સર્વ સ્થિતિમાં ઈશ્વરનો આભાર! (અશોક એમ. પૈઝા)

સર્વ સ્થિતિમાં ઈશ્વરનો આભાર! (અશોક એમ. પૈઝા)

‘બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો, એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યો લેખે તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે.’ (1 થેસ્સલોનિકા 5: 18).

જ્યારે આપણા જીવનમાં બધું સારું ચાલતુ હોય ત્યારે કૃતજ્ઞતાની ભાવના સરળતાથી આવે છે પરંતુ જ્યારે આપણે દુઃખો અને પરીક્ષણોમાંથી પસાર થતા હોઈએ છીએ ત્યારે ઈશ્વરે આપણા માટે જે કર્યુ છે તેના માટે આનંદ અને પ્રશંસા કરવાને બદલે, આપણે આપણાં દુઃખો અને મૂંઝવણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ઈશ્વર અને તેના વચનો પર શંકા કરવાનું શરૂ કરીએ છીએ. જોકે પ્રતિકૂળતામાં આપણી આધ્યાત્મિક વૃદ્ધિ થાય છે, તેના માટેના ઈશ્વરના હેતુ વિશેની આપણી સમજ કેળવવી જોઈએ. ઈશ્વર ચોક્કસ કારણોસર આપણા જીવનમાં મુશ્કેલીઓને મંજૂરી આપે છે.

આપણું ધ્યાન દોરવા માટે : જ્યારે જીવન સરળતાથી ચાલે છે, ત્યારે ઈશ્વરને અવગણવું સરળ છે; પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, અચાનક આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે.

આપણા ગર્વ ઉપર જીત મેળવવા માટે : જો આપણે સારું કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણે સંઘર્ષ કરી રહેલા લોકોની સામે આપણી મોટાઈ બતાવવાની લાલચ જાગે પરંતુ પ્રતિકૂળતા આપણને નમ્ર બનાવે છે. પ્રેષિત પાઉલને અદભુત સવલતો અને આંતરદ્રષ્ટિ આપવામાં આવી હતી પરંતુ એ સાથે પોતાની ઉત્તેજના અટકાવવા માટે ઈશ્વર તરફથી તેમના શરીરમાં સેતાનના દૂત તરફથી પીડા આપવામાં આવી! (વાંચો 2 કરિંથ 12 : 7-10)

અન્યને દિલાસો આપવા માટે સજ્જ કરવા : જ્યારે ઈશ્વર આપણને આપણા દુઃખમાં દિલાસો આપે છે ત્યારે આપણે અન્ય લોકો માટે સાંત્વનાનું ઝરણું બનીએ છીએ. (2 કરિંથ 1 : 3-7) પીડામાંથી પસાર થયા પછી, આપણે સમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવા માટે વધુ સક્ષમ બનીએ.

આપણને સેવા માટે તૈયાર કરવા : મુશ્કેલી અને દુ:ખનો અનુભવ આપણને વિવિધ રીતે ઈશ્વરની સેવા કરવા અને અન્યની જરૂરિયાતોને પહોંચી વળવા સજ્જ કરે છે.

આપણા માટે તેમનો પ્રેમ વ્યક્ત કરવા માટે : ઈશ્વર આપણને ખૂબ ચાહે છે, તેથી, આપણે અજ્ઞાત હોય તેવા જોખમોથી આપણને બચાવવા અને સંપૂર્ણ રીતે તેની પાસે જીવનની સલામતીમાં દોરવા પ્રતિકૂળતા મોકલે છે.

આપણી નબળાઈની યાદ અપાવવા માટે : વ્યક્તિગત તાકાત અને પર્યાપ્તાની ભાવના આપણને સ્વાવલંબિત રાખે છે પરંતુ ઈશ્વર આપણને દુઃખથી કેવી રીતે નબળા પાડવા તે જાણે છે જેથી આપણે તેના તરફ વળીએ.

