તમારા માટે માતા મરિયમ રસ્તો કાઢશે (ફાધર વર્ગીસ પૉલ)

તમારા માટે માતા મરિયમ રસ્તો કાઢશે ફાધર વર્ગીસ પૉલ

‘ધ સૉંગ ઑફ બર્નાદિત’ એ એક ખૂબ પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક છે. એના પરથી એક લોકપ્રિય ચલચિત્ર પણ ઉતારવામાં આવ્યું છે. ‘કિશોરીગાન’ નામે એ પુસ્તકનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. એક યહૂદી લેખક ફ્રાન્સ વેરફેલે એ ચોપડી લખી છે. ‘ધ સૉંગ ઑફ બર્નાદિત’ આપણને બીજા વિશ્વયુદ્ધમાં લઈ જાય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ યહૂદીઓનું નિકંદન કાઢવા કટિબદ્ધ થયા હતા. તેઓ યહૂદીઓને ઘરમાં કે શેરીમાં, શહેરો કે ગામડામાં, કાર્યાલયો કે કારખાનામાં જ્યાં મળે ત્યાં બંદી બનાવીને તેમની પાસે વેઠ કરાવતા હતા અને હજારો ને લાખોની સંખ્યામાં ઝેરી વાયુથી મારી નાખતા હતા.

આ નાઝીઓના નિર્દય અત્યાચારથી ત્રાસી જઈને વેરફેલ અને તેમની પત્ની પોતાનો દેશ છોડી ભાગી જતાં હતાં ત્યાં સ્પેનની સરહદે સિપાઈઓએ તેમને રોક્યાં. તે વખતે તેઓએ પાસે આવેલા લુડર્ઝ ગામમાં આશરો લીધો. તે રાતે જગપ્રસિદ્ધ તીર્થસ્થાન લુડર્ઝ ખાતે માતા મરિયમની મૂર્તિ આગળ વેરફેલે પ્રાર્થના કરી. “હે મરિયમ, હું ઈશ્વરમાં માનતો નથી એમ કહી શકાય. પણ એમાં મારી ભૂલ હોઈ શકે. એટલે અમારી આ કફોડી સ્થિતિમાં હું પ્રાર્થના કરું છું, હે ઈશ્વર, મને અને મારી પત્નીને આ સરહદ પાર કરી આગળ વધવા મદદ કરો.”

પ્રાર્થના પછી વેરફેલ લુડર્ઝ ગામમાં ગયા અને એમણે એક નિકટના મિત્રને કહ્યું કે, એ પ્રાર્થના પછી પોતાને જે આંતરિક શાંતિનો અનુભવ થયો એવી શાંતિ તેઓએ ક્યારેય અનુભવી નહોતી.

થોડા જ દિવસોની અંદર એ યુગલ સ્પેનની સરહદ ઓળંગી શક્યું અને સ્પેનના એક બંદરેથી જહાજ દ્વારા અમેરિકા પહોંચ્યું. અમેરિકામાં લેખક વેરફેલનું પ્રથમ કામ લુડર્ઝ અને ત્યાંના ચમત્કારો વિશે પોતાના અનુભવ અંગેનું એક પુસ્તક લખવાનું હતું. તેમણે એ પુસ્તકનું નામ આપ્યું ‘ધ સૉંગ ઑફ બર્નાદિત’.

લેખક વેરફેલની જેમ છેલ્લાં બે હજાર વર્ષ દરમિયાન માતા મરિયમનું સ્તુતિગાન ગાનારાઓની સંખ્યા ગણી ગણાય નહીં એટલી બધી છે. માતા મરિયમ વિશે કાવ્યો, સ્તુતિગીતો, લેખો, પુસ્તકો, ગ્રંથો અને નવલકથાઓ અસંખ્યા લખાયાં છે. ફક્ત ખ્રિસ્તીઓ જ નહિ બલકે વેરફેલની જેમ ઈતર ધર્મના લોકોએ પણ વિવિધ રીતે માતા મરિયમનું સ્તુતિકીર્તન કર્યું છે.

છતાં માતા મરિયમ વિશેનાં સૌ લખાણો અને સ્તુતિગીતોમાં સંત યોહાને પોતાના શુભસંદેશમાં નોંધેલી વાત સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે. ત્યાં માતા મરિયમના વ્યક્તિત્વનો મર્મ જૂજ શબ્દોમાં યોહાને રજૂ કર્યો છે.

