ક્ષમાદાન – સિત્તેર વખત સાત વાર (ફાધર જેમ્સ બી. ડાભી)

ઈસુને એકવાર એમના શિષ્યોએ આ પ્રશ્ન કર્યો. હવે શિષ્ય, પટ્ટશિષ્ય, વફાદાર શિષ્ય એટલે એમનો અનુભવ હશે કે એમનાથી ક્ષમા નથી થતી. દાન ઘણા પ્રકારના છે અને એમાં મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ તે ક્ષમાદાન. કરનારને ભારે લાગે છે ક્ષમા આપવી. ઘૂંટાયા કરે છે મનમાં ને મનમાં એટલે જ્યારે આ શિષ્ય ઈસુને પૂછે છે ને ત્યારે મને એમ લાગે છે કે હું જ પૂછી રહ્યો છું. પીતર એ શિષ્યનું નામ છે. પીતરની સમસ્યા ક્ષમા આપવાની નથી. સમસ્યા છે Frequencyની કેટલીવાર ક્ષમા કરવી અને એ પીતર જાણે કે Maximum Limit બતાવી રહ્યા છે. Maximum સાતવાર અને ઈસુ બદલી નાખે છે સિત્તેર વખત સાત વાર એટલે ઈસુ તો ક્ષમા આપવા અને વારંવાર ક્ષમા આપવાનો અનુરોધ કરે છે. હવે ક્ષમા આપવાની ભારે કેમ લાગે છે. મને તો ભારે લાગે છે એટલે વિચારતો હતો. કારણો તપાસતો હતો. અહીં તહીં પૂછતો હતો અને લગભગ કેટલાક કારણોની યાદી મળી.

(1) ઘવાયેલો અહમ – એ ભાઈ અથવા એ બહેને મારી વિરુદ્ધ જે કાર્ય કર્યું, જે બોલ્યા એનાથી મારો અહમ ઘવાયો. હવે અહંમ તો એટલો વહાલો છે ને કે એને ખાતર હું એ ભાઈને કે બહેનને જતા કરવા તૈયાર છું પણ અહંમને છોડવા તૈયાર નથી. જો મારામાં સદ્દબુદ્ધિ પ્રગટે કે આ જીવન તો પાણીનો પરપોટો છે. ક્ષણભંગુર છે. હમણાં છે ને કાલે નથી. જો આ સભાનતા કેળવાય તો અહંમ ઓગળે. પેલો ભાઈ કે પેલી બહેન અગત્યતાના બની જાય અને ક્ષમાદાન થઈ શકે.

(2) અપરાધનું વિસ્તૃતિકરણ – Magnification of the fault. પ્રયોગશાળામાં અમે પેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા એ સૂક્ષ્મદર્શક યંત્ર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને એવી તો વિસ્તારીત કરે કે આપણે નજર સમક્ષ જોઈ શકતા હતા. શું થાય છે. ભાઈએ મારો કંઈક વાંક, ગુનો કર્યો પછી મારું મન એને Magnify કરે છે અને એટલું તો વિસ્તારે છે પછી મને જે કોઈ દિલસોજી આપવા આવે ને એમની આગળ હું વર્ણન કર્યા કરું છું. અને એ એટલો તો અપરાધ વિસ્તરે છે ને કે ખરેખર આપણે ખોદવાનું શરૂ કરીએ ને તો પેલી કહેવત તદ્દન સાચી પડે. ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર.’ કશું જ નહોતું. ઘૂંટાતું ગયુ. કહેવાતુ ગયુ અને એ વિસ્તૃત થતું જ ગયુ અને એટલે ક્ષમાદાન અટકી જાય છે કેમ, આડશ આવી ગઈ. મોટો બંધ આવી ગયો. ડુંગરો મેં જ ખડા કર્યા. અપરાધના ડુંગરો.

(3) વિધ્ન સંતોષીઓનું યોગદાન – દુશ્મનનો દુશ્મન તે મારો મિત્ર. આ ભાઈનો મારી વિરુદ્ધ કંઈ ગુનો થયો છે એ જ ભાઈનો પેલા સાથે કંઈક એવું જ થયેલું. એટલે એ ભાઈ અને હું મિત્ર બની ગયા. વિધ્નસંતોષી બની ગયા. માફી નહી આપવાની. કદાચ એ ભાઈ એમનો બદલો લઈ શકે એમ નથી પરંતુ મારી પાસે ક્ષમતા છે બદલો લેવાની એટલે વિધ્નસંતોષી હવે મને ક્ષમાદાન માટે તૈયાર નહી થવા દે. દરેક પોતપોતાનો સ્કોર સેટલ કરે છે અને ક્ષમાદાન ક્યાંય ભૂલાઈ જાય છે. વિધ્નસંતોષીઓનું યોગદાન!

