શબ્દબ્રહ્મના ઉપાસકને વંદન (કવિ યોસેફ મેકવાન)

શબ્દબ્રહ્મના ઉપાસકને વંદન (કવિ યોસેફ મેકવાન)

વહેલી સવારે ... ‘હેલો...’
‘સાંભળ્યું ને તમે?’ સામેથી પૂછાયું.
‘ના, મને કશી ખબર નથી.’
‘ફાધર વર્ગીસ... અનંતની યાત્રાએ... ’
મારાથી ઊંચા અવાજે બોલાઈ ગયું - ‘ફિલિપ, તમે આ શી વાત -’

‘હા ભાઈ, મને હમણાં જ ફોન આવ્યો. એટલે ખાતરી કરવા’ – અને ફિલિપનો ફોટ કટ થઈ ગયો. પછી તો થોડી જ ક્ષણોમાં ફાધર વર્ગીસનો ચહેરો મોબાઇબલમાં વોટ્સએપ દ્વારા સ્વજનોની આંખના ખૂણે ખૂણે હસી રહ્યો... નીચે... ‘રેસ્ટ ઈન પીસ’ અને સમજાઈ ગયું કે ખરેખર ફાધર વર્ગીસ પૉલ એસ.જે. આપણી વચ્ચે નથી!

-અને કશીક અવઢવના ઘુમ્મસમાં મારું સંવેદનશીલ મન અકળાઈ રહ્યું. ફાધર વર્ગીસ એટલા નિકટ હતા કે, હવા ય જો તેમને ઘસરકો પાડે ને સોળ મને ઊઠે!

આવા પરમમિત્રની શ્રદ્વાંજલિ લખવા બેઠો ત્યારે નજર આગળથી કોઈ ચલચિત્રની ક્લિપ સરકતી હોય એમ ફાધર વર્ગીસની અનેકાધિક મુદ્રાઓ સરકી ગઈ.

પહેલું જ સ્મરણ મારી પત્ની સુરભિના નિધનનું. 1996માં 1લી નવેમ્બરનો મહિનો રાત આખી વીતાવ્યા પછી સવારે શબવાહિનીની વ્યવસ્થા કરી પણ તેમાં વિલંબ થવા લાગ્યો હતો. તરત ફાધર વર્ગીસે બે-ત્રણ બ્રધરોની સહાયથી સુરભિનું કોફિન નીચે ફ્લેટમાં રહેલી પોતાની ગાડી ‘આરમાદા’માં ગોઠવાવી દીધું. ‘ચાલો કવિ, બેસી જાવ જોડે.’ – અને ગાડી હંકારી બિલાડીબાગના કબ્રસ્તાન તરફ. પાછળ પરિચિતો –સગાંવહાલાંનો કાફલો આવ્યો. એ વખતનો ગાડી ચલાવવાનો એમનો જુસ્સો જોઈ હું તો દંગ જ રહી ગયેલો. ત્યારે ભાવિની આ ક્ષણની ક્યાં જાણ હતી કે, પરમમિત્ર માટે કોરોના મહામારીના ભયના ઓથાર તળે વિશ્વ આખુ હાંફતું હશે ને મારે – આપણે વર્ગીસના ચાહકો એવા સૌએ એમની વસમી વિદાય... આમ ઘરને ખૂણે બેસી તેમને સ્મૃતિમાં લાવી શૂન્ય આંખે જ આપવી પડશે! આ આંતરવેદના ઉકળતાં પાણી જેવી અંદરથી દઝાડે છે. નાની સૂની વેદના નથી જ. જેની સાથે ખૂબ ખૂલીને સમયની પળો માણી એ અચાનક જતાં... મારો એક શેર યાદ આવી જાય છે.

પાંદડું પવને ખર્યું તે વૃક્ષમાં એક લીલી છાંય સતત પડઘાય છે!

