પૂર્વના પંડિતો

તે બેથલેહેમ ગામને છેવાડે ગમાણમાં જન્મ્યો. તેના મિત્રો હતા માછીમારો, કર ઉઘરાવનારાઓ અને પશ્ચાતાપી પાપીઓ. તેને નહોતી પત્ની, બાળકો કે પોતાનું કુટુંબ. તે પોતાની માતૃભૂમિમાં રહ્યો. તે ત્રીસેક વર્ષનો થયો ત્યાં સુધી પોતાના પાળક પિતા સાથે સુથારનું કામ કર્યું. પછી તે એક રખડતો ધર્મોપદેશક બન્યો. તેણે કદી કોઈ હોદ્દો સંભાળ્યો નહીં. તે કદી કૉલેજમાં ગયો નહોતો. તેની પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું. તેની ઓળખ તે પોતે હતો. તેણે કદી કોઈ ચોપડી લખી નથી. તે પોતાના જન્મ સ્થળેથી 200 કીલોમીટર કરતાં દૂર કદી ગયો નથી. તે હજી યુવાન હતો ત્યારે જાહેર મતનો વંટોળ એને ઘેરી વળ્યો. એના બધા મિત્રો ભાગી ગયા. તેને ક્રૂસે જડી દઈને નામોશીભરી રીતે મારી નાખવામાં આવ્યો. અને તેને ઉછીની કબરમાં દાટી દેવામાં આવ્યો. તે સંપૂર્ણપણે ખાલી થયો.

આ હતો નાઝરેથનો ઈસુ.

વીસ વીસ સદીઓ આવી અને ગઈ. આજેય તે માનવ ઇતિહાસના ફલક પર કેન્દ્રસ્થાને બિરાજે છે. સૈકાઓથી જગતને ખૂણેખાંચરે, નાઝરેથના ઈસુએ પોતાનાં જીવન, કવન અને શિક્ષણ દ્વારા આ ધરતી પર ચાલેલા કોઈપણ કાચી માટીના માનવ કરતાં વધારે લોકોને પ્રેરણા આપી છે. (ફાધર રેમન્ડ એ. ચૌહાણ, એસ.જે. )

એજ છે જગતમાં જન્મ લેતા પ્રત્યેક મનુષ્યને પ્રકાશિત કરનાર જ્યોતિ ઈસુ. જે દિવસે ઈસુએ બેથલેહેમમાં જન્મ લીધો તે જ દિવસે એમણે કેટલાક ભરવાડોને જ્ઞાનપ્રકાશ દીધો હતો. શ્રમજીવી વર્ગના માણસો હતા એ. સાવ સાધારણ માણસો. દુઃખ એટલે શું એની એમને ખબર હતી. રાતે એમનાં ઘેટાંબકરાંની તેઓ ચોકી કરતા હતા. બીજી તરફ, પૂર્વમાંથી આવેલા પંડિતોને (માગી રાજા) એમણે જ્ઞાનપ્રકાશ દીધો હતો. આ લોકો શ્રીમંત હતા, વિદ્વાન હતા, રાજકર્તા વર્ગના પ્રતિનિધિ હતા; અને એમનાં જ્ઞાન અને અધિકારને લીધે સમાજમાં એમનું ઉચ્ચ સ્થાન હતું. ભરવાડો યહૂદીઓ હતા; આ પંડિતો વિધર્મી હતા. આમ યહૂદીઓ અને વિધર્મીઓ બંનેને પ્રકાશ આપવા એમનું આગમન થયું હતું.

ભરવાડોની પાસે એમણે દેવદૂતને મોકલ્યો હતો. પંડિતોની પાસે એમણે પોતાના સંદેશવાહકરૂપે એક રહસ્યમય તારો મોકલ્યો હતો. એ તારો આકાશમાં ઓચિંતાનો દેખાયો. આ પંડિતો આકાશી ગ્રહતારાઓની વિદ્યામાં પારંગત હતા. પહેલાં તો આ વિચિત્ર તારો જોઈને તેઓ મૂંઝાયા, પણ પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે આ તારો એમને ઈશ્વરનો સંદેશો પહોંચાડવા આવ્યો છે કે સફળ જગતના પ્યારાનું પૃથ્વી પર અવતરણ થઈ ચૂક્યું છે! તેનાં દર્શન કરવાની અને તેને વંદન કરવાની તેમને પ્રબળ ઇચ્છા થઈ આવી. અને તેમણે લાંબી મુસાફરીએ જવા પગ ઉપાડ્યો. ભરવાડોની માફક આ પંડિતો સમક્ષ જો પ્રભુના દૂતે પ્રગટ થઈને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપી હોત તો કદાચ તેઓ આ લાંબી મુસાફરીએ નીકળી ન પડ્યા હોત. તેઓ યરુશાલેમ આવ્યા. તે વખતે ત્યાં હેરોદ નામે રાજા રાજ્ય કરતો હતો. એ ધનદોલતનો અને દુન્યવી માનમરતબાનો ખૂબ લોભી હતો. ઈશ્વરનો તો તે કદી વિચાર સુધ્ધાં કરતો નહોતો. રાત ને દિવસ એ ભોગવિલાસમાં મસ્ત રહેતો. નરદમ સ્વાર્થી હતો એ. એની પાસે જઈને આ પૂર્વમાંથી આવેલા પંડિતોએ પૂછ્યું :

