ઈસુ કોણ છે? (ફાધર જેમ્સ બી. ડાભી, એસ.જે.)

ઈસુ પોતાની ઓળખ આપે છે. સંત લૂકનો શુભસંદેશ 12 – 49-51. બે વિધાન કરે છે. (1) હું પૃથ્વી પર આગ પેટાવવા અવતર્યો છું. (2) હું પૃથ્વી પર શાંતિ ઉતારવા નહીં ભાગલા પાડવા આવ્યો છું. આ બંને વિધાનોમાં ઈસુના કાર્યોનો ઉલ્લેખ છે અને એટલે આ ઓળખ અણગમતી ઓળખ બને છે. વિધાનો સ્ફોટક લાગે છે. વિવાદ પણ સર્જી શકે છે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારી મા ચોખા વીણતી હોય કે સોઈમાં દોરો પરોવતી હોય અને હું બાજુમાં જઈ ઉભો રહું તો મને તરત મા કહેતી અંધારું મૂક. આશ્ચર્ય થતું મને. મારી મા એના પર અંધારું મૂકવાનું કેમ કહે છે. આશ્ચર્યનું કારણ હતું. હું મારી માના વાક્યોનો શબ્દાર્થ શોધતો હતો. ભાવાર્થ આ હતો. અંધારું મૂકી દે. અંધારું મૂકું એટલે અજવાળુ આવશે. મારી મા ચોખા વીણી શકશે. સોઈમાં દોરો પરોવી શકશે. ઈસુના આ વિધાનને સમજવું રહ્યું. હું પૃથ્વી પર આગ પેટાવવાને આવ્યો છું. શાની આગ? માનવપ્રેમની આગ. ઈસુ આજ્ઞા કરે છે. પરસ્પર પ્રેમ રાખો અને આદર્શ રજૂ કરે છે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. ઈસુના પ્રેમની પરાકાષ્ઠા – ક્રૂસ ઉપરનું મૃત્યુ. ઈસુ પ્રેમ કરવાની આજ્ઞા કરે છે. કોઈએ એક ફીલસૂફીના વ્યાખ્યાતાને સવાલ કર્યો, પ્રેમ એ લાગણી છે. લાગણીને આજ્ઞા ના કરી શકાય. કાર્યને આજ્ઞા કરી શકાય. વ્યાખ્યાતા દાખલો આપે છે. વિધવા બનેલી બાઇને તમે કહી શકો રડવાનું બંધ કર એ કાર્ય છે પણ એમ ન કહી શકો પતિના વિયોગનું દુઃખ બંધ કર. મને સવાલ થયો ઈસુ જો આજ્ઞા કરે છે અને વ્યાખ્યાતા એને કહે છે કાર્યને આજ્ઞા કરી શકાય તો ઈસુ જ્યારે કહે છે પ્રેમ કરો ત્યારે ઈસુ લાગણીની વાત નથી કરતા, ઈસુ કાર્યની વાત કરે છે. એ કાર્યની વ્યાખ્યા – મિત્રો ખાતર પ્રેમ પાથરો. આ પરસ્પરના પ્રેમને આપણે વસુધૈવ કુટુંબકમમાં નથી રજૂ કરતા? પપ્પા મહેનત મજૂરી કરી વ્યવસાય રોજગાર કરે ને કુટુંબ ચલાવે તે કાર્ય કુટુંબના સભ્યો માટેનો પ્રેમ વ્યક્ત કરે છે. મમ્મી ઘરકામ કરે, દોડધામ કરે એ કુટુંબના સભ્યો માટેનો પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ વ્યક્ત થાય છે. કાર્યમાં એ કાર્ય કરતાં કરતા અંતરમાં ઉભરાઈ છે લાગણી. કાર્ય લાગણીને જન્મ આપે છે. લાગણી કાર્યને સતત ચાલુ રાખે છે. આમ વિશ્વ એક કુટુંબમાં ફેરવવાનું હોય તો પરસ્પર પ્રેમ અવશ્ય કરવો પડે. પ્રભુએ પ્રત્યેક માનવને બે ક્ષમતા આપી છે. પહેલી ક્ષમતા પ્રેમ કરવાની ને બીજી ક્ષમતા પ્રેમ લેવાની. મારામાં પ્રેમ કરવાની ક્ષમતા છે તે મારા પાડોશીમાં પ્રેમ લેવાની ક્ષમતા છે. એટલે જ્યારે હું તેમને પ્રેમ કરું છું ત્યારે તે મારો પ્રેમ સ્વીકારી શકે છે. હવે મારા પાડોશી ખાતે પ્રેમ કરવાની ક્ષમતા છે ને મારામાં પ્રેમ લેવાની ક્ષમતા છે તેથી તેઓ જ્યારે મને પ્રેમ કરે છે ત્યારે હું તેમનો પ્રેમ સ્વીકારી શકું છું. આમ અમે સંબંધે બંધાઈએ છીએ અને આ માત્ર મારા પડોશી એકલા જ નથી મારે તો આખા વિશ્વને પ્રેમ કરવાનો છે. સર્વને તમારે આવરી લેવા હોય તો કોઈ પ્રતીક નો ઉપયોગ કરવો પડે. કયું એવું પ્રતીક છે જે સર્વને આવરી લે – આગ – જંગલમાં આગ લાગે ને ત્યારે તે આખા જંગલના પ્રત્યેક વૃક્ષને આવરી લે, એવું એકેય વૃક્ષ ન હોય જે બાકાત રહે. આ પ્રજ્ઞાભર્યા પ્રતીકનો ઉપયોગ કરીને ઈસુ શું કહી રહ્યા છે. હું વસુધૈવ કુટુંબની રચના કરી રહ્યો છું. હું એટલા માટે જ આવ્યો છું. તમને નથી લાગતુ આજે આખું વિશ્વ એક ગામ બની ગયુ હોય, નથી લાગતું આ સંચાર માધ્યમ દ્વારા એક સંદેશ ગામના બીજે ખૂણે તત્કાળ પહોંચી જતો હોય અરે, આખું વિશ્વ અત્યારે પ્રેમની આગમાં લપેટાયું છે. ઈસુ પ્રેમની આગ પેટાવવા આવ્યા છે. પ્રેમની આગ.

