સરિતા સાગરમાં સમાય (ફાધર જેમ્સ બી. ડાભી, એસ.જે.)

સમાજશાસ્ત્રીઓને મતે માનવ સામાજિક પ્રાણી છે. પ્રસ્તુત અભિપ્રાય માનવની અન્યો સાથે સંબંધમાં જોડાવાની વૃત્તિ અને વલણ વ્યક્ત કરે છે. બાઇબલના શિક્ષણ મુજબ માનવ માટે અને પ્રભુનો પ્રાણ છે : “ત્યાર પછી પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો અને તેનાં નસકોરામાં પ્રાણ ફૂંક્યો એટલે માણસમાં જીવ આવ્યો.” (ઉત્પત્તિ 2 : 7) ખગોચર, ખેચર, જળચર પણ માટી છે, માટે માનવ પંખીઓ, પશુઓ અને માછલાંઓ સાથે તાદાત્મ્ય ધરાવે છે. વનરાજિ અને નિર્જીવ પદાર્થો પણ માટી છે. માટે માનવ પર્યાવરણ, પર્વત, સાગર, આકાશ અને પૃથ્વી સાથે એકસૂત્રતા અનુભવે છે. પ્રભુ પ્રાણ છે. માનવ પણ પ્રાણ છે. માટે માનવ પ્રભુ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. કાળક્રમે આકર્ષણ સંબંધમાં ફેરવાય છે, સંબંધ ગહન સંબંધમાં પરિણમે છે. ગહન સંબંધની ચરમસીમા છે માનવનું પ્રભુમાં લીન થઈ જવું. સ્તોત્રકાર એકરાર કરે છે : ‘લીન થયો મુજ પ્રાણ, પ્રભુજી, તુજમાં લીન થયો રે.’ (સ્તોત્ર 63 : 8).

પ્રભુ માનવ બને છે. માનવ સામાજિક પ્રાણી છે, એટલે પ્રભુ ઈસ્રાયલી સમાજમાં માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે. ઈસુ એકી સાથે પ્રભુ અને માનવ છે. ભક્ત આ ઈસુ સાથે, પ્રભુ ઈસુ અને માનવ ઈસુ એમ બેવડી રીતે સંબંધે બંધાય છે. આજથી બે હજાર વર્ષ પહેલાં ઈસ્રાયલ દેશમાં હરતા ફરતા ઈસુ સાથે અસંખ્ય માનવો શ્રદ્ધા અને પંચેન્દ્રિયો એમ બેવડા માધ્યમો દ્વારા ઊંડા સંબંધે બંધાયાં હતાં (દાખલા તરીકે, બાર વરસથી રક્તસ્ત્રાવમાં પીડાતી બહેન), આ સંબંધથી તે માનવોનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ‘ઈસુ ખ્રિસ્ત તો કાલે, આજે અને સદાસર્વદા એના એ જ છે.’ (હિબ્રૂઓ 13:8) તો બદલાયાં છે કોણ? ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધે બંધાયેલા માનવો. ગઈકાલે આજથી બે હજાર વ્રષ પહેલાંનાં માનવોનો ઈસુ સાથે સંબંધે બંધાવાનો વારો હતો, આજે આપણો ઈસુ સાથે બંધાવાનો વારો છે.

સૃષ્ટિમાં સંબંધે જોડાયેલાં તત્વો અપાર છે, પણ બે તત્વો એવાં છે જે વચ્ચેનો સંબંધ મને ઝાઝી અસર કરે છે, એક સરિતા અને બીજો સાગર. સરિતાને ભક્તનું રૂપક ગણી શકાય અને સાગરને ભગવાનનું. સરિતા નીકળે છે પર્વતામાંથી અને સમાઈ જાય છે સાગરમાં... સરિતા સાગરમાં જ સમાય. અર્થાત્ સરિતાનું અંતિમ લક્ષ્ય (terminus) સાગર છે. એ લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સરિતા વહેતી જ રહે છે. સરિતાને બે કિનારા છે. જાણે કે એ બે કિનારાને સહારે સરિતા સાગર તરફ વહ્યા જ કરે છે. સરિતા બધાંની, છતાં કોઈની માલિકીની નહિ, તેના એકમાત્ર માલિક સાગર. સરિતા સહુની જીવાદોરી. અંતે, સરિતા સાગરમાં સમાઈ જાય.