દક્ષિણ ભારતના કેરળમાં એવોલય ગામ આવેલું છે. ત્યાં ચેલ્લાદમ કુટુંબમાં 31મી મે 1943માં ફાધર વર્ગીસનો જન્મ થયો હતો. આ કુટુંબમાં પ્રભુ ઈસુની આધ્યાત્મિક ભક્તિની સુવાસ સતત મઘમઘતી રહે. ફાધર વર્ગીસનાં માતા અન્નાકુટ્ટીને અને પિતા સી.વી. પૉલને ઈશ્વરમાં અપૂર્વ –અખૂટ શ્રદ્ધા. બીજાને માટે સતત કંઈક કરી છૂટવાની ભાવના. તેઓ માનતા કે, ઈશ્વરે તેમના કુટુંબ પર સતત આશીર્વાદ વરસાવ્યા કર્યા જ છે. કુટુંબના દરેક સભ્ય કર્તવ્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ. તેઓ કોઈ પણ કાર્યારંભે અંતરની પ્રાર્થના કરે. આ જ રીતભાત અને સંસ્કાર મેં ફાધર વર્ગીસના સાંનિધ્યમાં સતત અનુભવ્યાં છે. માતાપિતાના આ વારસાગત સંસ્કારો તેમના નવેનવ સંતાનોમાં ઊતર્યા છે એવો અહેસાસ તેમના સંપર્કમાં આવેલા સૌને થયા વિના ન રહે.

કુટુંબનાં મોટાં દીકરી સિસિલી પૉલ – એટલે વર્ગીસનાં મોટાં બહેન સિસ્ટર બની પંજાબમાં સેવાયજ્ઞ ચલાવે છે. પછી મોટો દીકરો વર્ગીસ 1963માં ગુજરાત ઈસુસંઘમાં જોડાય છે. ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ઉદગાર કાઢે છે - ‘આ દુનિયામાં મારે માટે યોગ્ય સ્થળ પર હું પહોંચ્યો છું. ભલે હું મારા અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાઉ પણ મારાં મા ના (અમ્મચીના) પ્રેમ, પ્રાર્થના અને યાદ હરહંમેશ મારી સાથે છે.’ (સહિયારું જીવન – પૃષ્ઠ 2/3).

વર્ગીસ પછી પાંચમા નંબરે મેથ્યુ આવે. તેઓ પણ ઈસુના સેવાયજ્ઞમાં ધર્મગુરુ બની જોડાય છે. અતિ વિનમ્ર એવા મેથ્યુ સી. પૉલ આજે આસામમાં ધર્મકાર્યની સુવાસ પ્રસારી રહ્યા છે.

એ જ રીતે મોટાં બહેન અને મોટા ભાઈના પગલે ચાલી બહેન સેલિન સિસ્ટર થયાં. એ જોઈને કુટુંબની સૌથી નાની લાડકી દીકરી લિસ્સી પણ તેમની સાથે ગુજરાત મિશનમાં જોડાઈ ગયાં. આ બંને સિસ્ટરો માતા-પિતા દીધા ધાર્મિક સંસ્કારોની સુવાસ મિશનરી સંસ્થાઓમાં ફેલાવી રહ્યાં છે. બાકી રહ્યાં ત્રણ ભાઈઓ જોશ, વિન્સેન્ટ અને થોમાસ તથા એક બહેન આન્ની – સાંસારિક જીવન દ્વારા ઈશ્વરીશ્રદ્ધાનો અને આરાધનાનો મહિમા કરી રહ્યાં છે.

ખાધે-પીધે સુખી – સંપન્ન આ કુટુંબમાં વર્ષ 2015માં જાન્યુઆરીમાં ફાધર વર્ગીસ સાથે એમના વતન ગયો ત્યારે તેમનાં સગાંવહાલાં અને પરિચિતોનો બહોળો સંપીલો વિસ્તાર જોઈ અચરજભર્યો રોમાંચ થયો. એ સર્વની નમ્રતા, ઉદારતા અને પરસ્પર માટે કંઈક કરી છૂટવાની મહેંકનો અનુભવ થયો. રબ્બરનાં વૃક્ષોનાં એમનાં વિશાળ બગીચા વચ્ચે નાના-પહોળા-સાંકડા રસ્તાઓમાંથી ફાધર વર્ગીસ જ્યારે કાર ચલાવતા ત્યારે લાગતું કે, સાચે જ અહીં ઈશ્વરના આશીર્વાદ છે જ.

ફાધર વર્ગીસ સાથે આટલું ફર્યો પણ ક્યાંય પોતાના કુટુંબની મોટાઈનો, અહંકારનો કે ગર્વનો છાંટો મેં અનુભવ્યો નથી. કેરાલાના દેવળોમાં માસ (પરમપૂજા) અર્પણ કરતા મેં એમને અનુભવ્યા છે. સૌની સાથે પ્રેમભર્યો વર્તાવ. પોતાનું ધર્મગુરુપણું ઓગાળી પોતે સહુના આપ્તજન છે એવી છાપ મેં ઝીલી છે.

