મહેરામણ મધ્યે સરજનહાર – એક સહારો (રાજેશ ચૌહાણ)

પ્રસ્તાવના : પાણીનું દર્શન અને સ્પર્શ જીવમાત્ર માટે આનંદદાયી હોય છે. એમાંયે અફાડ લહેરાતો દરિયો જોવાનું અને તેમાં નાહવાનું દરેકનું સ્વપ્ન હોય છે. નીલવર્ણ આકાશ, ભૂખરાં ભૂખરાં જળ અને તે ઉપર પરાવર્તિત થતો સૂર્યનો પીળો તડકો દેખી દરેકની દરિયાના પાણીમાં કૂદી પડવાની ઇચ્છા થાય જ. કેટલાકને દરિયા મધ્યે જ જીવન પસાર કરતાં દરિયાખેડુઓની મીઠી ઇર્ષા પણ થતી હશે. લોકો દરિયાખેડુઓ અને તેમાં પરિવારોને વેઠવી પડતી હાલાકીઓ, તેમનાં પ્રશ્નો, તેમનાં દુઃખદર્દોથી પૂરી રીતે વાકેફ નથી.

દરિયાઈ વિસ્તાર : આપણી પૃથ્વીની સપાટી ઉપર 71 ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું પાણી અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી ઉપર પાંચ મહાસાગરો એકબીજા સાથે જોડાઈ વિશાળ સમુદ્ર રચે છે, જેની સરેરાશ ઊંડાઈ 12000 ફૂટ છે. આપણાં ભારત દેશને આશરે 7515 કિ.મી. જેટલો લાંબો દરિયા કિનારો છે, જેમાં ગુજરાતને 1600 કિ.મી. જેવો વિશાળ દરિયા કિનારો મળેલ છે. કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના આર્થિક વિકાસમાં વેપાર-વાણિજ્ય કેન્દ્રસ્થાને રહેલાં છે. વેપાર-વાણિજ્યના વિકાસમાં દરિયાખેડુઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વહાણવટાનો અમૂલ્ય ફાળો હોવા છતાં પાયાના પથ્થર એવા દરિયા ખેડુઓની સમસ્યાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું થું.

દરિયાખેડુનું જીવન : દરિયાખુડુ એટલે દરિયાની સફર કરનાર ખારવો, ખલાસી, નાવિક, માછીમાર અને દરિયાપારનો વેપાર કરનાર. દરિયો એટલે હોડી, હાંકનાર અને હોનારતનો જાણે કે ત્રિવેણી સંગમ. મોતને મુઠ્ઠીમાં લઈ અસંખ્ય ખલાસીઓ દરિયો ખેડે છે. મોત સામે સતત ઝઝૂમવાની હિંમત અને ભયાનક તોફાનો સામે પણ ટકી રહેવાની ખુમારી જ ખારવાઓની ઓળખ બની ગઈ છે. પતિને સાગરના તોફાનમાં ગુમાવી ચૂકેલ સ્ત્રી એનાં પુત્રને એ જ દરિયાદેવને ખોળે રમતો મૂકતાં જરાયે અચકાતી નથી. દરિયાઈ હોનારતની વાત આવે એટલે દરેકને ‘ટાઈટેનિક’ અને ‘હાજી કાસમની વીજળી’ જ યાદ આવે, પણ એકલદોકલ બનતી અનેક કરુણાંતિકાઓની ભાગ્યે જ નોંધ લેવાય છે.

દરિયાખેડુની મુશ્કેલીઓ : વિશ્વમાં દરેક જગ્યાએ માછીમારોની અલગ-અલગ જાતિઓ વસવાટ કરે છે, પણ તેમની મૂળભૂત સમસ્યાઓ, એમનું સંઘર્ષમય જીવન, એમને વેઠવી પડતી વિપદાઓ વગેરે લગભગ એકસરખા જ જોવા મળે છે. આજીવિકા માટે સતત સંઘર્ષ કરનાર દરિયાખેડુઓની મુશ્કેલીઓ ઉપર ટૂંકમાં દ્રષ્ટિ કરીએ.

દરિયાખેડુઓ આજના આધુનિકતાના યુગમાં સભ્યસમાજની સરખામણીમાં ખૂબ જ પછાત જીવન જીવી રહ્યા છે. દિવસરાત ઘૂઘવાટા કરતા દરિયામાં પોતાના જીવના જોખમે સાહસ ખેડતા દરિયાખેડુઓને તનતોડ મહેનતની સામે અપૂરતુ વળતર મળે છે.

વાવાઝોડા અને દરિયાઈ તોફાનોનું જોખમ માથે સતત મંડરાતું હોય છે. તોફાનોમાં બોટોને પારાવાર નુકસાન થાય છે. વળી, લાંબા સમય સુધી બોટો દરિયાના પાણીમાં જ રહેતી હોવાથી તેનું લાકડું ખવાઈ જાય છે, જેનો મરામત ખર્ચ ખૂબ જ કરવો પડે છે.