(4) વારસામાં મળેલ પૂર્વગ્રહ – પૂર્વગ્રહ જ્ઞાતિગત હોઈ શકે અને આ જ્ઞાતિનો પેલી જ્ઞાતિનો જાતિગત હોઈ શકે. નરજાતિ – નારીજાતિ. વર્ગગ્રસ્ત હોઈ શકે. કહેવાતો ઉચ્ચ કે નીચલો વર્ગ. આ પૂર્વગ્રહ અપરાધ ક્ષમા કરવામાં આડે આવે છે. એની માફી થતી હોય એની માફી અપાતી હોય અરે પત્ની થઈને એણે આવું કર્યું. ક્ષમાદાન ભૂલાઈ જાય છે.

(5) એક અપરાધીએ, એક ગુનેગારે કયા સંદર્ભમાં, કયા સંજોગોમાં ગુનો કર્યો એ સંદર્ભ. સંજોગોનો આપણને કોઈ ખ્યાલ નથી. એ ખ્યાલ હોત તો એ જ સંદર્ભ, સંજોગોમાં આપણે એ જ કરી બેઠા હોત. પણ અત્યારે મને તો એ અપરાધી, એ ગુનેગાર અથવા જેણે મારી લાગણીને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિએ આમ કેમ કર્યું? કયા સંજોગોમાં કર્યુ? શા કારણે કર્યું? કયું એવું દબાણ હતું? આ બધાથી તદન અજાણ છું અને એટલે એ વ્યક્તિને ક્ષમા આપવામાં મુશ્કેલી પડે છે.

(6) એનો અપરાધ શું છે? એ પણ આપણે ક્યારેક જાણતા નથી. માની લીધું છે કે એણે કંઈક કર્યુ છે આપણે રૂબરૂ, નજરો નજર જોયુ નથી, સાંભળ્યું નથી. પણ મારી વિરુદ્ધ પેલા ભાઈ આવી વાત કરે છે. એવી વાત મારા કાને આવી. આને કહેવાય કાનથી કાન. વાત કહે છે અને એ વાત મેં હવે સાચી છે કે ખોટી એ બધામાં પડવા કરતા એ વ્યક્તિને મેં મારા હિસાબમાંથી, મારા જીવનમાંથી દૂર કરી દીધી. કયો અપરાધ કર્યો છે એ મેં જાણવા પ્રયત્ન કર્યો હોત તો કદાચ એ વ્યક્તિ સાથે, એ ભાઈ કે બહેન સાથે રૂબરૂ પેટ છૂટી વાત કરી શકત. અને હવે છેલ્લું કારણ.

આ પ્રભુ આપણને માફ કરતા રહે છે. એ અભાનતા આપણામાં ઘર કરી ગઈ છે. પ્રભુ આપણને માફ કરે છે. પ્રભુ માફ કર્યા કરે છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ડગલે ને પગલે હું કે તમે, આપણે પ્રભુ વિરુદ્ધ, માનવ વિરુદ્ધ, પર્યાવરણ વિરુદ્ધ, સમાજ વિરુદ્ધ, દેશ વિરુદ્ધ, પાપ કરીએ છીએ અને છતાં પ્રભુ નવેસરથી માફી આપ્યા જ કરે છે. આપણી સાથે તો સંબંધ ચાલુ રાખ્યા જ કરે છે. આ પ્રભુની માફીની જો મને જાણ હોય એ પ્રત્યે મારી સભાનતા હોય. આ પ્રભુની માફીનો મને અનુભવ થાય તો શક્ય છે કે મારામાં એ ક્ષમાદાનની વૃત્તિ બળવત્તર, પ્રબળ બનશે ને હું માફી આપી શકીશ. પણ પ્રભુની માફીને અંગ્રેજીમાં કહેવાય Taken for granted પ્રભુ માફ કરે જ છે એટલે ઈસુ વારંવાર માફી આપવાની વાત કરે છે. પણ વારંવાર માફી કેમ? કારણ પ્રભુ વારંવાર માફ કરે છે માટે આપણો પ્રભુ સાથેનો સંબંધ ટકી રહે છે. આપણે પણ વારંવાર માફ કરીએ તો આપણી વચ્ચેના એકબીજાના સંબંધમાં ટકી રહીશું. ક્ષમાદાન સૌથી મોટું દાન છે. ક્ષમાધર્મ મોટો ધર્મ છે. ક્ષમા સર્વને એક પ્રભુનો અનુભવ કરાવે છે. જે પ્રભુ સર્વના કલ્યાણ માટે, સર્વના તારણહાર માટે, માનવજાતના ભલા માટે પોતે હંમેશા માનવને માફી આપતા રહે છે. આપણે ક્ષમાદાન કેળવવા પ્રયત્ન કરીએ. સર્વશ્રેષ્ઠ દાન ક્ષમાદાન.

Changed On: 16-02-2021
Next Change: 01-03-2021
copyright@ Fr. James B Dabhi, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.