હું સરિતાને ભક્ત કહું છું અને સાગરને ભગવાન. ભક્ત ભગવાન તરફ ખેંચાય છે. સરિતાને સાગર તરફની ગતિમાં સહાયકો છે તેના બે કિનારા. આ બે કિનારા સરિતાને મર્યાદામાં રાખે છે અને દિશાભ્રમ થવા દેતા નથી. સરિતાના બે કિનારાને હું પ્રભુ વાણી અને પ્રાર્થનામય જીવન કહું છું. સરિતા અને ભક્તમાં એક મૂળભૂત તફાવત છે. સરિતાને સાગર તરફ વહેવાનું સર્જનહારે સરિતાના સ્વભાવમાં ગોઠવેલું છે. (compulsion), ભક્તને ભગવાન તરફ જવું સર્જનહારે ભક્તની ઈચ્છામાં ગોઠવેલું છે. (volition), પણ ભક્તે સ્વતંત્ર નિર્ણય કરવો જરૂરી છે. (resolution) ભક્ત ક્યારેક અન્ય માનવો અને બીજાં જીવો સાથેના સંબંધમાં એવો તો ઓતપ્રોત થઈ જાય છે કે ભક્ત વહેતી સરિતા મટી બંધિયાર ખાબોચિયું બની જાય છે. ભક્ત ક્યારેક ભગવાનને સદંતર ભૂલી જઈ શકે છે. ભક્ત અન્યો સાથે સંબંધ જાળવી રાખીને ભગવાન પ્રતિની ગતિ કાય રાખે એ હેતુસર વડાધર્મગુરુ બે કિનારા એટલે કે બે સહાયકો દર્શાવે છે :પ્રભુવાણી એટલે કે બાઇબલ અને પ્રાર્થનામય જીવન એટલે કે પ્રાર્થના.

હું પહેલા કિનારા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, બાઇબલ, બાઇબલના જુદા જુદા દૃષ્ટિકોણથી જુદા જુદા અર્થ આપવામાં આવ્યા છે. આ જુદા જુદા અર્થો એકમેકના છેદક (contradictory) નથી, પણ એકમેકના પૂરક (complementary) છે. ધર્મસભા બાઈબલને પ્રભુની વાણી કહે છે. દ્વિતીય વેટિકન વિશ્વપરિષદ જણાવે છે કે ભક્તને જેમ રોટીના રૂપમાં પ્રભુ ઈસુને માનસન્માન આપે છે તેમ બાઇબલમાં પ્રભુ ઈસુને માનસન્માન આપવાં જોઈએ. મેં કેટલાંક ધર્મગુરુઓને અને સાધ્વીબહેનોને બાઇબલ ખોલતાં પહેલાં બાઈબલને ભાવપૂર્વક ચુંબન કરતાં જોયાં છે. આજે ઘણાં ભક્તો દૈનિક શાસ્ત્રપાઠોનું પ્રતિદિન પઠન કરે છે.