જે રીતે જમીન ઉપર સીમારેખા નક્કી કરી તારની વાડ કે બોર્ડર સરકાર દ્વારા બનાવાયા છે, તેવી કોઈ નિશાની કે ચિહ્ન સીધી રીતે કે જળસીમામાં દેખાતું નથી. પરિણામે અજાણતા જ સીમા ઓળંગી દેવાય તો પાડોશી દેશ દ્વારા ઘૂસમખોરી કે અન્ય આરોપો હેઠળ માછીમારોની ધરપકડ કરી જેલમાં બંધ કરી દેવાય છે, જ્યાં વર્ષો સુધી સબડવું પડે છે.

દરિયાકિનારાના મોટોભાગના ગામોમાં સમુદ્રમાં આવતી ભરતીના કારણે કિનારાનું ધોવાણ થાય છે. વળી, પીવાના પાણીનો યક્ષપ્રશ્ન મોં ફાડીને વારંવાર સતાવતો જ રહે છે.

બંદરોના વિકાસ માટે સરકાર તરફથી પૂરતાં પ્રયત્નો કરવામાં આવતા નથી. દરિયાખેડુઓના ઉત્કર્ષ માટેની યોજનાઓનું વ્યવસ્થાપન કંગાળ હોવાથી આ યોજનાઓ મોટાભાગે કાગળ ઉપર જ રહેવા પામે છે. વળી, જટિલ સરકારી નિયમો, ભ્રષ્ટાચારથી ખદબદતું તંત્ર, અમલીકરણ માટેની ઉદાસીનતા અને જાણકારીનો અભાવ પણ મહદઅંશે જવાબદાર હોય છે. મત્સ્યોધોગ ઉપર લાદવામાં આવતાં કેટલાક નિયંત્રણો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ પોલીસીઓનો ભોગ દરિયાખેડુ બને છે.

બંદરના દરિયામાં પાણીનાં ઘટતા જતા સ્તરને કારણે ફિશિંગ બોટોને સમયસર બંદરની અંદર પ્રવેશ કરવામાં – લાંગરવામાં મુશ્કેલી પડે છે. જેથી ફિશિંગના માલની ગુણવત્તા બગડે છે, જે છેવટે આર્થિક નુકસાનીમાં પરિણમે છે.

વિકાસના નામે દરિયાકિનારે જ ઔધોગિક એકમોની સ્થાપના કરવામાં આવે છે, જે કેમિકલયુક્ત ઝેરી રસાયણોનો નિકાલ દરિયામાં જ કરે છે. જેથી દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું થાય છે, જે છેલ્લે તો માછીમારોને જ નુકસાનકર્તા નીવડે છે.

દરિયો ખેડતી વખતે દરિયાના પાણીમાં સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થઈ સીધો દરિયાખેડુઓની આંખો ઉપર પડે છે, જેથી આંખોના રોગોનું પ્રમાણ વધુ પ્રમાણમાં થાય છે.

રાત-દિવસ ઠંડા પાણીમાં જ કામ કરતા રહેવાનું હોવાથી ક્ષણિક શારીરિક સ્ફૂર્તિ માટે વ્યસનોની જાળમાં દરિયાખેડુઓ ફસાય છે, જે છેવટે બરબાદી નોતરે છે. વળી ઘણાં દિવસો સુધી વતનથી દૂર રહેવાને કારણે કામેચ્છા સંતોષવા ધંધાદારી સેક્સવર્કરો જોડે જાતિય સંબંધ બાંધવાને પરિણામે અસાધ્ય જાતિય રોગોના શિકાર બની શકે છે.

જથ્થાબંધ મચ્છીના વેચાણ માટે યોગ્ય સ્થાનિક બજારના અભાવે યોગ્ય બજારભાવ મળે તેવા સ્થળે જવું પડતું હોય છે. જેની સામાજિક સંબંધો ઉપર માઠી અસર પડે છે.

ઘરની મુખ્ય વ્યક્તિ જ લાંબો સમય ઘરની બહાર રહેતી હોઈ સ્ત્રીના હાથમાં ઘરનો વહીવટ આવે છે. જે સતત પતિના જીવતરની આશંકાઓમાં જ જીવન વીતાવે છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડે છે. વળી, અપૂરતી શૈક્ષણિક વ્યવસ્થા પણ તેમાં મોટો ભાગ ભજવી જાય છે. વળી શિક્ષણના અભાવે અન્ય નોકરી ના મળવાને પરિણામે બાપદાદાનો ધંધો જ અપનાવવો પડે છે.

દરિયે ગયેલું માણસ પાછું ના આવે ત્યાં સુધી તેની વાટ જોવાય છે, પછી ભલે ને ભયાનક તોફાનમાં હોડી ફસાઈ ગઈ હોય! સબૂત ના મળે ત્યાં લગી રાહ જોવામાં ઘણીવાર આખો જન્મારો વીતી જાય છે.

તાજેતરમાં કોરોના વાયરસની મહામારીમાં લાદેલ લોકડાઉનની માઠી અસરો દરિયાખેડુઓના જીવન પર પડેલ છે.