આ લખું છું ત્યારે બગીચા વચ્ચે રહેલી એમની નાની વિલા દેખાય છે. તે વિલાના ઉપરના માળે મને ઓરડો આપવામાં આવેલો. બારીમાંથી દૂર દૂર સુધી લહેરાતાં એમના રબ્બરના વૃક્ષો અને બગીચામાં કામ કરતાં તેમના સેવકો... જાણે ઘરનાં જ સભ્યો હોય એવો એમની સાથેનો વ્યવહાર મને માણસાઈ શી ચીજ છે એ સમજાવી ગયો. આ સૌ સાચા અર્થમાં ઈસુમય જીવન જીવે છે એવો ખ્યાલ આવતાં ન કરવી હોય તોય આપણી ગુજરાતીઓની સરખામણી મનમાં થઈ જતી. ત્યારે મન થોડું આળું થઈ – મારી જ પંક્તિઓ સ્વગત મમળાવતું ઉપાલંભ આપતી.

બારીબારણાં પવન પ્રમાણે, કીધાં ઉઘાડ-વાસ,
અપલક-ઝપલક-જોયું પ્રીછ્યું, ક્યાં જોયું આકાશ?
પળપાંખડીઓ રહી ખીલતી, પણ ના પામ્યાં સુવાસ.
આડે હાથે જીવતર મૂકયું, સાધી સ્વાર્થ સગાઈ.
શબદ-દીવો પેટાવ્યા કર્યો પણ, જાગ્યા ન અંતર ક્યાંય!

-અલગબત્ત, અંતે તો જે – તે પ્રજા સ્થળ, સમય અને પરિસ્થિતિ ગાળી ઓગાળી પોતાના માનવીય ગુણો નિખારતી હોય છે. આ વાત ફાધર વર્ગીસના વિચારાત્મક, સંવાદાત્મક, ઊર્મિલ એવા નિબંધોમાં ધબકે છે. બીજા શબ્દોમાં કહું તો એમના કુટુંબના જે ધાર્મિક સંસ્કારો તેમના લોહીમાં વણાઈ ગયા છે તે અહીં શબ્દદેહે નિખરી રહ્યા છે. ટૂંકમાં, ઈશ્વરના સાચા સેવકનું પ્રતિબિંબ ઝીલતો આયનો એટલે ફાધર વર્ગીસનું સાહિત્ય. ગમે તે દ્દષ્ટિથી જુઓ – જીવન વિશેનું, માનવતા વિશેનું, પારસ્પારિક સંબંધો વિશેનું, એક ચોક્કસ અને સ્પષ્ટ દર્શન જોવા મળશે. ઈસુમય જીવન જીવવાની પદ્ધતિને કારણે દરેક બાબતમાં તેમનો હકારાત્મક દ્દષ્ટિકોણ જ ઉઠાવ પામ્યો છે.

તેમનું પ્રથમ પુસ્તક 1998માં ‘જીવન પટોળામાં ધર્મની ભાત’ એ નામે પ્રગટ થાય છે. જુઓ, તેના શીર્ષકમાં જ કેવો ઈશ્વરીય સંકેત છુપાયેલો છે. પોતાના અજ્ઞાત મનમાં પડેલી ભાવનાઓ, સળવળતા વિચારો, જિંદગી પરત્વેના ખ્યાલો – વગેરે આ અર્થસભર શીર્ષકમાં જાણે નિહિત ન હોય! કેમકે એ પછી એમનાં જે એક પછી પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં તેનાં નામકરણ જ જુઓને – જેમકે ‘પ્રેમને રસ્તે’, ‘સુખની કેડીએ’, ‘પ્રેમની સંસ્કૃતિ’, ‘સત્યનું સન્માન’, ‘જીવનનો આનંદ’, ‘દિલની દોલત’, ‘હૃદયથી હૃદય સુધી’, ‘મધુર જિંદગી’, ‘સત્યનું સૌંદર્ય’ વગેરે વગેરે જેવાં 40-45 પુસ્તકો છે. એ પર જો વિચારો તો ખરેખર જીવન પટોળામાં ધર્મની વાતો જ વિવિધ રૂપે લહેરાતી જોવા મળે! જાણે કોઈ સામાજિક, ધાર્મિક, રાજકીય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઘટના, પ્રસંગ, પરિસ્થિતિ, ચર્ચા વગેરે પર લેખ હોય કે, નિબંધ હોય એમાંથી તેઓ હકારાત્મક-સુમેળભર્યો સૂર જ છોડતા જોવા મળે છે. તેમાં એમની નમ્રતાની સુવાસ પણ આપણે અનુભવી શકીએ.

