“પ્રભુ, તુજ શુભ આશિષ આપજે” (ફાધર જેમ્સ બી. ડાભી, એસ.જે.)

કોઈક એક વર્ષના છેલ્લા દિવસે રાત્રિના અગિયાર વાગ્યે અમારા દેવળમાં પૂર્ણ થતા વર્ષના આભારાર્થે એક કલાકની આરાધનાનું અને મધરાતે શરૂ થતા નવા વર્ષની પરમપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રાત્રે મેં ભોજન લેવાનું ટાળી થોડા કલાકો મૌન પાળી શરૂ થતા નવા વર્ષમાં મારી કોઈ એક કુટેવથી દૂર રહીશ એ નક્કી કર્યું. એ કુટેવ છે અન્યની નિંદા કરવી. ‘હવેથી કોઈની નિંદા નહિ કરું’ એવા દ્રઢ નિર્ધાર સાથે આરાધનામાં જોડાયો અને નવા વર્ષની પરમપૂજામાં ભક્તિભાવથી ભાગ લીધો. પરમપૂજાની પૂર્ણાહુતિ પછી હૉલમાં કૉફી અને કેકની વ્યવસ્થા કરવામાં આવી હતી. હૉલ તરફ જતો હતો ત્યાં કોઈકે મારો સંગાથ કરી લીધો. તેમણે જ શરૂઆત કરી. તેમનો વિષય હતો આરાધના ચલાવનારની આલોચના અને પરમપૂજામાં ઉપદેશ આપનારની ટીકા. મેં તો તાજોતાજો જ નિર્ણય કર્યો હતો કે ‘હવેથી હું કોઈની નિંદા નહિ કરું’ અને આ સંગાથી તો મને મારી એ જ કુટેવમાં ઘસડી રહ્યા હતા. વાત વાળવા પ્રયત્નો કરતો હતો પણ સફળતા મળતી નહોતી. એટલે મેં તો સીધું જ સ્પષ્ટ કર્યું કે, ‘મેં નિર્ણય કર્યો છે કે હવે કદી હું કોઈની નિંદા કરવામાં જોડાઈશ નહિ.’ મારી સાથે ચાલનારે મને કીધું કે ‘તમારા નિર્ણયને થોડા સમય માટે મુલત્વી રાખો.’ બસ, નવા વર્ષના શુભારંભે જ મારો નિશ્ચય તૂટી પડ્યો. આવું તો વર્ષોવર્ષ થતું રહે છે. એટલે આ નવા વર્ષે વર્ષારંભની રીત બદલું છું.

શરૂ થઈ ચૂકેલા નવા વર્ષને ઈસુના દ્રષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરીએ. ઈસુની એક લાક્ષણિક રીત હતી કે સમજવામાં અઘરો હોય એવો ખ્યાલ દ્રષ્ટાંત મારફતે રજૂ કરવો. દ્રષ્ટાંતો ઈસુ જાતે બનાવતા. ઈસુના શ્રોતાઓને દ્રષ્ટાંત સમજવું પ્રમાણસર સરળ રહેતું, કારણ દ્રષ્ટાંતનું કથાવસ્તુ શ્રોતાઓના રોજિંદા જીવનમાંથી લેવામાં આવતું. એટલે એ દ્રષ્ટાંત દ્વારા ઈસુ જે બોધપાઠ શીખવવા માગતા તે શ્રોતાઓને મળી જતો. ઈસુએ પાંચ હજાર, બે હજાર અને એક હજાર સોનામહોરની દ્રષ્ટાંતકથા (માથ્થી 25: 14-30)માં કહી છે. પ્રસ્તુત દ્રષ્ટાંતકથાને હું આરંભાઈ ચૂકેલા નવા વર્ષને સમજવા ઉપયોગમાં લઉં છું.

