાં ઝંઝાવાત આવે છે. જેમની સાથે તેઓની સગાઈ થઈ છે તે મરિયમ સગર્ભા છે. સામાન્ય પુરુષના મનમાં આવે એવા વિચારો યોસેફને આવે છે. સગાઈ પછી તરત જ મરિયમ પોતાની સગી એલિસાબેત સગર્ભા હોવાને કારણે તેઓને મદદ કરવા નાસરેથથી દૂર ગયા હતા. ત્યાં એલિસાબેત સાથે મરિયમ ત્રણેક મહિના રોકાયા હતાં. પાછાં આવ્યાં ત્યારે તેઓ સગર્ભા નજરે પડ્યા છે. યોસેફ મરિયમ સાથે લગ્ન નહિ કરે એવું તેઓ નક્કી કરી દે છે. પણ મરિયમને છૂટા કરવા બાબતે યોસેફ સમક્ષ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ યોસેફ જાહેર કરે કે મરિયમના ગર્ભમાં ઉછરતું બાળક યોસેફનું નથી. પરિણામ એ આવશે કે નાસરેથના લોકો મરિયમને પથ્થરે પથ્થરે મારી નાખશે. બીજો વિકલ્પ યોસેફ છાનામાના નાસરેથ છોડી ચાલ્યા જાય અને મરિયમને છૂટા કરી દે. પરિણામ એ આવશે કે નાસરેથના લોકો મરિયમના ગર્ભમાં ઊછરતા બાળકને યોસેફનું માનશે અને મરિયમને જીવવા દેશે, પણ બાળક અનાથ ગણાશે એ બાળક બાર વર્ષની ઉંમરે ઇસ્રાયલી નાગરિક ના પણ બની શકે. યોસેફ સમક્ષના બન્ને વિકલ્પ પ્રભુની મુક્તિ યોજનાને અવરોધરૂપ છે. પ્રભુની મુક્તિ યોજના તો જ પાર પડ઼ે જો યોસેફ સગર્ભા મરિયમને સ્વીકારે. જેથી જન્મ લેનાર બાળક ઇસ્રાયલી સમાજનો સભ્ય બની શકે.

પ્રભુ જ યોસેફને સ્વપ્નમાં મરિયમની સગર્ભાવસ્થાનું સત્ય અથવા રહસ્ય જણાવે છે. યોસેફ પ્રભુની વાત કોઈ પણ જાતના વાધા અથવા વિરોધ વિના સ્વીકારી લે છે. યોસેફ પાસેથી કોઈપણ યુવાન ઘણું શીખી શકે છે. મરિયમ સગર્ભા હોવા છતા યોસેફ મરિયમનો જીવ જાય અથવા મરિયમની આબરૂ જાય એ જોવા જરાય તૈયાર નથી. આ ગુણને પરકેન્ટ્રી કહેવાય. સામાની લાજશરમનો વિચાર કરતાં આપણે અમલમાં મૂકવા ધારેલી યોજના બાજુ પર મૂકી દઈએ એવું યોસેફ પાસેથી શીખી શકાય. યોસેફ પ્રભુની વાત તરત જ માની જાય છે. અને મરિયમને પોતાને ઘેર લઈ આવે છે. પ્રભુ યુવાનના અંતરમાં પણ સમસ્યાના સમયમાં જરૂરથી કંઈક સમજાવે છે. યોસેફની માફક યુવાન કહ્યાગરો બની પ્રભુની વાત સ્વીકારી લે એમાં શાણપણ છે.

Changed On: 01-11-2020
Next Change: 16-11-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.