ભાળી શકું સર્વત્ર તુજને સંત ઇગ્નાસની મર્મજ્ઞતા (ફાધર ડૉ. વિનાયક જાદવ, એસ.જે. )

જીવન અને જગત કોઈપણ માનવીને તેના યથાતથ સ્વરૂપમાં પૂરેપૂરાં સમજાતાં નથી. કથાની પંકિત પણ જાણીતી છેઃ “જીવન જગતના ઝઘડામાં, હિરલો ખોવાયો વનવગડામાં.” સંસારની આંટીઘૂંટીઓમાં અને માયાના વમળોમાં માનવી અર્થનાં હવાતિયાં મારતો જ રહે છે ત્યારે એને ઘણું બધું સમજાવા તો લાગે છે પણ બધો જ ભેદ તો ઉકલી જતો નથી. કશુંક કોકડું વણઉકલ્યું જ રહે છે. આમ થાય ત્યારે માનવી સ્વીકારવા લાગે છે કે જીવન એક રહસ્ય છે, જગત એક મર્મ છે. જીવન અને જગતમાં ઈશ્વર, મૃત્યુ, પ્રેમ, દુઃખ જેવાં અનેક સત્યો અકળ છે. ઇસ્લામના સૂફી સંતોએ આ મર્મભેદને જાણવા-નાણવાના પ્રયાસો કર્યા. હિંદુધર્મમાં મધ્યકાલીન નરસિંહ, મીરાં કે અખાએ આ રહસ્યને ભક્તિ ને જ્ઞાનના ત્રાજવે તોળ્યું તો મધ્યકાળમાં યુરોપના આવિલાનાં સંત થેરેસ્યા અને ક્રૂસભક્ત યોહાન જેવા ખ્રિસ્તીધર્મીઓએ પણ જીવનરહસ્યને પામવાના પ્રયત્નો કર્યા. એ હરોળમાં જીવનની એરણે કસાઈ-તવાઈને લોયોલાના સંત ઇગ્નાસે પણ ભક્તિ, કર્મ અને જ્ઞાનનો સંયોગ કરતો અધ્યાત્મમાર્ગ ચીંધ્યો જેને આપણે સંત ઇગ્નાસનો મર્મવાદ કે એમની મર્મજ્ઞતા કહી શકીએ. મર્મવાદ એટલે જીવનના અંતિમ સત્ય અને આખરી તત્વની ખોજ અને એ નિતાંત તત્વમાં સ્વનું વિલીનીકરણ અથવા જાતને સમાવી દેવી તે. ધ્યાન અને ભક્તિ, કર્મ અને જ્ઞાનના સંયોગ વડે જીવનના પરમ સત્ય અને તત્વ સાથે અસ્તિત્વનું અને મનનું ભળી જવું તે. આ વિલક્ષણ સાયુજયમાં જે શૂન્યતાનો ગૂઢ અનુભવ રહી જવા પામે છે તે.

સંત ઇગ્નાસે પોતાની ‘અધ્યાત્મ સાધના’ના અંતિમ ચરણમાં ‘પ્રેમ પ્રાપ્તિના ધ્યાન’ની વાત કરી છે. સંત ઇગ્નાસના ભક્તિ, જ્ઞાન અને કર્મ માર્ગની ચરમસીમા જીવનના પરમસત્ય સાથે એકરૂપ થઈ જવામાં છે. સર્વ ભક્તિ, જ્ઞાન અને કર્મના કળશરૃપ જે છે તે આ એકાત્મતા છે. પ્રેમસ્વરૂપ પરમાત્મામાં આત્માનું વિલીન થઈ જવું. આ આત્મજ્ઞાન અથવા અંતરજ્ઞાન ક્ષણના ઝબકારા જેવું છે. વીજળીનો ક્ષણિક ઝબકારો જેમ સમસ્ત વિસ્તારને અજવાળી દે છે તેમ ચેતનાનો આ ઝગારો જીવન અને જગતનો સાર પળવારમાં સમજાવી દે છે. કાર્દોનેર નદીને કાંઠે સંત ઇગ્નાસને આવો અનુભવ થયો હતો. જેમાં સંત ઇગ્નાસની મર્મજ્ઞતાનાં મૂળ છે. અલબત્ત, એમની ચેતનામાં એના ચમકારા તો તોપગોળાથી ઇજા પામ્યા બાદ સારવાર દરમિયાન એમણે જે મનોમંથન અનુભવ્યું તેમાં છે. અંતરઆત્માની ગતિવિધિઓને પીછાનતું અને પ્રમાણતું એ આત્મદોહન હતું. એમાંથી જે નવનીત નીતર્યું તે હતું, સદ્-અસદ્ ની પ્રેરણાઓ પારખવાનો વિવેક. ઇગ્નાસ દુન્યવી રાજાના સેનાપતિ બનવાનાં સ્વપ્નો છોડીને ઇશ્વરના રાજ્યના સેનાની બનીને ઈસુની છાવણીમાં જોડાવાનો મનસુબો કરે છે. તે બાદ સંત ઇગ્નાસ એક મહિના જેટલી દીર્ધ અને સધન સાધના કરે છે જે આખરે સંત ઇગ્નાસની ‘અધ્યાત્મ સાધના’ તરીકે પ્રચલિત થાય છે. આ સાધના એટલે એમની મર્મજ્ઞતાની યાત્રા.