દ્રષ્ટાંતકથામાં એક પ્રવાસી છે. પ્રવાસી પરદેશ ઉપડવા પહેલાં પોતાના નોકરોને બોલાવી પોતાની મિલકત તેમને સોંપી દે છે. પ્રવાસી એટલે પ્રભુ. પરદેશ ગયેલા માલિક એટલે અદ્રશ્ય થયેલા પ્રભુ અથવા પંચેન્દ્રિયોના અનુભવક્ષેત્રની બહારના પ્રભુ. નોકર એટલે આપણે. પ્રભુની મિલકત એટલે આ નવા વર્ષના સંદર્ભમાં સમય. સમયને અનુભવવા આપણે સમયને સેકંડ, મિનિટ, કલાક, દિવસ, મહિના અને વર્ષ જેવાં એકમોમાં વિભાજિત કર્યો છે. આપણું આયખું આપણે વર્ષમાં માપીએ છીએ. દ્રષ્ટાંતકથામાં નોકરો પ્રવાસી પાસે મિલકતની સોંપણી કરવાની માગણી કરતા નથી; પ્રવાસી જાતે નક્કી કરે છે પોતાના નોકરોને મિલકતની સોંપણી કરવાનો. પ્રભુ આપણને નવું વર્ષ આપે છે એ આપણી માગણીને કારણે નહિ, પણ પ્રભુની પોતાની ઈચ્છાને કારણે. પ્રભુ આપણને નવું વર્ષ આપે છે એ પછવાડે પ્રભુની કોઈ યોજના હશે જ. જો કે દ્રષ્ટાંતકથામાં તો પ્રવાસી મિલકતની સોંપણી પછવાડે પોતાની કઈ યોજના છે તે નોકરો સમક્ષ વ્યક્ત કરતા નથી. દ્રષ્ટાંતકથા આગળ વધે છે ત્યારે જાણવા મળે છે કે જે નોકરોએ સોંપેલી મિલકતનો સદુપયોગ કર્યો છે તે નોકરોથી પ્રવાસી અથવા શેઠ પ્રસન્ન થયા છે અને જે નોકરે સોંપેલી મિલકત વાપર્યા વિના દાટી છે તે નોકર ઉપર અપ્રસન્ન થયા છે. આપણો પ્રભુ તો Pre-planer (અગાઉથી આયોજન કરનાર) છે. આપણને નવું વર્ષ આપ્યું છે એ પછવાડે પ્રભુનું અવશ્ય કોઈક પ્રયોજન તો હશે જ. આપણે પ્રભુનો એ હતુ શોધી કાઢી એને પરિપૂર્ણ કરવો જ જોઈએ.

ઊડીને આંખે વળગે એવો એક હેતુ ઈસુની એક અન્ય દ્રષ્ટાંતકથામાં જાણવા મળે છે. લૂક 13:6-9 માં રજૂ થયેલી આ દ્રષ્ટાંતકથા ઈસુ જીવનપલટો કરવાના શિક્ષણને ગળે ઊતારવા કહે છે. આ દ્રષ્ટાંતકથામાં અંજીરી ત્રણ વર્ષની થઈ હોવા છતાં વાડીના માલિકની અપેક્ષા અનુસાર અંજીર આપતી નથી. એટલે વાડીના માલિક વાડીના માળીને અંજીરીને કાપી નાખવા ફરમાવે છે. માલિકની ગણતરી વ્યવહારુ છે : ‘જમીન શું કામ નકામી રોકવી?’ આ ફરમાન અને આ ગણતરીના પ્રતિસાદમાં વાડીના માળી સમયની કૃપા માગે છે, ‘સાહેબ, એને આટલું એક વરસ રહેવા દો. દરમિયાન હું એની આસપાસ ગોડ કરીશ ને ખાતર નાખીશ.’ આ દ્રષ્ટાંતકથામાં માલિકને જો પ્રભુપિતા ગણીએ તો માળી પ્રભુ ઈસુ ગણી શકાય. અંજીરી એટલે કે આપણે. ઈસુ આપણે માટે પ્રભુ પિતા પાસેથી જાણે કે નવા વર્ષની ભેટ માગી લે છે. કદાચ આપણે પ્રભુ પિતાની ઈચ્છા અને અપેક્ષા અનુસાર ફળ પેદા કર્યા નથી. કોઈ વાંધો નહિ.