કાના ગામાં લગ્ન સમારંભની વાત કરતાં સંત યોહાને નોંધ્યું છે, “ઈસુનાં મા ત્યાં હતાં” (યોહાન 2, 1). આ એક જ વાક્યમાં સંત યોહાને કાના ગામના લગ્ન સમારંભમાં માતા મરિયમને કેન્દ્રસ્થાને ચીતર્યા છે. અને એટલું જ નહિ પણ, કાના ગામના લગ્નની આખી વાતમાં માતા મરિયમનું એક સંપૂર્ણ વ્યક્તિચિત્ર ખડું કર્યું છે અને સીધી કે આડકતરી રીતે એક વાતની ઘોષણા કરી છે કે જ્યાં જરૂર હોય ત્યાં માતા મરિયમ હમેશાં હાજર હોય છે; ભીડમાં આવેલાંઓને તેઓ રસ્તો બતાવશે; તમારી-મારી મુશ્કેલીઓમાં માતા મરિયમ આપણા માટે રસ્તો કાઢશે.

મારા એક મિત્ર કોલકાતાના ફાધર ગાસ્તોને રોબેજે મને એક સુંદર પુસ્તક ભેટ આપ્યું. એ અંગ્રેજી પુસ્તકનું નામ છે. અને ઈસુનાં મા ત્યાં હતાં’ એ પુસ્તકમાં એના લેખિકા સિસ્ટર વંદનાએ ભારતીય અધ્યાત્મ સાધનાને આધારે માતા મરિયમનું સંપૂર્ણ વ્યક્તિ વૈવિધ્ય ચીતર્યુ છે.

આયર્લેન્ડના એક અંગ્રેજી ગીત ‘મરિયમ દૃષ્ટિ’ને આધારે એ આખી ચોપડી રચવામાં આવી છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને વિશેષ તો ગીતા અને ઉપનિષદની આધ્યાત્મિકતાથી તથા ભારતીય સંસ્કૃતિમાં તરબોળ એવી એક નારીની આધ્યાત્મિક અનુભૂતિથી માતા મરિયમને ચીતર્યાં છે. એટલે સિસ્ટર વંદનાએ દોરેલું માતા મરિયમનું ચિત્ર ધર્મ અને જાતિના ભેદભાવ વિના સૌને માટે આકર્ષક અને પ્રેમાળ છે. ‘- અને ઈસુનાં મા ત્યાં હતાં’ની પ્રસ્તાવનામાં સિસ્ટરે કરેલી એક વાત મને વિશેષ સ્પર્શી છેઃ “શુભસંદેશકારોએ માતા મરિયમના જીવન વિશે કરેલી દરેક વાતમાં એક યા બીજી રીતે આપણા પોતાના જીવનને સ્પર્શે એવું કંઇક તત્વ હોય છે.”

કાના ગામના લગ્ન સમારંભ પ્રસંગે સંત યોહાને માતા મરિયમ અંગે કરેલી વાતમાં આપણને કઈ વાત કેવી રીતે સ્પર્શે છે એ તપાસીએ.

બાળ ઈસુનાં સંત થેરેસાએ પોતાની આત્મકથામાં બાળપણના અનુભવો નોંધ્યા છે. બાળપણની વાત કરતાં થેરેસાએ પોતાના સ્વભાવની એક ખૂબ વર્ણવી છે. તેઓ બાળપણમાં ખૂબ ખેલદિલ બાળકી હતાં. પરંતુ પોતાના ઉંમરનાં બાળકો જે બધી રમતો રમતાં હતાં તેવી રમતોમાં બાળ થેરેસાને જરાય રસ નહોતો. એટલે રમવાના સમયમાં બાળ થેરેસા કોઈ ઝાડ નીચે બેસી નયનાકર્ષક બાબતો અંગે વિચારમનન કરતી અને આવા ધ્યાનમાં નાનકડી થેરેસા પૂરેપૂરી ખોવાઈ જતી. સંત થેરેસાની જેમ બધી બાબતો પર ધ્યાન મનન કરનાર એ બધી બાબતો પોતાના મનમાં સંઘરી રાખનાર માતા મરિયમનું ચિત્ર આપણા અંતચક્ષુ આગળ આપણે ખડું કરી શકીએ.