સંત ઇગ્નાસે કહ્યું હતું કે, પોતાના જીવનના ઉત્તરકાળમાં તેઓ અત્યંત સરળતાથી સહજતાથી ઈશ્વર સાથે અનુસંધાન સાધી શકતા. અન્યત્ર પણ આવા અર્થનું તેમણે કહ્યું હતું કે આખી દુનિયા નાશ પામે તો પણ માત્ર શાસ્ત્રને આધારે તેઓ જીવી શકે. સંત ઇગ્નાસને લાધેલ આ મર્મજ્ઞતાનો પડઘો આપણને નરસિંહ મહેતામાં પણ જોવા મળે છેઃ

‘જાગીને જોઉ તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’
અને
‘નીરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે.’ મીરાંએ પણ એવા જ ર્મમને પામ્યો છેઃ

‘मेरे तो गिरधर गोपाल दूसरो न कोई’
શંકરાચાર્યના ‘ब्रह्म सत्यं जगन्मिध्या’માં પણ આજ મર્મજ્ઞાનનો સૂર છે. અનેક મધ્યકાલીન સંત કવિઓએ જીવન અને જગતની આ માર્મિકતાને પિછાની છેઃ

‘સંસારમાં સરસો રહે, ને મન મારી પાસ
સંસારથી લેપાય નહીં, તે જાણે મારો દાસ’
કે સુરદાસજી કહે છે તેમ,
‘मेरो मन अनत कहां सुख पावे
जैसे उडी जहाज को पंछी, फिरि जहाज पे आवे’
કવિવર ટાગોરે તો એ મર્મજ્ઞાનને કેવી આબેહૂબ રીતે મૂકી આપ્યું છે,
‘સકલ દિશે પ્રભુ જોઉ તુજને સકલ વિશે થઈ પહોચું તુજને’
ગુજરાતના કવિ કલાપીએ પણ ‘ઈશ્કે હકીકી’ (ઈશ્વર પ્રેમ) ભાવને આલાપતા ગાયું હતુઃ
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.’
એક ભજનમાં પણ આ જ બાવ ઝીલાયો છેઃ
‘હે ભગવાન, તારું નામ, સાંભળતો રહું, સઘળે ઠામ.’
પશ્ચિમના મર્મવાદીઓએ પણ મર્મજ્ઞાનનો મહિમા કર્યો છે. આવિલાનાં સંત થેરેસ્યાએ કહ્યું છેઃ
‘કેવળ ઈશ્વર પર્યાપ્ત છે, બીજું બધું તુચ્છ છે. ’

ઈશ્વરમાં જ સાર અને બાકી સર્વત્રમાં અસાર અનુભવતાં અન્ય એક ગુજરાતી કવિશ્રી જયંત પલાણએ રોમરોમમાં જીવનના આખરી અર્થની ઝંખના અનુભવી છે અને આદ્રહૃદયે અર્ચના કરી છેઃ