આપણે શા માટે સર્વ સ્થિતિમાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ? આપણે ઈશ્વરની હાજરીમાં ચાલીએ તે માટે તેઓ આપણને સતત જાગૃત રાખે છે, જે ઈશ્વરીય જીવન તરફ દોરી જાય છે. વિશ્વાસીઓ તરીકે, આપણે કદી એકલા નહી ચાલીએ, કારણ કે પવિત્ર આત્મા આપણી સાથે છે. કૃતજ્ઞતા આપણને તેની હાજરીની યાદ અપાવે છે અને આપણી પીડાઓ અને મુશ્કેલીઓ તેના દ્રષ્ટિકોણથી જોવાની માંગણી કરીને ઈશ્વરીય રીતે પ્રત્યુત્તર આપવા પ્રેરે છે. પરિસ્થિતિ દ્વારા તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ અને તેનાં વચનો પર વિશ્વાસ રાખીએ. દિવસભર ભલે જે થાય, આપણે તેનો આભાર માનીએ અને જાણીએ કે આપણા પ્રેમાળ, સર્વશક્તિમાન અને સર્વગ્રાહી ઈશ્વર આપણને તેમાંથી પસાર થવામાં મદદ કરી રહ્યા છે.

કૃતજ્ઞતા : જે બને છે તેનામાં ઈશ્વરનું પ્રયોજન શોધવાની પ્રેરણા આપે છે. અણધારી કસોટીઓ અથવા વેદનાઓ આપણને ઈશ્વર પર સવાલ ઉઠાવશે અથવા અનુભવી શકાય કે જાણે કે તે આપણને ભૂલી ગયો છે, પરંતુ તેણે આપણા સૌથી ખરાબ અનુભવમાંથી પણ સારા અનુભવ લાવવાનું વચન આપ્યું છે. આપણે સમજીએ કે ન સમજીએ, આપણે તેની વિશ્વસનીયતા પર આધાર રાખી શકીએ અને તેની ઇચ્છા પ્રમાણે આપણા જીવનમાં નિર્માણ કરવાનું વચન આપ્યું છે તેના માટે તેમનો આભાર માની શકીએ.

આભારી બનવું એ ઈશ્વર પર આપણી સતત અવલંબનની યાદ અપાવે છે. તે સ્વતંત્રતાની ભાવનાનો તિરસ્કાર કરે છે જે તેની જરૂરિયાતને નકારે છે, આત્મનિર્ભરતાને ઉત્તેજિત કરે છે અને કૃતધ્નતા તરફ દોરી જાય છે. વાસ્તવિકતામાં, આપણે લઈએ છીએ તે દરેક શ્વાસ માટે તેના પર નિર્ભર છીએ, પરંતુ જ્યાં સુધી આપણે એવી પરિસ્થિતિનો સામનો કરીશુ નહીં ત્યાં સુધી આપણે બદલાઈ શકીએ નહીં. પ્રતિકૂળતા આપણને આપણી નબળાઈ બતાવે છે અને આપણને ઈશ્વર તરફ દોરે છે. એક પરિપક્વ આસ્તિક દરરોજ ઈશ્વર પર સંપૂર્ણ નિર્ભરતામાં રહે છે.

આભારની લાગણી આપણા સંજોગોને બદલે છે અને ઈશ્વર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. જો આપણે મુશ્કેલીઓ પર નજર ફેરવીએ, તો પીડા અસહ્ય બને છે અને પરિસ્થિતિ નિરાશાજનક લાગે છે. પરંતુ આભાર વ્યક્ત કરવાથી આપણું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત થાય છે.

પવિત શાસ્ત્રમાં એવા લોકોનાં ઉદાહરણો છે કે જેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અને છતાં એવા કપરા સંજોગોમાં ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજા દાઉદને શરૂઆતમાં સફળતા મળી ન હતી. યુદ્ધમાં તેમના શ્રેષ્ઠ મિત્ર યોનાથનને ગુમાવેછે. શાઉલના ખૂની ક્રોધાવેશને કારણે જીવ બચાવવા ભાગવુ પડે છે. તેમનો પુત્ર પીડાદાયક મૃત્યુ પામે છે. તેમ છતાં, એવા સંજોગોને તે ધ્યાનમાં લેતા નથી અને ઈશ્વરની સ્તુતિ કરતા રહે છે.

યોબનું કુટુંબ, આરોગ્ય અને સંપત્તિ છીનવાઈ જાય છે. જ્યારે તેની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય ત્યારે પણ તે ઈશ્વરનો આભાર માનવાનું પસંદ કરે છે.

પાઉલ અને સિલાસને સળિયાથી માર મારવામાં આવે છે. તેમને કેદ કરવામાં આવે છે. તેમ છતાં એવાં પરીક્ષણોનાં સંજોગોમાં પણ ઈશ્વરની પ્રશંસા કેવી રીતે કરવી તે આપણને શીખવે છે.