“ ‘યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ, અમે એના તારાને ઊગતો જોયો છે, અને તેની પૂજા કરવા આવ્યા છીએ.’ આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.”

આ હેરોદ નહોતો યહૂદી કે નહોતો રોમન, કે નહોતો ગ્રીક. એણે પ્રપંચ અને કાવાદાવા કરીને રાજ્ય પડાવી લીધું હતું. એ જેવો શંકાશીલ હતો તેવો જ વહેમી પણ હતો. હવામાં જરી સળવળાટ થાય કે કંઈ અવાજ સંભળાય તો એ મનમાં એકદમ કલ્પના બાંધી બેસતો કે મારી સામે કંઈ કાવતરું ઘડાઈ રહ્યું છે, મારી સામે કંઈક દગો રમાઈ રહ્યો છે. દુરાચારના ધામ જેવા એદમ શહેરનો એ વતની હતો. એનું એકમાત્ર લક્ષ્ય એના રોમન સત્તાધીશોની કૃપાદ્રષ્ટિ જીતવા તરફ હતું. એણે પોતાની પત્નીની, પોતાના ભાઈઓની, અરે, પોતાના સગા દીકરાનીયે કતલ કરી નાખી હતી – કારણ કે કોઈ પણ ભોગે પોતાની સત્તા ટકી રહેવી જોઈએ, એમાં નામનોયે કોઈ હરીફ ન હોવો જોઈએ એ એનો સિદ્ધાંત હતો!

એટલે, એણે જ્યારે સાંભળ્યું કે આ પંડિતો યહૂદીઓના નવા જન્મેલા રાજાનાં દર્શન કરવા આવ્યા છે, ત્યારે તે ભયભીત બની ગયો! પરંતુ કપટકળામાં એ પારંગત હતોઃ

“તે યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને પૂછપરછ કરવા લાગ્યો કે, ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે? તેમણે કહ્યું કે, યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં, કારણ, પયગંબરે આમ લખ્યું છે કે, ‘હે યહૂદિયા પ્રાન્તમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાનાં મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી; કારણ, તારે ત્યાં એક એવો આગેવાન અવતરવાનો છે, જે મારી પ્રજા ઇસ્રાયલની રખેવાળી કરશે.’

ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારો દેખાયાનો ચોક્કસ સમય તેમની પાસેથી જાણી લીધો. પછી તેણે એ લોકોને એમ કહીને બેથલેહેમ મોકલ્યા કે, ‘જાઓ, અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર આપો, જેથી હું પણ ત્યાં જઈને તેની પૂજા કરું!’

રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઊગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો, અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહિ.

ઘરમાં દાખલ થયા, એટલે તેમણે એ બાળકને તેની માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને પછી પોતાની ગાંઠડી છોડીને સોનું, ધૂપ અને બોળની ભેટ ધરાવી. ”

આ પંડિતો અને તેમનો સંઘ બહુ થોડા માણસોનો હતો, પરંતુ તેઓ સાહસિક હતા. તેઓ પહેલ કરીને બીજાઓ માટે માર્ગ પ્રકાશિત કરી ગયા છે. સાંકડી પગદંડી પર થઈને તેઓ ગયા, પણ એ પગદંડી આજે વિશ્વની મહાન તીર્થયાત્રાનો રાજમાર્ગ બની ઊભી છે. જગતના ખૂણેખૂણેથી બેથલેહેમના ગભાણ તરફની એ આગેકૂચ બે હજાર વર્ષથી આજ વણથંભી ચાલી રહી છે. ઈશ્વર બધી બાબતોનો કેવી સરસ રીતે વિકાસ કરે છે અને તેને તેના નિર્ણિત ધ્યેયે પહોંચાડે છે તેનું આ સુંદર ઉદાહરણ છે. ખરેખર, ઈશ્વરની લીલા ગહન છે.