એક વિચારક તરીકે, ઈસુપંથી ધર્મગુરુ તરીકે તેમનું આ જીવનકાર્ય અતિ મહત્વનું બની રહે છે, કશું વરવું, કશું અજુગતું જુએ તેમાંય તેઓ તેની સૌદર્યમયતા તારવી બતાવે છે. તેમાંય વ્યક્તિ ઘડતરની, ધાર્મિકતાની, રોજબરોજમાં ઈશ્વર પ્રતીતિ શી રીતે અનુભવાય, નવી પેઢીને જાગૃત કરવા શું થઈ શકે – વગેરે જેવા મુદ્દાઓ તે વારંવાર ઘૂંટે છે.

આ લેખોમાં ફાધર વર્ગીસ પૉલનું જીવંત રેખાચિત્ર ધબકતું અનુભવાય છે. તેઓ અત્યંત સંવેદનશીલ વિચારક છે. માનવતાના પૂજારી છે. તેઓ વાણી, વર્તન અને વ્યવહારમાં તદ્દન નિરાડંબરી છે. સ્વભાવે નિખાલસ એવા સ્પષ્ટ માને છે કે, કલા ખાતર કલા ન હોય, પણ તે હેતુલક્ષી હોવી જોઈએ. કલા જીવનને અર્થપૂર્ણ બનાવે તો જ એ આવકાર્ય.

એમના આ દૃષ્ટિકોણને, દર્શનને પામવા માટે, સમજવા માટે ઈસુબોધ, બાઈબલનાં પાત્રો અને વિશ્વવિભૂતિઓ – ગ્રંથોમાંથી આપણે પસાર થવું પડે.

-ઈસુબોધમાં તેમણે આશાવાદ પ્રગટ કર્યો છે. તેઓ હૃદયપૂર્વક માને છે કે, આવનારા સમયમાં વિશ્વના ધર્મો પરસ્પરના પૂરક બનશે. તેનાથી વિશ્વમાં ભાઈચારો અને સંવાદિતા રચાશે. તેનાથી માનવ ગરિમા (human dignity) વધશે. ‘જીવો અને જીવવા દો’ (Live and let live) ના સૂત્રાનુસાર ન્યાય, સમાનતા અને માનવઅધિકારો, મૂલ્યો દૃઢ બનશે. જીવન ખીલી ઊઠશે.

તેમણે જોયું કે, ખ્રિસ્તીધર્મને સમજવા માટે તેમનાં પાત્રોને જાણવા-સમજવા જરૂરી છે. જૂના કરારનાં પાત્રોની વાત કરતા તે ‘એ માણસ તું જ છે.’ – અહીં ‘માણસ’ વિશે એ દરેક પ્રજાનું સર્વનામિક વિશેષણ બની જાય છે એટલે કે બાઈબલકથા એ દરેક મનુષ્યની, એક પ્રજાની કથા બની જાય છે – આ મુદ્દો જૂના કરારના દરેક પાત્રને ઉજાગર કરે છે. આ પાત્રોની કથા પાછળ શો ધર્મ છે, તેનો મર્મ શો, તે ફાધર વર્ગીસે ખૂબ સ્પષ્ટ ખોલી બતાવ્યું છે. બાઈબલ સમજવામાં સુગમ પડે એવું એમનું આ ભગીરથ કાર્ય તેમના ધર્મગુરુપદને ગૌરવ અપાવે એવું વિરલ છે. સાથે સાથે નવા કરારમાનાં માનવપાત્રોને પણ સાંપ્રત – સ્થળ સમયના સંદર્ભમાં પામી શકાય છે. એમાં ચરિત્રચિત્રણની તેમની મૌલિક-આગવી રીતનાં દર્શન થાય છે. સમજોને તેમણે આપણી વચ્ચે જીવંત કર્યા છે. કેટલાંક પાત્રોનો બાઈબલમાં ઉલ્લેખ જ છે તો એમને યથાતથ જીવંત દર્શાવવા માટે અંગ્રેજીમાં નિષ્ણાતોએ આલેખ્યાં હોય તેના આધારે સ્વાભાવિક ચરિત્રચિત્રણ રજૂ કર્યું છે. આ આગવી દૃષ્ટિ અને સૂઝ વિના બની ન શકે. તેમાં તેમની કલ્પનાશક્તિ સોળે કલાએ ખીલી ઊઠી છે.

