મોશે (Fr. James B Dabhi, SJ)

મોશે યાકોબના બાર દીકરાઓમાંથી લેવી નામના દીકરાના વંશમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અમરામ અને માતાનું નામ યોખેબેદ હતું. મોશેના મોટાભાઈ અહરોન અને મોટી બહેન મિરિયમ. આ પરિવાર અન્ય ઇસ્રાયલીઓ સાથે આજના ઇજિપ્ત દેશમાં વસતું હતું. મોશેનો જન્મ થયો તે વખતે ઇજિપ્ત દેશના રાજાએ ઇસ્રાયલી સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા ઇસ્રાયેલી દાયણોની નિમણૂંક કરી તે સમયે જ ઇસ્રાયેલી પુત્રને મારી નાખવાનું ફરમાન હતું. આ ફરમાન છતાં ઇસ્રાયલી પુત્રોનો જન્મ થયો હોવાથી રાજાએ બીજો હુકમ છોડ્યો હતો કે ઇસ્રાયલી દીકરાઓને નીલ નદીમાં ફેંકી દેવા મોશે તો આ ઘાતકી હુકમોના માહોલમાં જન્મ્યા અને જીવતા રહ્યા.

યુવાનવયે મોશે રાજમહેલમાંથી નગરજનો વચ્ચે લટાર મારવા નીકળ્યા છે. પોતે ઇસ્રાયલી છે તે તેઓ જાણે છે, પણ તેઓને રાજકુંવરીએ દત્તક લીધા હોવાથી રાજમહેલમાં જીવે છે. બે ઇસ્રાયલીઓ વચ્ચેની તકરારમાં મોશે એ ઇસ્રાયલીનું ઉપરાળું લે છે જે વાંકમાં નથી. યુવાન મોશે પાસેથી શીખવા મળે છે કે જેને અન્યાય થાય છે તેનો પક્ષ લેવો જે વાંકમાં છે તેને સભાન કરવો. જો કે એમાં જીવનું જોખમ પણ આવી શકે છે. એટલે જ મોશેએ ઇજિપ્ત દેશ છોડી ઇસ્રાયલ દેશમાં ભાગી જવું પડે છે. રસ્તામાં મોશે વળી પાછા અબળાઓનો પક્ષ લે છે અને તેઓને ભરવાડોની ધાકધમકીથી બચાવે છે. મોશે પરકેન્દ્રી જીવ છે. પ્રત્યેક યુવાન મોશેની માફક પરકેન્દ્રી બને તો પોતાની સઘળી શક્તિઓ માનવ સમાજના ઘડતર માટે વાપરી શકે.

મોશેને પ્રભુ બળતા ઝાંખરામાં દર્શન દે છે. ઝાંખરું બળે છે ખરું, પણ રાખ નથી થતું. આ કૌતુક જોવાની જિજ્ઞાસામાં મોશે પ્રભુ સાથે સંવાદમાં જોડાય છે. પ્રભુ મોશેને ઇસ્રાયલીઓને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી સ્વતંત્ર કરવાની મોટી જવાબદારી સોંપે છે. મહાસત્તા ઇજિપ્ત દેશના રાજાના હાથમાંથી ઇસ્રાયલીઓને છોડાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે. છતાં પ્રભુની શક્તિ પર સંપૂર્ણ મદાર રાખીને મોશે ઇસ્રાયલીઓને ઇજિપ્તના રાજાના હાથમાંથી છોડાવવાનું બીડું ઝડપે છે. મોશેની માફક આજના યુવાને પ્રભુની શક્તિ પર સંપૂર્ણ આધાર રાખીને સમાજને બંદીવાન કરતાં અનિષ્ટ તત્વોનો નાશ કરવા આગળ આવવાનું છે.

ઇજિપ્તના રાજા મોશે સાથેની મંત્રણા દરમિયાન ઇસ્રાયલીઓને મુક્તિ આપવા મંજૂર થાય છે. પણ પછી ફરી જાય છે. ઇજિપ્તના રાજા દસ દસ વખત ફરી જાય છે. મોશે નથી ધીરજ ગુમાવતા કે નથી નિરાશ થતાં. પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને તેઓ સાતત્યપૂર્વક વળગી રહે છે. મોશે પાસેથી સાતત્ય શીખી શકાય. તેઓ ઇજિપ્તના રાજા પાસે જતાં થાકતાં નથી. જાળ બનાવનાર કરોળિયો ભોંય ઉપર પટકાય છે, પણ જાળ બનાવવાનું મૂક્તો નથી. સાત સાત વખત પડ્યા પછી કરોળિયો જાળ બનાવી શકે છે. દસ દસ વખત ઇજિપ્તના રાજાના દરબારમાં ધક્કા ખાધા પછી મોશે ઇસ્રાયલીઓને છોડાવે છે. મોશેનાં ધીરજ, ખંત, સાતત્ય, અમર આશા તેઓને સફળ બનાવે છે. મોશે આજના યુવાનના પ્રેરણાસ્ત્રોત બની શકે છે. (મહાપ્રસ્થાન 2:૧૧)

Changed On: 14-06-2021
Next Change: 01-05-2021
copyright@ Fr. James B Dabhi, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.