વિશ્વાસ, શાંતિનો શ્વાસ (જેનેટ જે. મેકવાન)

સંયુક્ત રાષ્ટ્રસંઘની લાક્ષણિકતા – પ્રયોજનનું અવારનવાર ચયન કરતાં, વિશ્વમાં પ્રવર્તમાન નાના મોટા વાદવિવાદનું નિરાકરણ કરવા પ્રત્યે સંઘની કર્તવ્યનિષ્ઠા અને ઉગતી પેઢીને યુદ્ધના ભયંકર પરિણામથી ઉગારી લેવા પ્રત્યેક રાષ્ટ્ર વચ્ચે મૈત્રીભર્યા સંબંધ પ્રસ્થાપિત કરવાના હેતુસર સંઘ જે તે વર્ષની વિશેષ ઉદ્દેશ સાથે ઉજવણી કરે છે. ટકાઉ વિકાસ, શાંતિ અને માનવ અધિકારના સંવર્ધન જેવા સિદ્ધાંતોને સબળ બનાવવા પમ આ ઉજવણી ઉદ્દીપક બને છે, જેને પરિણામે દુનિયામાં શાંતિ અને અહિંસા જેવાં મૂલ્યોનો વ્યાપ વધે છે અને છેવટે માનવજાત નવી પેઢી તેનાં મીઠાં ફળ ચાખે છે. કોઈપણ મતભેદનો સંવાદ દ્વારા શાંતિપૂર્ણ હલ શોધવા માટે પણ સંઘ સભ્યદેશને અનુરોધ કરે છે.

અન્ય હેતુઓ સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘે 2021ના વર્ષને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસના વર્ષ તરીકે ઉજવવા જાહેર કર્યું છે. માનવજાતના ઈતિહાસમાં ક્યારેય ઊભી ન થઈ હોય એવી શાંતિ અને વિશ્વસનીયતાની અનિવાર્યતા તાજેતરના વર્ષમાં ઊભી થઈ છે. પ્રત્યેક માનવ-રાષ્ટ્ર, એકબીજાના જુદાપણા સ્વીકાર કરે અને આદર કરે, ભરોસો મૂકે અને શાંતિ-સુમેળની સ્થાપના કરે તે આજની જરૂરિયાત છે. શાંતિ એટલે કેવળ યુદ્ધની ગેરહાજરી જ નહીં બલકે અગમચેતીની રાજનીતિને સબળ કરી, જીવનનો વિકાસ કરવો એ જ કલ્યાણકારી છે, જેનો આરંભ અરસપરસને સાંભળવા-સમજવા-સત્કારથી થાય છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ વર્ષ-2021 નિમિત્તે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્થાયી શાંતિ, વફાદારી અને ભાઈચારોના પ્રોત્સાહન માટે ભાતીગળ વૈવિધ્ય ધરાવતા સમુદાય વચ્ચે આંતરસમજ, વ્યવહાર, સંવાદને વેગ મળે તે માટે કાર્યક્રમનું આયોજન-અમલીકરણ કરવું, દુનિયાના તમામ દેશમાં માનવ અધિકારનું રક્ષણ કરવામાં આવે, સર્વ પ્રજાને સુરક્ષા અને સલામતીનો અનુભવ થાય તેવી જોગવાઈ કરવામાં આવે. સંઘ દ્વારા સૂચિત શાંતિ પ્રયાસોને સભ્ય દેશ, દેશની સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વ્રારા સ્થાનિક કક્ષાએ યોગ્ય રીતે ફળીભૂત કરવામાં સહયોગ પ્રાપ્ત થાય તેવી કોશિશ કરવામાં આવે.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉદભવતા વિવાદ-સમસ્યાઓનો હલ સંવાદ-ચર્ચાવિચારણ મારફતે કરવામાં આવે અને સઘળા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે એ માટે તજવીજ કરવી.

દુનિયાનું વર્તમાન રાજકારણ આજે કઠિન-દુર્ગમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે, યુદ્ધનો વિસ્તાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે વૈશ્વિક શાંતિ-સલામતી માટે સંઘનું આહવાન-પ્રયત્ન વિશ્વમાનવ માટે આશાસ્પદ છે. આજના સંજોગોમાં પ્રત્યેક રાષ્ટ્ર-રાજ્ય એકબીજા સાથે રચનાત્મક – પરિપકવ વ્યવહાર કરે તે ઈચ્છનીય છે. એકબીજાના આંતરિક મામલામાં દખલ ન કરે, વેપાર-વાણિજ્ય કે સરહદના પ્રશ્નોનો વાટાઘાટ દ્વારા ઉકેલ લાવવામાં આવે તે સદૈવ હિતકારી છે. કુદરતી સંપત્તિ, ઊર્જા, સંદેશા-વાહનવ્યવહાર, જળ-વાયુ-જમીન વગેરેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનું સ્વેચ્છાએ પાલન કરે અને સહયોગ આપે એ સૌની સુખાકારી છે એવી સંકલ્પના દ્રઢ થાય એ માટે નિષ્ઠાપાન પ્રયાસ આદરવામાં આવે.

સંઘના નેજા હેઠળ વૈશ્વિક કલ્યાણ માટે સભ્યદેશ એકજૂથ બની, વર્ષની ઉજવણી માટે સહમત થયા છે તો હવે તેના પાલનમાં પણ એટલી જ ઉત્કંઠા દાખવે તે વધારે જરૂરી છે. પ્રેમ-શાંતિની સ્થાપના માટે દરેક દેશ-નેતા તટસ્થભાવે નિર્ણય કરે, આચરણ કરે અને અન્યને ઉદાહરણરૂપ બને તે આવશ્યક છે, જેથી માનવજાતની આવતીકાલ વધારે ઉજળી બને. આંતરરાષ્ટ્રીય શાંતિ-સુરક્ષાની જાળવણી માટે, શાંતિ સ્થાપનામાં અવરોધરૂપ પરિબળોને ઓળખવાં, નિવારવાં જરૂરી છે. ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરીને, કાયદાનું પાલન કરીને સદભાવના-સૌહાર્દ દ્વારા જ અશાંતિનું શમન કરી શાંતિનું વાતાવરણ ઊભું કરી શકીએ. મૈત્રીભર્યા સંબંધો તેમાં પ્રોત્સાહક બની શકે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર, સૌના સંગાથમાં આ શક્ય છે.

Changed On: 01-06-2021
Next Change: 16-06-2021
copyright@ Jenet J. Macwan

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.