મા મરિયમ (ફાધર જેમ્સ બી. ડાભી, એસ. જે.)

મા મરિયમની પ્રથમ ઓળખ નાસરેથ ગામની કુંવારી કન્યાના રૂપમાં થાય છે. મરિયમની સગાઈ થઈ ચૂકી છે. એમની ઉંમર પંદર વર્ષની આંકી શકાય. તેઓ પ્રભુએ માનવજાતની મુક્તિ માટે ધડી કાઢેલી યોજનામાં સક્રિયપણે સહભાગી થાય છે. એ યોજના મુજબ પ્રભુ પવિત ત્રૈક્યનો બીજો જણ માનવ બનવાનો છે. માનવ બનવા માટે માતાની જરૂર છે. એ માનવ બનતા પ્રભુ પોતે પ્રભુ પણ રહેશે અને માનવ પણ બનશે. એવી એ યોજના છે. એટલે જન્મ આપનાર માતા અન્ય માતાઓ જે રીતે સગર્ભા બને છે તે રીતે નહિ બને, કોઈપણ પુરુષની સહાય વિના મરિયમ પ્રભુને પ્રતાપે સગર્ભા બનશે. મરિયમ તો આ મહાન રહસ્ય અને ચમત્કાર સમજશે, પણ જેમની સાથે તેમની સગાઈ થઈ છે તે યોસેફ સમજશે? મરિયમના માબાપ સમજશે? મરિયમનો સમાજ સમજશે? એટલે જ સમસ્યા સર્જાશે.

નાસરેથ ગામની આ યુવતિ પાસેથી આજનો યુવાનવર્ગ એક સત્ય શીખી શકે છે. પ્રભુ માનવજાતના જુદા જુદા સમાજોની મુક્તિયોજના ઘડતા જ રહે છે. એ યોજના માટે પ્રભુ એ જ સમાજના યુવાવર્ગનો સહકાર માગે છે. મરિયમ તો જાતનું જોખમ ખેડીને એ સહકાર આપવા તૈયાર થાય છે. મરિયમે પોતાનું કુંવારાપણું ત્યજ્યા વગર સગર્ભા બનવાનું છે. પણ એમનો સમાજ એ રહસ્ય નહિ પામી શકે. એ સમાજ તો એટલું જ સમજશે કે અપરિણિત મરિયમના ગર્ભમાં બાળક છે માટે મરિયમે વ્યભિચારનું પાપ કર્યું છે. વ્યભિચાર પાપ માટે એમના સમાજે પથ્થરે પથ્થરે મારી નાખવાની સજા ફરમાવી છે. મરિયમ પ્રભુને ના પાડી દે તો પોતાના જીવને જોખમમાં ન મૂકવું પડે. પણ પ્રભુને ના પાડવાથી પ્રભુની મુક્તિયોજના અટકી જઈ શકે. મરિયમ પ્રભુને પ્રાધાન્ય આપે છે, પોતાના જીવને નહિ. આજના યુવાવર્ગ માટે આ મહાન પાઠ છે. યુવાને પોતાની કારકિર્દીને પ્રાધાન્ય આપવા કરતા પ્રભુની યોજનાને પ્રાધાન્ય આપવું જોઈએ.

મરિયમ એક બીજો પણ પાઠ ભણાવે છે. આવું જોખમ ખેડવામાં તેઓ પ્રભુમાં ઊંડો વિશ્વાસ વ્યક્ત કરે છે કે જે પ્રભુ તેમનો સહકાર માગી રહ્યો છે તે જ પ્રભુ તેમને પથ્થરે પથ્થરે મારતા બચાવી જ લેશે. આવો વિશ્વાસ પ્રભુમાં મૂકવાનું સહુએ શીખવાની જરૂર છે. મરિયમ આપણા જ જેવાં એક નિર્બળ માનવ હતાં. છતાં તેઓ જો આવો વિશ્વાસ વ્યક્ત કરી શક્યાં, તો આપણે પણ પ્રભુમાં વિશ્વાસ વ્યક્ત કરી શકીએ છીએ. પ્રભુએ મરિયમના વિશ્વાસને સંપૂર્ણ માન આપ્યું અને સૌ પ્રથમ મરિયમ સાથે સગાઈ થઈ છે તે યોસેફને સમજાવી લીધા. જેવા યોસેફ આ મહાન રહસ્ય અને ચમત્કાર સમજ્યા કે આખી યોજના એકદમ સરળ થઈ ગઈ. મા મરિયમ અમને તમારી માફક પ્રભુમાં ઊંડો વિશ્વાસ મૂક્તાં અને પ્રભુની યોજના માટે જીવનું જોખમ ખેડતાં શીખવાડો. (લૂક 8, 1-3).

Changed On: 01-12-2020
Next Change: 16-12-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.