બીજું વિધાન – હું શાંતિ નહી ભાગલા પાડવા આવ્યો છું. સમજવું પડે. જો કોઈ વ્યક્તિ નક્કી કરે મારે પ્રેમ નથી કરવો. જો કોઈ વર્ગ નક્કી કરે મારે પ્રેમ નથી કરવો તો તે કાર્ય નહી કરે. હવે બીજી વ્યક્તિ કે બીજો વર્ગ નક્કી કરે કે મારે પ્રેમ કરવો છે તો તે કાર્ય કરશે. પહેલો વર્ગ કાર્ય નહી કરે અથવા કરશે તો સ્વાર્થના કાર્યો કરશે. બીજો વર્ગ પરમાર્થના કાર્યો કરશે. પડી ગયા ને ભાગલા. સ્વાર્થ અને પરમાર્થના. જ્યાં ભાગલા પડે ત્યાં અશાંતિ આવે. જ્યાં સુધી સઘળે સ્વાર્થ હતો ત્યાં સુધી શાંતિ હતી. જ્યારે સર્વત્ર પરમાર્થ હશે ત્યારે અશાંતિ આવવાની જ. સંઘર્ષ થવાનો જ. જુઓને રોડ પરનો પથરો ઉપાડીએ ને તો તેની નીચે સૂર્યનો પ્રકાશ પડશે ને તેની નીચેના બધા ઝેરી જીવજંતુઓ કે સામાન્ય જીવજંતુઓ બધા આઘાપાછા થઈ જશે. સૂર્યનો પ્રકાશ એમને માટે અશાંતિ સર્જનારો છે. એ જ મુજબ ઈસુના આવવાથી પરમાર્થ શરૂ થયો છે. સ્વાર્થ ઓગળતો જાય છે. સંઘર્ષ થઈ રહ્યો છે. પણ પરમાર્થનો વિજય થવાનો છે. ઈસુ વસુધૈવ કુટુંબ બનાવવા આખા વિશ્વને ઈશ્વરનું રાજ્ય બનાવવા આવ્યા છે. એટલે આ વિધાનોને માત્ર શબ્દાર્થમાં લઈએ તો વિવાદ થશે. પણ વિધાનોનો ભાવાર્થ લઈએ તો ભાવના પ્રગટશે. વસુધૈવ કુટુંબની ભાવના.

Changed On: 16-01-2021
Next Change: 01-02-2021
copyright@ Fr. James B. Dabhi, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.