સંત થેરેસાની આત્મકથામાં નોંધાયેલી આ વિચક્ષણ ગુણ પ્રગટ કરે છે.
કાર્લો કાર્ડિનલ માર્ટિનીએ પોતાના પુસ્તક ‘પ્રભુ સાથેની મુસાફરી’માં કાનાના લગ્ન સમારંભના સંદર્ભમાં માતા મરિયમ વિશે એક ચિંતન-લેખ લખ્યો છે. ‘ઈસુનાં મા ત્યાં હતાં’ પ્રસંગને ધ્યાનમાં લઈને કાર્ડિનલ માર્ટિની કહે છે કે, સમગ્ર લગ્ન સમારંભમાં માતા મરિયમ કેન્દ્રસ્થાને છે.

કાર્ડિનલ માર્ટિનીના કહ્યા મુજબ કાના ગામના લગ્નપ્રસંગમાં માતા મરિયમ પોતાની ત્રણ પ્રકારની ગુણ-વિશિષ્ટતાઓ પ્રગટ કરે છે; એક, માતા મરિયમ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લે છે. બે, સમગ્ર પરિસ્થિતિ સાથે એકરૂપ થાય છે અને ત્રણ, સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા હિંમતભર્યા પગલાં ભરે છે.

એક, કાના ગામના લગ્નમાં ઘણા બધા લોકો આવ્યા છે. વરકન્યાનાં સગાંસંબંધીઓ છે, આડોશીપાડોશીઓ છે. મિત્રો છે. કેટલાંક લોકો ભોજનસમારંભની તૈયારીમાં રોકાયેલાં છે. કેટલાંક મંડપ સાચવે છે, કેટલાંક જમે છે, તો કેટલાંક પીરસે છે. કેટલાંક ભંડારની સંભાળ રાખે છે તો કેટલાંક ભોજન તૈયાર કરે છે. આમ, ઘણાં બધાં લોકો જાતજાતનાં કામકાજોમાં રોકાયેલા છે. દરેક ચીવટપૂર્વક પોતાનું કામ સંભાળે છે. બધું જ બરાબર ચાલે છે. ત્યાં બધી પરિસ્થિતિ ધ્યાનમાં લેનાર માતા મરિયમને ખ્યાલ આવ્યો કે, ‘એ લોકો પાસે હવે દ્રાક્ષાસવ નથી’ (યોહાન 2-3). ભોજન સમારંભ ગોઠવનાર ઘરના માલિકને કદાચ એની ખબર પણ ન હોય. વરરાજા પણ એ વાત જાણતા ન હોય. પણ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેનાર માતા મરિયમનું ધ્યાન અચૂકપણે ભંડારમાં દ્રાક્ષાસવ ખૂટ્યો એ તરફ ગયું.

બે, માતા મરિયમ સમગ્ર પરિસ્થિતિ જોડે એકરૂપ બને છે. કાના ગામે કયા સંબંધે માતા મરિયમ લગ્નસમારંભમાં ગયાં હતા એની વાત શુભસંદેશમાં નથી. વરરાજાના મિત્ર કે પાડોશી કે સગાં તરીકે કે અન્ય કોઈ નાતે માતા મરિયમ લગ્નસમારંભમાં ગયાં હશે. પણ માતા મરિયમે પોતે ગોઠવેલો લગ્નસમારંભ તો તે નથી જ. છતાં બધી પરિસ્થિતિ જોડે એકરૂપ થવાના ગુણને કારણે સમારંભમાં દ્રાક્ષાસવ ખૂટી જતાં એમાં લાગતાવળગતાની મુશ્કેલી માતા મરિયમ સમજે છે અને દ્રાક્ષાસવ ખૂટ્યાની વિટંબણા અને મુશ્કેલીઓને પોતીકી સમજે છે. માતા મરિયમને સમારંભના યજમાનો માટે હમદર્દી છે.

