દિવાળી એટલે સમર્પણનો તહેવાર, બલિદાનનું પર્વ (ફાધર વાલેસ)

દિવાળી એક તહેવાર નથી – તહેવારોની આવલિ છે. પર્વ નથી – પર્વપંચક છે. ધનતેરસથી ભાઈબીજ સુધી. અરે, સ્કૂલ-કૉલેજમાં રજા પડે ત્યારથી તે ખૂલે ત્યાં સુધી. આખું મહાપર્વ દિવાળી છે. આખો એ સમયગાળો શુભ ને મંગળ છે. એની તૈયારી ને પૂર્ણાહુતિ, પુણ્ય ને ફળશ્રુતિ દિવસે દિવસે થાય, વિધિએ વિધિએ સધાય.

દિવાળીમાં ઘરના છોકરાઓ ફટાકડા ફોડે છે, મોટેરાઓ નવા ચોડાઓને ચાંલ્લો કરે છે, સ્ત્રીઓ મંદિરમાં દર્શને જાય છે.

દિવાળીના સાચા અર્થ, ઊંડા અર્થ પ્રમાણે તે સમર્પણનું પર્વ છે, અને સમર્પણની વૃત્તિ ને બલિદાનની ઉદારતા.

દિવાળી સમર્પણનો તહેવાર છે.
બલિરાજા મસ્તક નમાવીને પોતાનું સર્વસ્વ ને પોતાની જાતને જ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. દિવો પોતાના અંતરનું તેલ બાળીને રજનીને પ્રકાશમય બનાવે છે. દારૂખાનું પોતાનું પેટ ફાડીને છોકરાઓના દિલમાં ઉલ્લાસ પાથરે છે. કાળદેવતા વસંતની લહરીઓ ને વર્ષાનો પાક છોડીને કાતિલ શિયાળાને શરણે જવાની તૈયારી કરે છે.

કાળ ને દીવો ને રાજા યુગોના યજ્ઞમાં પોતાની જાતને હોમી દે છે... અને પૃથ્વી પર દિવાળી સર્જાય છે. દિવાળીના મંગળ દીવાની જેમ બળતા રહો, દુનિયાને પ્રકાશ ને હૂંફ આપતા રહો, અંધકારમાં રોશનીનો મેળો જમાવતા રહો.

દિવાળી એટલે સમર્પણનો તહેવાર, બલિદાનનું પર્વ.
દિવાળીનો આનંદ જુદો ને અનેરો છે. આંખને રોશનીનો આનંદ, જીભને મિષ્ટાનનો આનંદ, કાનને ફટાકડાનો આનંદ, પેટને મિજબાનીનો આનંદ, દેહને નવાં કપડાંનો આનંદ, મનને દેવદર્શનનો આનંદ, હાથને ભેટસોગાદનો આનંદ, દિલને પ્રિયજનોના મિલનનો આનંદ – અને આત્માને દિવાળીનો અનોખો, અનેરો ને સર્વ આનંદના પાયા સમો આનંદ મળે.

દિવાળીની એ મંગળ ભેટ લઈને હવે નવું વર્ષ અને નવું જીવન – ઉત્સાહથી શરૂ કરીએ. (પર્વોત્સવ પુસ્તકમાંથી)

સર્વ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

Changed On: 01-11-2021
Next Change: 16-11-2021
copyright@ Father Valles, SJ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.