આ પંડિતોનું સૌથી આગળ પડતું લક્ષણ છે તેમની પ્રભુ પરની દૃઢ શ્રદ્ધા. સૈકાઓથી ચાલી આવતી જૂની પ્રચલિત માન્યતાઓમાં તેઓ ચૂસ્તપણે માનનારા હતા. અંતરમાંથી ઊઠતો અવાજ તેઓ ચિત્ત દઈ સાંભળતા હતા; એટલે જ્યારે તેમણે ભેદી તારો જોયો, ત્યારે તરત તેનો ઇશારો તેઓ સમજી ગયા; ખોટી શંકાઓથી તેમણે પોતાને જરા પણ ચલિત થવા દીધા નહિ! તેમણે કૂચ આદરી અને પૂરી કરી – એક નાનકડા ઘર આગળ તેઓ આવી ઊભા. નવજાત શિશુનાં તેમણે દર્શન કર્યાં. એક સાધારણ શ્રમજીવીને જોયો, અને હાથે કાંતેલી જાડી ખાદીના ગામડિયા પહેરવેશમાં એક જુવાન બાઈને જોઈ. પછી તો એમની શ્રદ્ધાની જ્યોત પૂરબહારમાં ઝળહળી ઊઠી. તેમનાં મનમાં જરાસરખી પણ કશી સંદિગ્ધતા પેદા થઈ નહિ – તેમનાં હૃદય ઈશ્વરની અપાર મહત્તા અને નિગૂઢ ગૌરવનાં મૂક ગુણગાન કરવા લાગ્યાં. તેમણે એકદમ એ નવજાત શિશુને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી પોતાની પાસેની ગાંઠડીઓ છોડીને તેમણે તેમાંથી ધૂપ, સોનું અને બોળ બાળકને ભેટ ધર્યાં. બોળ એટલા માટે કે શિશુ મર્ત્ય માનવી હતો, અને વખત જતાં એના નિર્જીવ શરીર પર ચોળવા માટે એની શોકગ્રસ્ત માતાને બોળની જરૂર પડવાની હતી; સોનું એટલા માટે કે શિશુ રાજા હતો, રાજાઓનો રાજા હતો, - બધા રાજાઓના રાજમુગટો એના ચરણમાં ઢળવાના હતા; અને ધૂપ એટલા માટે કે આ શિશુ એમનો ઈશ્વર હતો!

તેમની યાત્રામાં તેમણે ખૂબ સંકટો અને જોખમોનો સામનો કર્યો હતો. પરંતુ તેમનો અત્યારનો આનંદ એવો હતો કે એ બધી ગઈ ગુજરીને તેઓ પળવારમાં વિસરી ગયા. શિશુના દર્શને એમનાં અંતરને આનંદથી છલોછલ ભરી દીધું, અને મરિયમના શબ્દોએ એમનાં હૃદયમાં મધુર સુરાવલિ પેદા કરી. યહૂદીઓ તો આ જાણીને ખુશ થાય જ, પણ બીજાઓ પણ ખુશ થાય એવી આ વાત છે. એ ધન્ય ઘડી કેવળ પંડિતો માટે નહિ, પણ આપણા સૌને માટે પણ આનંદની ઘડી છે. આપણા સૌને માટે આમાં આશાનો સંદેશો છે, જીવનનો આનંદ છે. આ પંડિતો આપણા પુરોગામી છે, પ્રતિનિધિ છે, માર્ગદર્શક છે. તેમણે આપણને માર્ગ ચીંધ્યો છે. આપણે એમના પગલે પગલે ચાલીએ!

પણે પેલો હેરોદ આ પંડિતોના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, જેથી એ બાળક ક્યાં છે એની એને ખબર પડે અને એ એનું કાસળ કઢાવી શકે! પરંતુ એની બધી યોજનાઓ અને કાવતરાં ધૂળ ભેગાં થઈ ગયા! કારણ કે પંડિતોને સ્વપ્નમાં ચેતવણી મળી ગઈ હતી કે હેરોદ પાસે જતા નહિ, એટલે તેઓ બીજા જ રસ્તે પોતાના દેશમાં પાછા પહોંચી ગયા હતા! (સૌજન્ય, ભગવાન ઈસુ)

Changed On: 16-12-2020
Next Change: 01-01-2021
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.