‘જાગ્યા ત્યાંથી સવાર’. ઈસુએ આપણને નવું વર્ષ મેળવી આપ્યું છે. ઈસુએ આપણી સારસંભાળ લેવાનું, આપણને સલાહસૂચન આપવાનું માથે લીધું છે. આપણે ફળ આપનાર વૃક્ષ બનવું જ જોઈએ. જીવન ક્ષણભંગુર છે. જીવન પાણીનો પરપોટો છે. ઊંમરને હિસાબે જીવન પૂરું થાય છે એવું કહી જ ન શકાય. બાળમરણ અને યુવામરણ આપણે જોયેલાં છે. પણ મરણ તો થઈ ભવિષ્યની વાત. વર્તમાન તો એ છે કે આપણે જીવતાં છીએ અને આપણને નવું વર્ષ મળ્યું છે. અંજીર વિનાની અંજીરીની દ્રષ્ટાંતકથા પરથી એટલું તારણ કાઢું છું કે નવું વર્ષ બગડેલી બાજીને સુધારવાનો અવસર હોઈ શકે, અવળી દિશામાંથી સવળી દિશામાં યુ ટર્ન લેવાનો મોકો હોઈ શકે, વેડફેલા જીવનને સુગ્રથિત કરવાની તક હોઈ શકે, અફળ રહેલા જીવનને સફળ બનાવવાની શરૂઆત હોઈ શકે. વાડીના માળી જેમ અંજીરીની આસપાસ ગોડ કરશે અને ખાતર નાખશે, તેમ ઈસુ મારા જીવનને પોતાના બાહુપાશમાં ઘેરી લેશે અને મને કૃપાઓથી ભરી દેશે. ઈસુના આવા ટેકાથી મારું નવું વર્ષ મારા જીવનને ઈશ્વરેચ્છિત ઘાટ આપનાર બની રહેશે.

સોનામહોરની દ્રષ્ટાંતકથા પર પાછાં આવીએ. નોકરોને સોનામહોર સરખેસરખી સોંપવામાં આવી નથી, જેમ કે પહેલાને પાંચ, બીજાને બે અને ત્રીજાને એક. પ્રભુએ આપણને નવા વર્ષની ભેટ આપી છે, તે વર્ષને જીવવા માટે શારીરિક (physical) માનસિક (psychic) આંતરિક (emotional) આધ્યાત્મિક (spiritual) અને મહેનત દ્વારા પ્રાપ્ત કરેલી ( acquired) એમ પાંચ પ્રકારની કૃપાઓ ભિન્ન ભિન્ન ગુણવત્તામાં (quality) અને ભિન્ન ભિન્ન પ્રમાણમાં (quantity) આપેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રભુએ આપણને કૃપાઓ અથવા બક્ષિસો જુદી જુદી જાતની અને જુદા જુદા માપની આપેલી છે. આ જુદી જુદી કૃપાઓ અને જુદા જુદા પ્રમાણમાં મળેલી બક્ષિસો એકમેકનાં પ્રેરક બનવા માટે છે. પરિવારમાં પતિ પત્નીનો પૂરક અને પત્ની પતિની; માબાપ સંતાનોનાં પૂરક અને સંતાનો માબાપનાં, સમાજમાં પહેલું પરિવાર બીજા પરિવારનું પૂરક અને બીજું પરિવાર પહેલા પરિવારનું. વ્યવહારમાં દુકાનદાર ગ્રાહકનો પૂરક અને ગ્રાહક દુકાનદારનો. વાણિજ્યમાં કપાસનો ખેડૂત કાપડની મિલનો પૂરક અને કાપડની મિલ કપાસના ખેડૂતની. નવું વર્ષ અરસપરસનાં પૂરક બની સર્વના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે આપવામાં આવ્યું છે.

