મગ્દલા ગામની મરિયમ (Father James B Dabhi, SJ)

મગ્દલા ગામ ઇસ્રાયલના ઉત્તર પ્રાંત ગાલીલમાં સરોવરને કિનારે વસેલું છે. મરિયમ આ ગામની છે. ઈસુના સંપર્કમાં આવ્યા પછી મરિયમ ઈસુની સાથે શહેરશહેર અને ગામેગામ ફરતી હતી. ઈસુ પાછળ ફરવાનો આશય હતો ઈસુની સેવા કરવાનો.

મરિયમના પરિવાર વિષે કે મરિયમના પોતા વિષે આપણી પાસે ઝાઝી માહિતી નથી. આપણે એટલું જાણીએ છીએ કે તે કાલવારીના ડુંગર ઉપર ઈસુ ક્રૂસ ઉપર લટકતા હતા ત્યારે એ ક્રૂસ પાસે ઊભી હતી. રવિવારની વહેલી સવારે મરિયમ ઈસુની ખુલ્લી અને ખાલી કબર આગળ ઊભી હતી. મરિયમ એક યુવતિ હશે એવી કલ્પના કરું છું. યુવતિ તરીકે મગ્દલા ગામની મરિયમ યુવાપેઢીને પાઠ ભણાવી શકે છે.

ઈસુ ક્રૂસ ઉપર લટકે છે ત્યારે તેમના ક્રૂસ પાસે મરિયમની હાજરી ઈસુ માટે કેટલી મદદરૂપ હશે તે કલ્પના કરી શકાય. ઈસુ પૂરેપૂરા માનવ છે. માનવ શરીર અને આત્મા છે. માનવ શરીર હોવાથી શારીરિક દુઃખ છે જ અને માનવ આત્મા હોવાથી એ દુઃખને કારણે પેદા થતી વ્યથા પણ છે. ઈસુ દુઃખ એટલે કે pain અને વ્યથા એટલે કે suffering અનુભવે છે. માનવથી વ્યથામાં અન્ય માનવ હાજર રહીને ટેકો કરી શકે છે. ઈસુની આસપાસ રોમન સિપાઈઓ છે, યરુશાલેમવાસીઓ છે, પાસ્ખાપર્વની ઉજવણી માટે આવેલા ઇસ્રાયલી ભક્તો છે. પરંતુ તેઓની હાજરી વ્યથામાં વધારો કરનારી છે. મરિયમની મૂક હાજરી ઈસુની વ્યથામાં ટેકો કરે છે. મરિયમ યુવાનોને દર્શાવે છે કે વ્યથામાં ડૂબેલાં સ્વજનોને અથવા પડોશીઓને આપણે આપણી સાંત્વનાભરપૂર મૂક હાજરીથી ટેકો કરી શકીએ છીએ. ઈસુની મહાવ્યથા તો માનવજાતની મુક્તિ માટે હતી. એટલે મરિયમ પણ ઈસુને ટેકો કરી માનવજાતની મુક્તિમાં પોતાનું યોગદાન કરે છે. યુવાન જે કોઈ વ્યક્તિની વ્યથામાં પોતાની મૂક હાજરીથી અથવા નક્કર યોગદાનથી તે વ્યક્તિની વ્યથા હળવી કરી શકે છે.

રવિવારની સવારે મગ્દલાની મરિયમ કબર પાસે પહોંચી જાય છે. ઈસુના મૃત્યુ પછી આડો એક વિેશ્રામવાર જ આવે છે. જેવો વિશ્રામવાર પૂરો થાય છે કે મરિયમ ફરીથી એ જ સ્થાને આવે છે, જ્યાં ઈસુ છે. કોઈકની સાથે સતત સમય ગાળવો એ તે વ્યક્તિ પરના પ્રેમનું પ્રદર્શન છે. મરિયમને ઈસુ ઉપર ખૂબ પ્રેમ છે. મરિયમ આજની યુવાપેઢીની પ્રેરણામૂર્તિ બની શકે છે. યુવાપેઢીએ ઈસુને સૌથી વધુ પ્રેમ કરવાનો છે. મરિયમ તો એટલું જ જાણે છે કે ઈસુ મૃત્યુ પામ્યા છે, તેને ખબર નથી કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે. પુનરુત્થાન પામેલા ઈસુમાં શ્રદ્ધા મૂકી શકે છે. આ સત્ય તો સહું માનવોએ જીવનમાં ઊતારવા જેવું છે. મરિયમની માફક આપણે સહેલાઈથી સ્વીકારીએ કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે. પુનરુત્થાન પામેલા ઈસુ મરિયમને પુનરુત્થાનના સાક્ષી બનવાનું કાર્ય સોંપે છે. મરિયમે ઈસુને ક્રૂસ ઉપર મરતા જોયા છે. અને હવે પુનરુત્થાન પામેલા ઈસુને જુએ છે. મરિયમ પુનરુત્થાન પામેલા ઈસુના રૂબરૂ સાક્ષી છે, માટે જ તેઓ અન્યો સમક્ષ પુનરુત્થાનના સાક્ષી બની શકે છે. આપણે પણ મરિયમની માફક ઈસુના પુનરુત્થાનના સાક્ષી બનવાનું છે.

Changed On: 01-04-2021
Next Change: 16-04-2021
copyright@ Fr. James B Dabhi, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.