અધ્યાય-23
સૂબાના દરબારમાં
- પછી બધા એકસાથે ઊભા થઈ ગયા ઇસે પિલાત પાસે લઈ ગયા.
- અને તેમના ઉપર આરોપ મુકવાની આ રીતે શરૂઆત કરી, અમને માલૂમ પડયું છે કે, આ માણસ અમારી પ્રજાને બળવો કરવા પ્રેરે છે. બાદશાહને કર આપવાની લોકોને મના કરે છે અને પોતે ખ્રિસ્ત છે, રાજા છે, એમ કહેવડાવે છે.
- ત્યારે પિલાતે ઈસુને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છું ? ઈસુએ જવાબ આપ્યો, તમે કહો છો !
- પછી પિલાતે મુખ્ય પુરોહિતોને અને ટોલાના લોકોને કહ્યું, મને આ માણસનો કોઈ દોષ દેખાતો નથી.
- પણ તે લોકોએ આગ્રહ ચાલુ રાખ્યો કે, આખા યહૂદિયા પ્રાંતમાં ફરી ફીને એ ઉપદેશ આપી લોકોને ઉશ્કેરે છે, ઠેટ ગાલીલથની તે અહીં સુધી.
- આ સાંભળીને પિલાતે પૂછયું કે, એ ગાલીલનો છે શું ?
- અને એ હેરોદના ઈલાકાનો છે એમ જાણવામાં આવતાં તેણે તેમને હેરોદ પાસે મોકલી આપ્યા. તે પણ એ વખતે યરુશાલેમમાં હતો.
હેરોદના દરબારમાં
- ઈસુને જોઈને હેરોદ તો રાજી રાજી થઈ ગયો. કારણ, એમને વિશે વાતો સાંભળી સાંભળીને તે લાંબા સમયથી એમને જોવા ઈચ્છતો હતો અને એમને હાથે કંઈ પરચો જોવાની આશા રાખતો હતો.
- તેણે ઈસુને પુષ્કળ સવાલો પૂછયા, પણ ઈસુએ કંઈ જ જવાબ ન આપ્યો.
- મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ ત્યાં ઊભા ઊભા ઈસુ ઉપર જોરશોરથી આક્ષેપો મુકતા રહ્યા.
- ત્યારે હેરોદે પોતાના સિપાઈ સાથે મળીને ઈસુનું ખૂબ અપમાન કર્યું અને તેમની મશ્કરી ઉડાવી. પછી ભભકાદાર વસ્ત્ર ઓઢાડીને તેમને પાછા પિલાત પાસે મોકલી આપ્યા.
- તે જ દિવસે હેરોદ અને પિલાત એકબીજાના મિત્ર થઈ ગયા. એ પહેલાં બંને એકબીજાના દુશ્મન હતા.
મૃત્યુદંડ
- પિલાતે હવે મુખ્ય પુરોહિતો, આગેવાનો અને લોકોને બોલાવીને તેમને કહ્યું.
- તમે આ માણસ લોકોને ઉશ્કેરે છે એવો આરોપ મૂકીને એને મારી આગળ લઈ આવ્યા હતા. પણ તમારા દેખતાં મેં એને તપાસ્યો તો તમે એની સામે જે ગુનાનો આરોપ મૂક્યો છે, તેમાંનું કશું મને મળ્યું નથી,
- તેમ હેરોદને પણ કંઈ મળ્યું નથી.
- એટલે તેણે એને પાછો અમારી પાસે મોકલી આપ્યો છે. તમે જુઓ છો કે, મૃત્યુની સજાને પાત્ર થવા જેવું એણે કશું કર્યું નથી.
- એટલે હું તો એને થોડી સજા કરીને છોડી દઈશ.
- પાસ્ખાના પર્વ ઉપર લોકો ઈચ્છે તે એક કેદીને છોડી દેવા તે બંધાયેલો હતો.
- પણ તેઓ બધા એકીસાથે બૂમ પાડી ઊઠયા. એને પૂરો કરો, અને બરબ્બાસને છોડી દો !
- બરબ્બાસને શહેરમાં થયેલા હુલ્લડ અંગે અને ખૂનને માટે કેદમાં પૂરવામાં આવ્યો હતો.
- ઈસુને છોડી દેવાની ઈચ્છાથી પિલાતે ફરી તે લોકોને સમજાવ્યા.
- પણ તેઓ સામેથી પુકારી ઊઠયા તમે એને ક્રૂસે ચડાવો ! ક્રૂસે ચડાવો !
- પિલાતે ત્રીજી વાર તે લોકોને કહ્યું, પણ એ માણસે શો ગુનો કર્યો છે ? મોતની સજાને પાત્ર કોઈ ગુનો મને દેખાતો નથી. એટલે હું તો એને થોડી સજા કરીને છોડીને મૂકીશ.
- પણ તે લોકો પોતાની વાતને વળી રહ્યા અને મોટેથી ઘાંટા પાડીને ઈસુને ક્રૂસે ચડાવવાની માગણી કરતા રહ્યા.
- જે માણસને હુલ્લડ અને ખૂનને માટે કેદમાં પૂરવામાં આવ્યો હતો, અને જેની એ લોકો માણી કરતા હતા, તેને પિલાતે છોડી મૂક્યો અને ઈસુને લોકોની મરજી ઉપર છોડી દીધા.
ક્રૂસારોહણને માર્ગ
- તેઓ ઈસુને લઈ જતા હતા, એવામાં ગામડેથી પાછા વળતા ક્રૂરેને ગામના સિમોના નામના એક માણસને તેમણે પકડયો અને ક્રૂસ તેના ઉપર ચડાવી દઈ ઈસુની પાછળ આવવા કહ્યું.