સેતાન અટકચાળું સૂચવે પણ ખરો. બક્ષિસોની અસમાનતાને સેતાન મુદ્દો બનાવી ચગાવી શકે છે. મારી બક્ષિસો અથવા શક્તિઓને મારા સાથીની શક્તિઓ સાથે સરખાવવા સેતાન મને સળી કરશે. હવે, સરખામણી કરતાં જો મને માલૂમ પડે કે મારી શક્તિઓ મારા સાથીની શક્તિઓના પ્રમાણમાં ઓછી છે, તો મારામાં મારા એ સાથી પર અદેખાઈ જાગશે. અદેખાઈ તો મોટામાં મોટી ખાઈ. એ ખાઈમાં પછી પેદા થશે સાથીની નિંદા, સાથી વિરુદ્ધની અફવા, સાથીની બદનામી, સાથીનું ચારિત્ર્યખંડન. પ્રભુએ તો જુદા જુદા પ્રમાણમાં શક્તિઓ આપી એકમેક સાથે સેતુ રચવા. કેવો શુભ આશય! સેતાન આ જુદા જુદા પ્રમાણમાં આપેલી શક્તિઓ દ્વારા એકમેક વચ્ચે પેદા કરે છે ખાઈ. કેટલું અશુભ કાર્ય! છે ને સેતાનનાં કાર્યો હંમેશાં પ્રભુ વિરુદ્ધનાં?

એવું પણ બને કે સરખામણી કરતાં મને માલૂમ પડે કે મારી શક્તિઓ મારા સાથીની શક્તિઓ કરતાં વધારે છે. સેતાન મારામાં અભિમાન પેદા કરશે. તાડ ઊંચું વૃક્ષ છે, પણ એની છાયામાં કેટલાં જણ નિરાંતની નીંદર માણી શકે? પ્રભુએ જુદા જુદા પ્રમાણમાં ભેટો આપીને ત્રાજવાનાં બે પલ્લાં વચ્ચે આપણે સમતોલન જાળવીએ – એવી અપેક્ષા રાખી હતી. જેની પાસે વધુ છે તેનું પલ્લું ભારે અને જેની પાસે ઓછું છે તેનું પલ્લું હલકું. જો આ બન્ને માંહોમાંહે વહેંચવાની વૃત્તિ કેળવે તો બન્ને પલ્લાં સરખાં બને. સેતાન તો અસમાન ભેટો દ્વારા ઊંચનીચના ભેદ કરે છે. ઊંચા તાડ અને નીચા ઘાસનો ક્યાં મેળ ખાય? નવું વર્ષ પ્રભુ આપે છે પૂરક બનવા, સેતાન પ્રયત્ન કરશે આપણને સ્વાર્થના કોશેટામાં પૂરી દેવા.

દ્રષ્ટાંતકથામાં પાંચ હજાર સોનામહોરવાળો પહેલો નોકર અને બે હજાર સોનામહોરવાળો બીજો નોકર વેપાર કરે છે. વેપાર જોખમી વૃત્તિ છે, સાપસીડીની રમત છે. સીડી મળે તો નફો અને સાપ ગળે તો નુકસાન. વેપારમાં નોકરીની માફક નિયમિત બાંધી આવક ના હોય. દ્રષ્ટાંતકથાના શેઠ વેપાર કરનાર બન્ને નોકરોને સરખાં જ અભિનંદન આપે છે, ભલે ને એમને સોંપવામાં આવેલી સંપત્તિ સરખી નહોતી. દ્રષ્ટાંતકથાના પ્રારંભે કહેવાયું છે કે ઈશ્વરનું રાજ્ય. એટલે કદાચ આ નોકરોએ વેપારમાં ખોટ ખાધી હોત તો પણ શેઠે એમની જોખમ ખેડવાની વૃત્તિને બિરદાવી હોત. સફળતા નિષ્ફળતા હંમેશ આપણા હાથની વાત નથી. રમતના મેદાનમાં દોડવીરો તો ઘણા છે, પણ પહેલો નંબર તો એકને જ મળે છે. તાળીઓનો ગડગડાટ આ પહેલા નંબરે આવેલા દોડવીર માટે જ થતો નથી, હરિફાઈમાં ભાગ લેનાર સર્વ દોડવીરો માટે થાય છે. પહેલો નંબર અગત્યનો નથી, દોડવું અગત્યનું છે. શેઠ એટલે કે પ્રભુ નોકરોને એટલે કે આપણને નવું વર્ષ એ અપેક્ષાએ આપે છે કે આપણે આપણને મળેલી બધી જ ભેટોનો ઉપયોગ કરીએ. નવા વર્ષમાં આપણે સફળ થઈશું તો પ્રભુ આપણને શાબાશી આપશે જ. આપણી શક્તિઓનો સદુપયોગ કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહીશું તો પણ પ્રભુ આપણને શાબાશી આપશે, કારણ આપણે આપણાથી થાય એટલે પ્રયત્ન કર્યો હતો. મારા વાંચનમાં આવેલું એક સૂત્ર ખૂબ આશ્વાસનજનક છે : a person of God is called to be faithful and not to be successful ‘પ્રભુના જનને હાકલ થયેલી છે. વફાદાર રહેવાની, નહિ કે સફળ થવાની.’ પ્રભુ ઈચ્છે છે કે આપણે આ નવું વર્ષ વફાદારીથી જીવીએ.