પ્રભુવાણી એવું કહું ત્યારે હું એક સત્યનો સ્વીકાર કરું છું કે આપણો પ્રભુ વાણી ઉચ્ચારતો પ્રભુ છે, સંવાદ સાધતો પ્રભુ છે. મારો પ્રભુ આપણી સાથે હરરોજ વાત કરે છે. ક્યા કયા માધ્યમો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે? વિચારો, ઈચ્છાઓ, અંતરાત્મા, બાઈબલ, આધ્યાત્મિક માર્ગદર્શન, વડીલોનાં સૂચનો, અન્ય માનવો સાથેની વાતચીતો, રોજિંદા બનાવો, અસાધારણ ઘટનાઓ તેમજ કુદરતી હોનારતોના માધ્યમથી પ્રભુ આપણી સાથે સંવાદ કરે છે. ભગવાનની ભક્ત સાથે વાત શરૂ કરવાના માધ્યમોની યાદી દરેક ભક્ત જાતે બનાવી શકે. દાખલા તરીકે, કોઈ બીમારી લાગુ પડે અને ડૉક્ટર પરહેજ પાળવાનું કહે ત્યારે આ પરહેજ ભગવાને ભક્ત સાથે શરૂ કરેલો સંવાદ છે, જેથી ભક્તનું સ્વાસ્થ્ય સુધરે. શિક્ષક ગૃહકાર્ય સોંપે ત્યારે આ ગૃહકાર્ય પ્રભુએ વિદ્યાર્થી સાથે શરૂ કરેલો સંવાદ છે, જેથી વિદ્યાર્થીની કારકિર્દી બને. ક્યારેક ભક્ત ખૂબ તણાવ અનુભવે ત્યારે બાઈબલ ખોલે અને જે કડી નજરે ચઢે તે વાંચે છે. એ કડી દ્વારા ભગવાન ભક્ત સાથે સંવાદ શરૂ કરે છે. સંવાદ સાધતાં આપણા પ્રભુને સાંભળવાનું શરૂ કરીએ તો આપણે આશ્ચર્યમાં ડૂબી જઈશું કે પ્રભુ કેવો અવિરતપણે આપણી સાથે વાત કર્યા જ કરે છે. પ્રભુનો આપણી સાથેનો સંવાદ હંમેશા કલ્યાણકારી છે.

હવે હું બીજા કિનારા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. પ્રાર્થના. પ્રાર્થના સામૂહિક હોઈ શકે અને વ્યક્તિગત હોઈ શકે. દાખલા તરીકે સવારે ઊઠતાં અને રાત્રે સૂવા જતાં પહેલાંની પ્રાર્થના વ્યક્તિગતપણે કરીએ છીએ. પ્રાર્થના ભક્તે ભગવાનને વાળેલો પ્રતિસાદ છે. પ્રભુએ મને જીવન આપ્યું એ પ્રભુએ મારી સાથે શરૂ કરેલો સંવાદ છે. હું એ જીવન જીવું ત્યારે હું પ્રભુને પ્રતિસાદ આપું છું. પ્રભુએ જે હેતુ માટે મને જીવન આપ્યું છે તે હેતુ માટે હું જીવું તો મારો પ્રતિસાદ ઉત્તમ કહેવાય. મને પ્રભુએ જો પુત્ર બનાવ્યો છે, તો વયોવૃદ્ધ માબાપની સેવા એ મારે જીવનનો એક હેતુ છે. એ હેતુ હું પૂર્ણ કરું તો હું પ્રભુને ઉત્તમ પ્રતિસાદ આપું છું. મારું જીવન પ્રાર્થના બને છે.

નવો દિવસ પ્રભુ આપે છે, એ પ્રભુએ મારી સાથે શરૂ કરેલો સંવાદ. હું પ્રતિસાદમાં પ્રભુનો આભાર માની દિવસ શરૂ કરું છું, એ મારી પ્રાર્થના. પ્રાર્થનામય જીવન પરેશાની લઈ લે, ચિંતા હરી લે, ગભરાટ ઘટાડી દે, પાપ બાળી દે. ભક્તો અરસપરસ અભિવાદન કરતાં શબ્દો રૂબરૂમાં અથવા ટેલિફોન પર ઉચ્ચારે છે. એકમેકના સંપર્કમાં આપણને લાવનાર પ્રભુ છે. ભોજન પહેલાં, ઘરેથી નીકળતાં પહેલાં, મુસાફરી શરૂ કરતાં પહેલાં, દવાખાને જતાં પહેલાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુનું રક્ષણ માગીએ છીએ. પ્રભુ જ આપણા રક્ષણહાર છે. આપણે ના માગીએ તો ય પ્રભુ આપણું રક્ષણ કરશે જ. છતાં આપણે રક્ષણ માગીએ છીએ એ આપણો પ્રતિસાદ છે. એ આપણી પ્રાર્થના બને છે.