કોવિડ-19 જેવી આરોગ્ય કટોકટીના સમયે ઈશ્વરનો વિશેષ આભાર માનીએ. આપણે સારા સમયમાં અને ખરાબ સમયમાં પણ ઈશ્વરને આભારી થવું જોઈએ. પરંતુ હાલના કોવિડ-19 જેવા રોગચાળાની વચ્ચે ઈશ્વરનો આભાર માનવો સહેલો નથી. એક લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હોય, લાખો લોકોને તેનો ચેપ લાગ્યો હોય, કડક નિયમો જેવા કે લોકડાઉન, હરવા-ફરવા પર પ્રતિબંધ અને ઘરે રહેવાની ફરજ પડી હોય, નોકરી-ધંધા બંધ થઈ ગયા હોય, ભૂખમરો હોય ત્યારે કેવી રીતે ઈશ્વરનો આભાર માનવો? પરંતુ હું માનું છું કે ઈશ્વર, જે થઈ રહ્યું છે તેનો ઉપયોગ આપણા સારા માટે કરી રહ્યો છે – આપણને તેની પાસે લાવવા, તેને શોધવા, તેના સારા અને પ્રેમાળ હેતુઓ માટે કામ કરવા માટે.

ઈશ્વર શરૂઆતથી અંત જાણે છે. તે ‘આલ્ફા’ અને ‘ઓમેગા’ છે, તે બધી વસ્તુઓ જાણે છે અને આદેશ આપે છે કે બધુ બાબતોમાં આપણે તેનો આભાર માનવો જોઈએ. બધા સંજોગોમાં તેમનો આભાર માનવો એ તેમની ઇચ્છા છે. તે સારા સમય અને ખરાબ સમયનો ઈશ્વર છે. માટે આપણે રોગચાળામાં ઈશ્વરનો આભાર માનીએ.

તે જીવનનો માલિક છેઃ આપણે જીવીએ છીએ કારણ કે ઈશ્વર તેને નિયત કરે છે તેથી આપણે મૃત્યુ પામીશું. તેનો શ્વાસ જીવન ટકાવી રાખે છે; તેથી, આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. તે સાર્વભૌમ છે અને જે ઈચ્છે છે તે કરે છે. તે જીવન આપે છે અને લઈ લે છે, તેનો પૂછનાર આપણે કોણ?

આભાર માનવો એ ઈશ્વર માટે યોગ્ય બલિદાન છે. ઈસુએ પહેલેથી જ વિશ્વના પાપ માટે પોતાને ક્રૂસ પર અર્પણ કરી દીધા છે, એકમાત્ર લાયક બલિદાન વિશ્વાસીઓ હવે ઈશ્વરને અર્પણ કરી શકે છે.

ઈશ્વર તેમના પર પ્રેમ રાખાનારાઓ માટે કંઈક સારું કરશે, તેનાં વચનો ખાતરી આપે છે કે આ રોગચાળામાંથી કંઈક સારું બહાર આવશે.

જેમણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા પોતાનું જીવન ઈશ્વર માટે ગુમાવ્યું હોય એવા લોકો માટે, કોઈ રોગચાળા તેમના જીવન માટેના ઈશ્વરના હેતુને વ્યર્થ જવા દેતો નથી. ઈશ્વર તેમનાં બાળકોના જીવનમાં તેમનું સામર્થ્ય બતાવવા માટે આવી પરિસ્થિતિઓનો ઉપયોગ કરે છે. આશ્ચર્યજનક રીતે, રોગચાળો ઘણા અવિશ્વાસીઓ અને રાષ્ટ્રોને ઈશ્વરની નજીક લાવ્યો છે.

“એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્યા કરે છે; અંધકારે એનું અનુગ્રહણ કર્યુ નથી.” (યોહાન, 1:5) આપણા જીવનમાંના તમામ પડકારોનો સામનો કરવા માટે, ભેટોને જવાબદારીપૂર્વક ખર્ચવા અને ઈશ્વરનો આભાર માનવાનો આ જ શ્રેષ્ઠ સમય છે.

Changed On: 01-02-2021
Next Change: 16-02-2021
copyright@ Mr. Ashok Paiza

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.