દ્રષ્ટાંતકથામાં એક હજાર સોનામહોર મેળવનાર ત્રીજો નોકર શેઠનું નાણું ખાડો ખોદીને સંતાડી દે છે. આ નોકરની શેઠ સાથે રૂબરૂ મુલાકાત થતી નથી ત્યાં સુધી તો મને એમ જ લાગતું હતું કે, આ નોકરે કોઈ ભૂલ કરી નથી. શેઠે એક હજાર સોનામહોરની સોંપણી કરી અને એ જ સોનામહોર નોકરે શેઠને પાછી સુપરત કરી. ઉપરછલ્લી રીતે હિસાબ સરભર લાગે છે. પણ જ્યારે આ નોકર ખાડો ખોદીને નાણું સંતાડી દેવા પાછળનું પ્રયોજન જણાવે છે ત્યારે એ પ્રયોજન શેઠના આયોજનની વિરુદ્ધનું લાગે છે. પહેલા બે નોકરો સાથેના શેઠના સંવાદથી એટલું તો સ્પષ્ટ થયું કે ભલે શેઠે ફોડ નહોતો પાડ્યો, પણ શેઠની ઈચ્છા તો હતી જ કે એ નાણાંનો એ નોકરો સદુપયોગ કરે. પ્રભુએ મને આંખો આપી એ મારી શીરીરિક ભેટ. પછી મારા શિક્ષકોના પ્રયાસથી અને મારા સહકારથી મને વાંચનકળા મળી એ મારી acquired ભેટ.

હવે, હું સદગુણો સિંચનાર લેખો અને સદગુણો પોષતી કથાઓ વાંચુ એ પ્રભુની ઈચ્છા. હું એમ કરું તો મારી આંખોનો અને મારી વાંચનશક્તિનો સદુપયોગ કરું છું એમ કહેવાય. ખાડો ખોદીને નાણું દાટી દેવું એ તો આંખો મળ્યા છતાં તેનો કદી ઉપયોગ ન કરવા બરાબર છે. આપણા વચ્ચેના વ્યવહારનો દાખલો લઈએ. તમે મને એક શર્ટની ભેટ આપી. મેં એ શર્ટ તમે આપ્યું એ જ પેકમાં મારા કબાટમાં મૂકી દીધું. વર્ષે બે વર્ષે તમને ખબર પડે કે મેં એ શર્ટ પહેર્યું જ નથી, તો તમને શું લાગશે? દ્રષ્ટાંતકથામાંના શેઠને એ જ લાગ્યું હતું. તેમણે આ નોકરને દુષ્ટ અને આળસુ કીધો આ નવા વર્ષમાં પ્રભુ ઈચ્છે છે કે પ્રભુએ મને જે શક્તિઓ અને કૃપાઓ આપી છે તેને હું ખાડો ખોદીને સંતાડી ના દઉં. પ્રભુની ઈચ્છા છે કે એ શક્તિઓ હું અન્યના પૂરક બનવામાં વાપરું. એકમેકનાં પૂરક બનવામાં આપણે તાણા અને વાણાની માફક અરસપરસ ગૂંથાઈશું અને અદભૂત આકૃતિઓનું સર્જન કરીશું. મળેલી કૃપાઓનો સદુપયોગ પ્રભુનો મહિમા પ્રગટાવે છે.