ત્રણ, એટલે પરિસ્થિતિને પહોંચી વળવા માતા મરિયમ હિંમતભર્યા પગલાં ભરે છે. પરિસ્થિતિને કેવી રીતે હલ કરી શકાય એ વાત માતા મરિયમ જાણતાં નથી. પણ એક વાત તો માતા મરિયમ બરાબર જાણે છે. ત્રીસ ત્રીસ વર્ષ સુધી ઈસુને પોતાના કહ્યામાં રાખી માતા મરિયમે ઉછેર્યાં હતા. એટલે એમને ખાતરી હતી જ કે, લગ્નસમારંભની એ વિકટ પરિસ્થિતિમાં ફક્ત ઈસુ જ માર્ગ કાઢી શકે. એટલે એ ઈસુ પાસે જઈને કહે છે કે, “એ લોકો પાસે હવે દ્રાક્ષાસવ નથી” અને પાસે ઊભેલા નોકરોને આદેશ આપે છે કે ઈસુ કહે તેમ કરો. અને આપણે જાણીએ છીએ કે માતા મરિયમના કહેવાથી ઈસુએ સમય પાક્યો ન હોવા છતાં પોતાનો પહેલો પરચો કરીને પાણીને દ્રાક્ષાસવમાં પલટી નાખીને સૌની લાજ રાખી હતી.

આ સમગ્ર પ્રસંગમાં માતા મરિયમ કેન્દ્રસ્થાને છે અને આપણે એ પ્રસંગના સંદર્ભમાં માતા મરિયમ પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ.

એક, આપણા જીવનમાં માતા મરિયમ અને બાળ ઈસુનાં સંત થેરેસા પાસે હતી એવી ચિંતનશક્તિ કેળવી શકીએ છીએ. માણસની બૌદ્ધિક કે માનસિક શક્તિથી નહીં પણ હૃદયની ચેતનવંતી દ્રષ્ટિથી સમગ્ર પરિસ્થિતિને પારખી જનાર માતા મરિયમની જેમ આપણે પણ આપણી હૃદયશક્તિ કે હૃદય-દ્રષ્ટિ કેળવી શકીએ છીએ.

બે, કાના ગામમાં માતા મરિયમે ખૂટેલો દ્રાક્ષાસવ પોતે પૂરો પાડ્યો ન હતો. એમણે દ્રાક્ષાસવ ખૂટ્યો છે એ વાત ધ્યાનમાં લીધી અને એ મુશ્કેલીને નિવારવા યોગ્ય પગલાં લઈ શકે એવા પોતાના પુત્ર ઈસુને એની જાણ કરી. આપણી આસપાસ લોકો જાતજાતની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં ફસાયેલા હોય છે. આપણે આપણા કુટુંબ કે પાડોશીઓની વિટંબણાઓ અને દુઃખોથી વાકેફ નથી અને વાકેફ હોઈએ તો ઘણીવાર આપણી ટચલી આંગળી હલાવવા સુધ્ધાં તૈયાર નથી હોતાં. આપણે પણ માતા મરિયમની જેમ સજાગ રહીએ અને જ્યાં જરૂર હોય ત્યાં આપણાથી બનતું બધું કરવાની ભાવના કેળવી શકીએ છીએ.

ત્રણ, માતા મરિયમ પાસેથી આપણે વિનમ્ર હિંમતનો પદાર્થપાઠ શીખી શકીએ. યજમાનના ભંડારમાં દ્રાક્ષાસવ ખૂટ્યો અને માતા મરિયમ જાણે છે કે યજમાનની લાજ રાખવા માટે પોતે દ્રાક્ષાસવ પૂરો પાડી ન શકે. એટલે પ્રશ્નનો ઉકેલ લાવી શકે એવા પોતાના દીકરા પાસે માતા મરિયમ નમ્રતા અને હિંમતથી જાય છે. દ્રાક્ષાસવ ખૂટ્યાનો પ્રશ્ન ઈસુ કેવી રીતે ઉકેલશે એ વાત માતા મરિયમને ખબર નથી. છતાં એમને ખાતરી છે કે, ઈસુ એ પ્રશ્નનો ઉકેલ લાવશે. એટલે જ માતા મરિયમે નોકરોને કહ્યું, “એ કહે તેમ કરજો” (યોહાન 2, 5). માતા મરિયમે આપણને પણ ચીંધેલા રસ્તે આપણે નમ્રતાથી, હિંમતથી અને દ્રઢ ભરોસાથી આગળ વધીએ. માતા મરિયમની જેમ આપણી બધી સમસ્યા અને મુશ્કેલીઓમાં ઈસુ પાસે પહોંચી જઈએ.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.