‘મધર ટેરેસા અને પોપ જૉન પૉલ બીજા’ વિશેના પુસ્તકમાં જાતઅનુભવોનું રસપ્રદ આલેખન જોવા મળે છે. તે વાંચતા આપણે પણ તેમાં હાજર હોઈએ એવો ભાવજન્મે એમ થતાં કોઈકોઈ ભાવકને કંઈ પ્રશ્ન થાય તો તેમને વર્ગીસ સાનમાં કહી દેતા હોય એમ પણ અનુભવાય.

‘હું રજણકણથીય હલકો છું, તો પર્વતથીય ભારે છું.
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.
સુખીજનની પડે દ્ધષ્ટિ તો એ ઈર્ષા કરે મારી
હું આવ્યો છું ઘણા એવા દુઃખો પણ આગવા લઈને.’

ફાધર વર્ગીસે શાયર બેફામની આ પંક્તિઓ દ્વારા વાચકોને સાનમાં ઘણું સમજાવી દીધું! આપણે આપણા સમજણના ત્રાજવાથી તેમને નહીં તોળી શકીએ...

વર્ગીસ ગુજરાતના ઈસુસંઘમાં જોડાયા પછી તેમણે પોતાના વિકાસ માટે પાછું વળીને જોયું નથી. તેઓ ગુજરાત યુનિ.માંથી સંસ્કૃત-ગુજરાતી સાથે સ્નાતક થયા. પૂનાની જ્ઞાનદીપ વિદ્યાપીઠમાંથી તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. પછી ઈટાલીના રોમ ખાતે ગ્રિગોરિયન યુનિ.માંથી ધર્મશાસ્ત્રની ખાસ પદવી પ્રાપ્ત કરી. આ બધાના નિચોડરૂપ તેમણે 45 જેટલા ગુજરાતી ગ્રંથો આપ્યા. સાથે સાંથે અંગ્રેજીમાં પણ પુસ્તકો આપ્યાં. આ બધાં સાહિત્યએ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ પણ અપાવ્યા. આંતરરાષ્ટ્રીય કેથલિક અખબારે તેમને ‘મેમ્બર ઓફ ઑનર’થી નવાજ્યા છે. તેમણે ઉચ્ચ અભ્યાસ માટે તથા UCIPના કારોબારીમાં વિશ્વસંમેલનમાં અનેકવાર ભાગ લીધો છે. પત્રકાર તરીકે તેણે યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના 34 જેટલા દેશોની મુલાકાતો લીધી છે ને ત્યાંના પોતાના હૃદયસ્પર્શી અનુભવો સાહિત્યમાં શબ્દદેહે આલેખ્યા છે. સમજોને પ્રવૃત્તિના હર લમ્હાનો હિસાબ તેમણે લેખન દ્વારા ચૂકવ્યો છે. એ માટે ફાધર વર્ગીસને સલામ.

તેઓ ગુજરાતી લેખકમંડળમાં પણ સતત સક્રિય રહ્યા છે ને ઉપપ્રમુખપદે રહી ઉત્તમ કામગીરી બજાવી છે. તેમનો વાચકવર્ગ એટલો વિશાળ હતો કે તેમની CISSની ઓફિસે દૂરદૂરથી મળવા લોકો આવતા અને ચર્ચાઓ જમાવતા. તેઓ સમયના ટકોરે દરેક કાર્ય કરતા. ઓફિસમાં પણ નિયમિત પ્રાર્થના થતી. સ્ટાફના ચાર સભ્યો વચ્ચે પણ પોતાના નવા પુસ્તકનું વિમોચન પણ હોંશે હોંશે કરતા. ધર્મસભાને તો તેમની ખોટ નહીં પુરાય પણ ગુજરાતના સંસ્કારપ્રેમી વાચકવર્ગને પણ તેમની ખોટ સાલશે. એમના વિશે આટલું, જાણ્યું, લખ્યું... વાંચ્યું... પણ તોય ઘણું ઘણું અને ઘણું અજાણ્યું જ રહી જાય છે પણ જો આપણે તેમને પૂછીશું તો તેઓ કવિશ્રી મકરન્દ દવેની આ પંક્તિઓ સંભળાવશે.

ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી...
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કઈ ન જાણે,
એક ખૂણે આ આયખું નાનું
કેવું વીતી જાય મજાનું
કોઈનું નહિ ફરિયાદી ને
કોઈનું નહીં કાજી...
ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી...

- ફાધર વર્ગીસ પૉલને શત્ શત્ વંદન.

Changed On: 16-07-2021
Next Change: 01-08-2021
copyright@ Kavi Yosef Macwan

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.