કેટલાંક ભક્તો રાત્રે અચાનક જાગી જાય ત્યારે પ્રભુની પાર્થના કરવામાં લાગી જાય છે. કેટલાંક ભકતો પથારીમાં પોઢ્યા પછી પ્રાર્થના કરતાં કરતાં જ નિદ્રાધીન થઈ જાય છે. પ્રભુએ આપેલો આખો દિવસ પ્રભુએ શરૂ કરેલો સંવાદ. ભક્તની પથારીમાં પોઢ્યા પછીની પ્રાર્થના ભક્તનો ભગવાનને આપેલો પ્રતિસાદ. ભક્ત જો પોતાનો આખો દવિસ તપાસે તો જાણવા પામશે કે ભક્ત પણ કેવો આખો દિવસ પ્રાર્થનામાં ગાળે છે, કારણ, પ્રભુએ સોંપેલું કાર્ય કરવું એ પણ કર્મમાર્ગે પ્રભુને આપેલો પ્રતિસાદ જ છે.

ધર્મગ્રંથ અને પ્રાર્થના બે કિનારાઓને સહારે વહેતી મારી જીવનસરિતા મારા સાગર પ્રભુ સાથે સંબંધે જોડાયેલી રહે છે. સરિતા પર્વતમાંથી નીકળી ત્યારે તો ઊછળતી કૂદતી હતી. એ હતું મારું બાળપણ. મને ખબર નહોતી કે હું પ્રભુ સાથે સંબંધે જોડાયેલો છું, જેમ સરિતાને ખબર નહોતી કે તે સાગર સાથે સંબંધે જોડાયેલી છે. સરિત પછી તો સપાટ મેદાનમાં વહેવા લાગી, એનો પટ વિકસ્યો, એનાં પાણી ઊંડા થયાં, એની ગતિ ધીમી થઈ. આ મારી જુવાની, જ્યારે અનેક ક્ષેત્રોમાં મારા જીવનનો વિકાસ થયો. સરિતા જાણતી નથી કે તે સાગર તરફ વહી રહી છે, જેમ મને પણ ખબર નહોતી કે હું પ્રભુ સાથે સંબંધ વધારી રહ્યો છું. મને તો એમ જ હતું કે, હું મારી કારકિર્દી ઘડી રહ્યો છું. હવે તો સરિતા ખૂબ ધીરગંભીર બની ગઈ છે, સાગરમાં સમાવાનો સમય ઢૂંકડો આવી રહ્યો છે. આ થઈ મારી પ્રૌઢાવસ્થા. હવે સમજાય છે કે એકમાત્ર પ્રભુ જ સર્વેસર્વા છે. મારું અંતર ભક્તકવિ સાથે કબૂલ કરે છે : ‘નાથ, તારે ચરણ શરણ સર્વ જાય.’ સરિતા આખરે બાહુ પ્રસારી વિશાળ સાગરમાં સમાઈ જાય છે. આ હશે મારા મૃત્યુનો દિવસ. જ્યારે હું પ્રભુમાં સમાઈ જઈશ. આ મારી એકલાની જ વાત નથી, આપણા બધાંની વાત છે. એ હશે પ્રભુ ઈસુ સાથેના આપણા વ્યક્તિગત સંબંધની ચરમસીમા.

પ્રભુ, તમારી સાથે સંબંધમાં અમારે બંધાઈ રહેવું છે કે નહિ એ તમે અમારી સ્વતંત્ર ઈચ્છા પર છોડી દીધું છે. તમે અમને ધર્મગ્રંથ અને પ્રાર્થના એમ બે માધ્યમો તમારી સાથેના સંબંધમાં વધુને વધુ દ્દઢ થવાની ઈચ્છા જગવવા આપ્યાં છે. અમને સદબુદ્ધિ આપો કે અમે હંમેશા એ જ નિર્ણય કરીએ જે તમારી સાથેના તૂટેલા સંબંધને સાંધે, સાંધેલા સંબંધને ટકાઉ બનાવે, ટકાઉ સંબંધને તમારી સાથે એકરૂપ કરી દે.

‘સરિતા સાગરમાં સમાય રે, પ્રભુજી મારા.
તારા વિના કેમ ચાલશે રે’?

Changed On: 16-08-2021
Next Change: 01-09-2021
copyright@ Fr. James B Dabhi, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.