‘દાન દે. વરદાન દે, પ્રભુ દાન દે
નરસિંહ ને મીરાં સમા કંઠમાં કૈક ગાન દે
વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઉરે ગાન દે
કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળી શકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે’

કોવિડની ક્રૂર કસોટીમાં ઈશ્વરને પામવા અઘરા થઈ પડ્યા હતા. ઈશ્વરના પ્રેમનું રહસ્ય એક કોયડો બની ગયું હતું. પ્રેમસ્વરૃપ ઈશ્વર મોતનું આવું તાંડવ ખેલી શકે? એવા પ્રશ્નોથી ઈશ્વરપ્રેમનું કોકડું ગૂંચવાયું હતું. ત્યારે કોવિડની સામાજિક-આર્થિક-માનસિક અસરોમાંથી માનવીને જે મહામૂલ્ય પાઠ શીખવા મળ્યો અને અંતજ્ઞાન લાધ્યું તે પરમ સમીપતાનો ભાવ હતો. જીવનમાં અને જગતમાં અન્ય કશું જ આખરી કે શાશ્વત નથી. સર્વ કાંઈ આવે છે, ને જાય છે, ટકે છે માત્ર માત્ર સૃષ્ટિનો નિયંતા. આ સનાતન સત્ય સાથેનું અનુસંધાન કોવિડે કરી આપ્યું. ઈશ્વર સિવાય સર્વનું મિથ્યાપણું કે અસારતા એ જ કોવિડે આપેલું પરમજ્ઞાન હતું. સંત ઈગ્નાસની મર્મજ્ઞતા કોવિડના ઘાની પાટાપિંડી કરતો અકસીર ઈલાજ છે. એમને મન ઈશ્વરને પરમ આરાધ્ય ગણનારને માટે, તંદુરસ્તી કે માંદગી, લાબું જીવન કે ટૂંકું જીવન બધું સરખું છે. પ્રેષિતોનાં ચરિતોમાં પણ આ જ મર્મજ્ઞતા વ્યક્ત થઈ છેઃ

“એનામાં જ જીવીએ છીએ, હરીએ-ફરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ.” (પ્રેષિતોનાં ચરિતો 17-28).

કોવિડના પરિણામ રૂપ જે મોત પછી મોતની કારમી થપાટો વાગી એમાં માનવી મદ અને ઘેનમાંથી જાગ્યો. એને ભાન થયું-જ્ઞાન થયું કે એક માત્ર ઈશ્વર જ સનાતન છે, બાકી બધું ક્ષણભંગુર છે. કોવિડ મહામારી પણ માનવજાતને મર્મજ્ઞતાની દીક્ષા આપતી ગઈ, મર્મજ્ઞાનનો સંસ્કાર બક્ષતી ગઈ. હવે ધર્મની નવી દિશા કર્મકાંડ અને વિધિવિધાનોથી પર એવી કોવિડે આપેલી મર્મજ્ઞતામાં હશે. જાતિ, જ્ઞાતિ, પ્રદેશ, ધર્મથી પર એવી કોવિડની જે તાકાતે સૌને એકસરખા વેતર્યા તે પરમશક્તિ જ સૌનું આશ્રયસ્થાન હશે, કેન્દ્રગામી જીવનબળ હશે, સર્વ ધર્મોનો સંવાદ અને સમભાવ હશે.

સંત ઇગ્નાસની આધ્યાત્મિકતાના પાયારૂપ સિદ્ધાંતોમાં આવી મર્મજ્ઞતા નીતરે છે. સર્વ થકી ઈશ્વરનો સાક્ષાત્કાર અને ઈશ્વર થકી જ સર્વનો સાક્ષાત્કાર. ઈશ્વર સાથેની એકરૂપતા, સાયુજ્ય, તાદામ્ય અને અનુસંધાન એ જ જીવનનું પરમ ધ્યેય અને સર્વોચ્ચ જીવન સાધના છે.