દ્રષ્ટાંતકથામાં શેઠનું નાણું વેપારમાં રોકવામાં ખોટ જવાનો વિકલ્પ પણ છે. પરંતુ પ્રભુએ આપેલી ભેટોને વાપરવામાં ખોટ જવાનો વિકલ્પ શક્ય જ નથી. એથી ઊલટું, ઈશ્વરદત્ત ભેટો વાપરતાં વધતી જ જાય છે. કહેવત છે કે ‘લખતાં લહિયો થાય.’ કક્કાવારી લખતાં શીખેલો ભૂલકો લખવાની શક્તિનો મહાવરો કરતાં કરતાં મોટો લેખક બને છે. શિક્ષક તરીકેની કારકિર્દીના પહેલા દિવસે ચલાવેલા વર્ગના વિડીઓનું અને વયમર્યાદાને કારણે નિવૃત્ત થવા પહેલાંના છેલ્લા દિવસે ચલાવેલા વર્ગનાં વિડિઓનું જો એ શિક્ષક અવલોકન કરે તો એ શિક્ષકને વિશ્વાસ બેસશે કે તેમની સમજાવવાની કળામાં કાળક્રમે અભૂતપૂર્વ વિકાસ થયો છે. આપણી પાંચેય પ્રકારની કૃપાઓ જેટલી વધારે વાપરીએ એટલી તેઓ વધુ વિકસે છે. આ કળાનો ઉપયોગ ના કરીએ તો કળાનો નાશ થવાની પૂરી શક્યતા છે. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘If you do not use it, you lose it’ ‘જો તમે નહિ વાપરો, તો તમે ગુમાવશો.’ પરદેશી ભાષા શીખ્યો એ મારી acquired ભેટ. પછી એ ભેટનો કદી ઉપયોગ ના કર્યો અને એ ભાષા ભૂલાઈ ગઈ.

નવું વર્ષ આપણું ભવિષ્ય ખોલે છે. આપણા ભવિષ્યથી પ્રભુએ આપણને અજ્ઞાત રાખ્યાં છે. અજ્ઞાતનો ભય ઝાઝો સતાવે. મારું નવું વર્ષ કેવું હશે. મારું આ નવા વર્ષમાં શું થશે એવી ચિંતા પણ થાય. અજ્ઞાત ભાવિના ભયના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ સેક્રેટરી દાગ હેમરશોલ્ડનું આ સૂત્ર ભારે આશ્વાસનદાયી છે : I do not know what my future holds for me, but I do know who holds my future. ‘મને ખબર નથી મારા ભવિષ્યના હાથમાં મારે માટે શું છે, મને તો એટલી જ ખબર છે કે મારું ભવિષ્ય કોના હાથમાં છે.’ જેના હાથમાં આપણ સહુનું ભવિષ્ય છે એ જ પ્રભુ પુરોહિતોને આપણને આશીર્વાદ આપવા આદેશ આપે છે : ‘પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપાદ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુ તમારા ઉપર પ્રસન્ન હો અને તમને શાંતિ બક્ષો.’ (રણમાં 6 : 24-26)

પ્રતિસાદમાં આપણે આપણને મળેલ નવા વર્ષમાં આપણી પાંચેય પ્રકારની કૃપાઓને ખાડો ખોદીને દાટી દેવાને બદલે, અદેખાઈની ખાઈમાં ગબડ્યા વગર અથવા અભિમાનના ડુંગરાઓમાં અટવાયા વગર, અરસપરસના પૂરક બનવામાં વાપરવાનો નિર્ધાર કરીએ, જેથી એ કૃપાઓ ઉત્તરોત્તર વધતી જ જાય. આ નિર્ધાર પૂર્ણ થાય એ માટે ‘પ્રભુ, તુજ શુભ આશિષ આપજે.’

Changed On: 01-01-2021
Next Change: 16-01-2021
copyright@ Fr. James B. Dabhi, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.