રક્ષણહાર પ્રભુ : દરિયાખેડુઓનો આશ્રયદાતા દરિયો જ ગણાય છે. જીવનનો મોટો ભાગ દરિયા મધ્યે જ વીતાવવાનો હોવાથી સતત જીવનાં જોખમના કારણે જે તે ઈષ્ટદેવ પ્રત્યે તેઓને ભારોભાર આસ્થા હોય એ સ્વાભાવિક છે. કેટલાક તો દરિયાને જ આરાધ્યદેવ માની એની પૂજા કરે છે. જેમણે ગોવાનો દરિયાકિનારો જોયો હશે તેમણે નોંધ્યું હશે જ કે ત્યાં મોટાભાગની હોડીઓ ઉપર ખ્રિસ્તી સંતોના નામ લખાયેલા છે.

સ્તોત્રસંહિતા 107 (23 થી 30) માં દરિયામાં ઉઠેલ તોફાનથી પ્રભુ કેવી રીતે બચાવે છે તેનું સરસ શબ્દોમાં આલેખન થયેલ છે. શુભસંદેશમાં પણ ઘણી જગ્યાએ પ્રભુ ઈસુએ હોડીમાં મુસાફરી કર્યાનો અને ચમત્કાર કર્યાનો ઉલ્લેખ આવે છે. અરે! પ્રભુ ઈસુના મોટાભાગના શિષ્યો માછીમાર હતા. મુખ્ય બે પ્રસંગ પર નજર નાખીએ.

(1) ઈસુ શિષ્યો સાથે હોડીમાં બેસી જતા હોય છે, ત્યારે સરોવરમાં જાગેલ ભયંકર તોફાનથી બચવા માટે શિષ્યો હોડીમાં ઊંઘી ગયેલ ઈસુને જગાડે છે અને પ્રભુ ઈસુ ઊઠીને તોફાન શાંત પાડે છે અને શિષ્યોને શદ્ધા રાખવા શિખામણ આપે છે.
(2) એકવાર શિષ્યો હોડીમાં જઈ રહ્યા હોય છે. એવામાં સખત પવનથી સરોવર ખળભળવા લાગે છે. ત્યાં તેઓ ઈસુને પાણી ઉપર ચાલીને હોડી પાસે આવતા જુએ છે. ઈસુની આજ્ઞા મળતા પીટર પાણી ઉપર ચાલી ઈસુ પાસે જવા લાગે છે. પણ પ્રચંડ મોજાં, તોફાની પવન, ઊંડું સરોવર અને ઊંચી લહેરોની બીકથી તે ડૂબવા લાગે છે, ત્યારે પ્રભુ હાથ લાંબો કરી તેને બચાવી લે અને તરત જ તોફાન શાંત થઈ જાય છે.

વડાધર્મગુરુ ફ્રાન્સિસનો સધિયારો : વિશ્વના મોટાભાગના ઉદ્યોગોનું અવલંબન દરિયા અને દરિયાખેડુઓ ઉપર છે. નાવિક વગર વૈશ્વિક અર્થવ્યવસ્થા સ્થિર થઈ જવાનો અને વિશ્વના ઘણા ભાગો ભૂખે મરવાનો સંભવ રહેલ છે. વડાધર્મગુરુ દરિયાખેડુઓને ખાતરી આપે છે કે; ‘કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયમાં તેઓ એકલા નથી, પણ લાખો લોકોની પ્રાર્થનાઓ તેમની સાથે છે. ભગવાન તમારા દરેકને, તમારા કામને અને તમારા પરિવારોને આશીર્વાદિત કરે તે માટે મારી પ્રાર્થના સદા રહેશે જ.’ સાથે સાથે તેઓએ દરિયાખેડુઓની ભૌતિક અને આધ્યાત્મિક જરૂરિયાતો પૂર્ણપણે સંતોષાય તે માટે ઉચિત પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો છે. દરિયાખેડુઓના માનવઅધિકારોનું રક્ષણ થાય, જતન થાય એ માટેના સઘળા પ્રયત્નોને વડાધર્મગુરુ સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ઉપસંહાર : સાગર હોય કે સંસારસાગર, પ્રભુની કૃપાથી જ પાર ઊતરાય છે. રક્ષણહાર પ્રભુ સર્વનું ધ્યાન રાખે જ છે. તો ચાલો, આપણે પણ વડાધર્મગુરુના આ માસના પ્રાર્થના હેતુને ધ્યાને રાખી દરિયાખેડુઓ માટે પ્રાર્થના કરીએ કે, પ્રભુ, તેમને તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે, સઘળી સમસ્યાઓનું નિરાકરણ થાય અને પરિણામે તેમની આંખોમાં ‘ખારાં આંસુ’ ને બદલે ‘અમી ઝરણાં’ વહે.

Changed On: 01-03-2021
Next Change: 16-03-2021
copyright@ Mr. Rajesh Chauhan

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.