‘ગીતાંજલિ’માં ટાગોરના અધ્યાત્મગીતોમાં પણ એવી મર્મજ્ઞતા વ્યક્ત થઈ છેઃ
‘તુજને મુજ પ્રભુજી કરી રાખું,
એટલી બસ, મમતા મુજ રાખું.
તુજ લીલા મુજ પ્રાણે ચાલે,
તેથી ધરી રાખ્યો સંસારે.
રહું તું જ ભુજબંધનમાં બાંધ્યો,
એટલું બસ બંધન મુજ રાખો.’
‘સર્વ વાતે પ્રભુ પર પૂરો પ્રેમ અને સર્વ વાતે એમની અનન્ય સેવા’

એ સંત ઇગ્નાસનો જીવનમંત્ર કે જીવનધૂન હતી. સંત ઇગ્નાસના જીવનનો નિચોડ આપણને ઈશ્વર સાધનારૂપે આપ્યો. જે કાંઈ બોલીએ કરીએ કે વિચારીએ એ સર્વનો પરમ ઉદ્દેશ ઈશ્વરપ્રાપ્તિ અને ઈશ્વરમહિમા છે. ‘હાથે કામ ને હૈયે પ્રભુ નામ’ એ જ એમની જીવનરટણા હતી. જીવનના સર્વ પુરુષાર્થો-ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં આખરે જીવન મોક્ષપ્રાપ્તિ ઝંખે છે. ચારેય આશ્રમો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ પછી આખરે જીવનના ઉત્તરકાળે તો સંન્યસ્તાશ્રમ જ આવે છે. જ્યારે માનવ વૈરાગ અને ‘જીવનમુક્તિ’ ઝંખે છે. સૌ વાનાં કર્યા પણ એક ય સાર્થક ન ઠર્યુ અને છેવટે જીવન વિશેનું જે જ્ઞાન થયું તે છેઃ

‘કેવળ પ્રભુ-ચરણમાં મારા જીવને વળતી શાતા.’
આ જ સંત ઇગ્નાસની ‘અધ્યાત્મ સાધના’નું પરમ શિખર છે. શિખર ઉપરનો પ્રતિષ્ઠિત કળશ છેઃ ઈશ્વર પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ અને પાવન ત્રેક્યસ્વરૂપ પરમેશ્વરમાં પીગળી જવું-સમાઈ જવું તે. સંત ઇગ્નાસને મન જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ઈશ્વર સાથેનો યોગ છે. સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિઓ કે ભૂલભૂલામણી કે માયાજાળોનો એકમાત્ર ઉકેલ ઈશ્વરાભિમુખ રહેવામાં છે. સંત ઇગ્નાસનું બ્રહ્મજ્ઞાન કહો કે જીવનમુક્તિનો પ્રસાદ કહો, માનવજીવનની અને જગતની એકમાત્ર અને આખરી દિશા ઈશ્વર તરફની છે. ઈશ્વરસન્મુખ અને ઈશ્વરગમ રહેવામાં જ જીવનનું સાર્થક્ય છે, પરમ સિદ્ધિ છે.

સંત ઇગ્નાસની ઈશ્વર સાધનામાં આખરે પ્રેમભક્તિ અને સેવાની મહિમા છે. પોતાના જ આત્માનો ઉદ્ધાર નહીં, બલ્કે માનવજીવોનો ઉદ્ધાર એમને અભિપ્રેત હતો. અન્ય આત્માઓના ઉદ્ધારમાં જ પોતાના આત્માનું કલ્યાણ રહેલું છે. એટલે શ્રમ અને શ્રદ્ધા, કર્મ અને મર્મ, પ્રાર્થના અને પુરુષાર્થ સંત ઇગ્નાસના મતે જીવનનાં બે દ્વૈતો ન રહેતાં એક અદ્વૈત બની જાય છે. પ્રાર્થના એ દિવસની (સવારની( એક માત્ર પ્રવૃત્તિ બને છે. એ બાદ દિવસની બધી પ્રવૃત્તિઓ પ્રાર્થનામય બની રહે છે. સંત ઇગ્નાસે કર્મયોગ પ્રબોધ્યો જે તેમની મર્મજ્ઞતાની પરમકોટિ છે, બલકે ફળશ્રુતિ છે. સંત ઇગ્નાસની જેમ જીવનસાગરમાંથી મર્મનાં મોતી આપણ સહુને પ્રાપ્ત હો, એ જ અભ્યર્થના.

Changed On: 01-08-2021
Next Change: 16-08-2021
copyright@ Fr. Dr. Vinayak Jadav, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.