- ઈસુની પાછળ લોકોનું મોટું ટોળું ચાલતું હતું. અને તેમાં તેમને માટે છાતી ફૂટતી અને વિલાપ કરતી સ્ત્રીઓ પણ હતી.
- ઈસુએ તેમના તરફ ફરીને તેમને કહ્યું યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ, તમારે પોતાને માટે અને તમારાં સંતાનો માટે રડો.
- કારણ, એવા દિવસો આવી રહ્યા છે. જ્યારે માણસો કહેશે કે, જે નિઃસંતાન છે, જેણે નથી જણ્યું કે નથી ધવરાવ્યું, તે ભાગ્યશાળી છે.
- ત્યારે લોકો પહાડોને ઉદ્દેશીને કહેશે, અમારા ઉપર પડો ! અને ડુંગરાઓને કહેશે, એમને દાટી દો ! કારણ, લીલા ઝાડની જો આ દશા કરે છે તો સુકાની તો કેવીય થશે ?
- ઈસુની સાથે બીજા બે ગુનેગારો ને પણ દેહાંતદંડ માટે તેઓ લઈ જતા હતા.
- જ્યારે તેઓ ખોપરી નામની જગ્યાએ પહોંચ્યા, ત્યારે ત્યાં આગળ તેઓએ ઈસુને અને સાથે સાથે પેલા ગુનેગારોને પણ ક્રૂસે જડી દીધા એકને તેમની જમણી બાજુએ અને એકને ડાબી બાજુએ.
- ઈસુ બોલ્યા, હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી.
- પછી તેમણે ચિઠ્ઠી નાખીને તેમના કપડાં વહેંચી લીધાં.
- લોકો ઊભા ઊભા જોઈ રહ્યા, અને આગેવાનો હાંસી ઉડાવવા લાગ્યા, તેઓ કહેતા હતા, બીજાને તો એણે બચાવ્યા, હવે જો ઈશ્વરનો અભિષિક્ત મુકિતદાતા હોય, તેનો વરેલો હોય, તો પોતાની જાતને બચાવે !
- સિપાઈઓ પણ મશ્કરી કરતા હતા, તેમણે પાસે આવી સરકો આપતાં કહ્યું.
- તું જો યહૂદીઓનો રાજા હોય, તો તારી જાતને બચાવને !
- કારણ, ઈસુના માથા આગળ એક લેખ ચોડેલો હતો, આ યહૂદીઓનો રાજા છે.
- ક્રૂસે લટકાવવામાં આવેલ ગુનેગારોમાંના એકે તેમને ટોણો માર્યો, તું મુક્તિદાતા નથી ? તો તારી જાતને અને અમને બચાવ.
- પણ બીજાએ તેને ઠપકો આપીને કહ્યું, તને ઈશ્વરનોય જર નથી ? તને પણ એ જ સજા થયેલી છે.
- આપણી સજામાં પૂરો ન્યાય છે, કારણ. આપણે આપણાં કર્યો ભોગવીએ છીએ. પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી.
- પછી તેણે કહ્યું, ઈસુ, આપ જ્યારે આપના રાજ્યાસન ઉપર આવો. ત્યારે મને સંભરાજો.
- ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે, આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે.
અંધારા ઊતર્યાં
- હવે, લગભગ મધ્યાહ્ન થવા આવ્યો હતો. સુર્ય ઢંકાઈ ગયો અને પ્રદેશ ઉપર ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાઈ ગયો.
- મંદિરનો પડદો વચ્ચેથી ચિરાઈ ગયો અને
- ઈસુ મોટેથી બુમ પાડી ઊઠયા, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપુ છું ! એટલું બોલીને તેમણે પ્રાણ છોડયા.
- આ બધું જોઈને સુબેદાર ઈશ્વરની સ્તુતિ કરતાં બોલ્યો, સાચે જ એ માણસ ધર્માત્મા હતો.
- દશ્ય જોવાનો ભેગા થયેલા બધા લોકો આ ઘટનાઓ જોઈને છાતી કૂટતા કૂટતા પાછા ગયા.
- સુના ઓળખીતાઓ અને ગાલીલથી ઈસુ સાથે આવેલા સ્ત્રીઓ દૂર ઊભાં રહ્યાં રહ્યાં આ બધું જોતાં હતાં.
- એવામાં યોસેફ નામના વરિષ્ઠ સભાનો એક સભ્ય આવી પહોંચ્યો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો.
- તેણે એ લોકોની યોજનામાં કે તા અમલમાં સંમતિ આપી નહોતી. તે યહુદિયાના એક ગામ અમરિથાઈનો વતની હતો.
- અને ઈશ્વરના રાજ્યની પ્રતિક્ષા કરતો હતો.
- તેમે પિલાત પાસે જઈને ઈસુના શબની માગણી કરી.
- પછી તેણે શબને ઉતારી શણના કાપડમાં વીંટી ખડકમાં કોરી કાઢેલી વણવાપરી કબરમાં મૂક્યું.
- એ શુક્રવાર હતો, અને વિશ્રામવાર શરૂ થવાની તૈયારી હતી.
- જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે સાથે આવી હતી તેઓ યોસેફની પાછળ પાછળ ગઈ. તેમણે કબર અને શબની ગોઠવણી ધ્યાનથી જોઈ.
- પછી તેઓએ ઘેર જઈને સુગંધી દ્રવ્યો અને અત્તર તૈયાર કર્યા.
- વિશ્રામવારને દિવસે તેઓએ શાસ્ત્રની આજ્ઞાનુસાર વિશ્રામ લીધો.