સાંપ્રતમાં દેશદાઝ (આગ્નેસ વાઘેલા)

અંગ્રેજોની ગુલામીના સુદીર્ધ શાસનમાંથી ભારતને સ્વતંત્રતા ઓગસ્ટ, 1947માં મળી. દેશવાસીઓ પીઢ થયેલી આઝાદીનો અહેસાસ કરી રહ્યાં છે. પરંતુ સળગતી સરહદો, વકરતો આતંકવાદ તથા વિકરાળ બનતી મહામારીની સામે દેશ ઝઝૂમી રહ્યો છે. છેલ્લાં થોડા મહિનાથી આપણે સહુ કોરોના વાઈરસથી ત્રસ્ત છીએ. અનેક દેશવાસીઓએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વ કોરોના વાઈરસને ડામવાની અને તેમાંથી ઉગરવાની મથામણ કરી રહ્યું છે પરંતુ સફળતાથી હજી આપણે જોજનો દૂર છીએ. દિવસે દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે. કોરોનાએ માનવીને સ્પષ્ટ રીતે ત્રણેક સ્તરમાં વહેંચી દીધો છે. મધ્યમ વર્ગ માંડમાંડ પોતાને અને પોતાના પરિવારને સંભાળી રહ્યો છે. આર્થિક રીતે ઉચ્ચ વર્ગને ખાસ કોઈ અસર નથી થઈ. પરંતુ ગરીબવર્ગ, જેઓ રોજ કમાઈને રોજ ખાય છે, તેઓની પરિસ્થિતિ દયનીય છે. કોરોનાની મહામારીએ કડવી હકીકત સામેય આપણું ધ્યાન દોર્યુ છે કે માનવી સ્વાર્થી બની ગયો છે. માનવીમાંથી માનવતા જોજનો દૂર છે. પોતાનો અને પોતાના પરિવાર સિવાય કોઈની તેને પડી નથી. માનવીની સ્વાર્થવૃત્તિ એટલી હદે વકરી છે કે, રોજબરોજનું કમાઈને ખાનારા વર્ગને માથે તો આભ તૂટી પડ્યું છે.

ધંધોરોજગાર બંધ થઈ જવાથી વ્યક્તિ અને પરિવાર લાચાર અને બેબસ થઈ ગયાં છે. નથી એમની પાસે રહેવાને ઘર, નથી ખાવાને રોટલો. લૉકડાઉનથી દેશનું સમગ્ર તંત્ર ઠપ થઈ ગયું. વાહનવ્યવહાર સુદ્ધાં બંધ થઈ ગયો. ધંધોરોજગાર બંધ થઈ જવાથી આવા લોકો પોતાને વતન જવાનો પ્રયત્ન કરતાં હતાં. એમાંય એમની વહારે થનાર કોઈ નહોતું. પોતાના જીવનની પરવા કર્યા વિના, આ લોકો સપરિવાર(બાળકો, વૃદ્ધો સહિત) પગપાળા નીકળી પડ્યાં. અનેક દિવસો સુધી ભૂખ્યાં-તરસ્યાં લોકોથી, રેલ્વે લાઈનો અને ઘોરી માર્ગો જીવંત બની ગયા. અનેક લોકો મંજિલે પહોંચતાં પહેલાં સ્વધામે પહોંચી ગયા. કોરોનાની મહામારીમાં સામાજિક માળખામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલાં આ લોકો તરફ નજર જ નહોતી જતી. પરંતુ મોડે મોડે ય હવે સામાજિક સંસ્થા, સેવાભાવી લોકો તેમજ મીડિયાના અમુક વર્ગે પહેલી વખત તેમની તરફ દ્રષ્ટિ દોડાવી છે અને એનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે.

સહુ પહેલાં આપણે દરેકે એ સમજવાની જરૂર છે કે, કોરોના સામેની લડાઈની રીત અલગ પ્રકારની છે. તેને સરકાર, સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત આપણે સહુએ સાથે મળીને લડવાની છે. સુદીર્ઘ લૉકડાઉનને કારણે દેશી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. લોકોની આર્થિક સ્થિતિ પણ બેહાલ છે. નોકરી-ધંધાને મોટો ફટકો પડ્યો છે. સામાજિક પરિસ્થિતિમાં પણ જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. લોકોની માનસિક સ્થિતિમાં, મનોવૈજ્ઞાનિક આડઅસરોને કારણે લોકો ઉપર જબરદસ્ત અસર થઈ છે. એટલે આપણે સહુએ, કોરોના સામેની લડાઈ આર્થિક, સામાજિક અને માનસિક સ્તરે લડવાની છે.

લૉકડાઉન પછીના નવા પ્રકારના સામાન્ય જીવન, નવી જીવનશૈલીની શરૂઆત થઈ છે. તબીબી વર્ગ પોતાનો ફાળો આપી રહ્યો છે. સફાઈ કામદાર, દેશની રક્ષા સંભાળનારા સૈન્ય, પોલિસતંત્ર પોતાનો ફાળો આપી રહ્યાં છે. સરકાર, સામાજિક અને અમુક ધાર્મિક સંસ્થાઓ પોતપોતાની રીતે કોરોના મહામારી સામેની લડાઈમાં સહકાર આપી રહી છે. અનલૉકડાઉન માટેનાં સરકાર દ્વારા ઘોષિત કેટલાંક પગલાંઓના સરળીકરણ સાથે હળવે હળવે સમાયોજિત થવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પ્રજાજોગ સંદેશમાં અત્યાર સુધી ઉચ્ચારાતા, ‘ઘરે રહો, સુરક્ષિત રહો’, ના સૂત્રને દોહરાવવાની સાથે, હવે સરકાર, ‘સતર્ક રહો, સ્વસ્થ રહો’ના સૂત્ર ઉપર વધુ ભાર મૂકીને જણાવ્યું છે કે, મહામારીનો ખતરો ટળ્યો નથી પરંતુ રોજમદારો, શ્રમિકો અને અન્ય દેશબાંધવોની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ ઠપ ન થઈ જાય તે માટે રાહત આપી છે. કોરોના વાઈરસને હરાવવાની વાતને બદલે હવે તેની સાથે જીવવાની વાતમાં પરિવર્તિત થઈ રહી છે.

ધંધોરોજગાર ઉપર સરકારે બહાર પાડેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ. જરૂરી હોય તો જ ઘરબહાર નીકળીએ. બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીને જ નીકળીએ. યોગ્ય સામાજિક અંતર જાળવી રાખીએ. ઘરમાં વડીલો અને નાનાં બાળકોની વિશેષ કાળજી રાખીએ. આપણી આસપાસ વસતા આર્થિક રીતે ગરીબ લોકો તરફ માનવીય અભિગમ રાખીને શક્ય તેટલી મદદ કરીએ.

તો આવો, આપણે સહુ કોરોના સામેની લડાઈમાં હકારાત્મક પરિવર્તનની, પરિશ્રમની અને પરિણામલક્ષી પ્રવૃતિઓમાં રમમાણ થઈએ.

Changed On: 16-03-2021
Next Change: 01-04-2021
copyright@ Mrs. Agnes Vaghela

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.